ભારત-અમેરિકી સંબંધોની મજબૂતીમાં બાયડનનું યોગદાન અમૂલ્ય : મોદી

 

વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક્સ પાર્ટીના ઉમેદવાર જો બાયડનને જીત મળતાં જ દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશ શરૂ થયા છે. ઘણા વૈશ્વિક નેતાઓએ જો બાયડનને જીતના અભિનંદન પાઠવવાની સાથે વૈશ્વિક લોકતંત્ર મજબૂત કરવાની તક પણ ગણાવી હતી. નેતાઓએ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે પહેલી વખત કોઈ મહિલાની પસંદગી ઉપર પણ ખુશી વ્યક્ત કરી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જો બાયડન અને કમલા હેરિસને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ફ્રેન્ચ રાષ્ટ્રપતિ, ઈઝરાયલન વડા પ્રધાન વગેરેએ જો બાયડનને અભિનંદન પાઠવ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાયડન સાથે પોતાની તસવીર શેર કરીને શાનદાર જીતની શુભેચ્છા આપી હતી. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, ભારત અમેરિકા સંબંધોને મજબૂત કરવામાં આપનું યોગદાન અમૂલ્ય હતું. બંને દેશના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા એક વાર ફરી સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરું છું. 

નરેન્દ્ર મોદીના ટ્રમ્પ સાથે પણ સારા સંબંધ રહ્યા છે. મોદીએ કમલા હેરિસને પણ જીતના અભિનંદન પાઠવ્યાં હતાં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમેરિકનોએ પોતાના રાષ્ટ્રપતિ પસંદ કરી લીધા છે. જો બાયડન અને કમલા હેરિસને અભિનંદન તેમજ સાથે મળીને કામ કરવાનું આહ્વાન પણ કર્યું હતું. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જો બાયડન અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની પ્રશંસા કરી હતી. નેતન્યાહુએ ટ્વિટ કર્યું હતું કે, જો બાયડન અને કમલા હેરિસને શુભેચ્છા છે. બાયડન સાથે લગભગ ૪૦ વર્ષ લાંબો અને પ્રગાઢ સંબંધ છે. આ સાથે યુક્રેન, જર્મની, સ્લોવેનિયા, ઈરાક, યુએઈ, બ્રિટન સહિતના દેશો તરફથી જો બાયડન અને કમલા હેરિસને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here