જૈન સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યમાં આગવું પ્રદાન

0
3400

જૈન ધર્મ ભારતનો પ્રાચીનતમ ધર્મ છે. જૈન ધર્મનું નામ લેતાં જ કરુણામૂર્તિ મહાવીર સ્વામીનું સ્મરણ થાય. મહાવીર સ્વામી પૂર્વે ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા, જેઓ ભારતવર્ષની ભૂમિ પર જન્મ્યા હતા, જેમણે કઠોર તપસ્યા અને સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત ર્ક્યું. જનતાને ધર્મોપદેશ આપી ભારતમાં જ નિર્વાણપદ પામ્યા. જૈન પરંપરા પ્રમાણે ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતાં, જેમણે યુગલિક ધર્મનું નિવારણ કરી શાસ્ત્ર, લેખનકળા, કૃષિકળા અને વિદ્યાઓ, કળાનું શિક્ષણ આપી ભારતીય સંસ્કૃતિને એક નૂતન સ્વરૂપ આપ્યું. તેઓએ પોતાની મોટી પુત્રી બ્રાહ્મીને જે લિપિ શીખવાડી તે પ્રાચીનતમ લિપિ બ્રાહ્મીના નામથી પ્રસિદ્ધ થઈ અને નાની પુત્રી સુંદરીને અંક શીખવાડ્યા, જેનાથી ગણિતવિદ્યાનો વિકાસ થયો. પુરુષોને 7ર કળા અને સ્ત્રીઓને 64 કળાઓ તેમણે શીખવી.
ઋષભદેવના મોટા પુત્ર ભરતે 6 ખંડો પર વિજય મેળવી ચક્રવર્તી સમ્રાટ બન્યા. અને તેના નામથી આ દેશનું નામ ભારત પ્રસિદ્ધ થયું. ભગવાન ઋષભદેવે વ્યાવહારિક શિક્ષણ આપ્યા બાદ ઉત્તરાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કરી કઠિન તપસ્યા તથા ધ્યાનસાધનાથી આત્મિક જ્ઞાન પ્રાપ્ત ર્ક્યું. તે પરિપૂર્ણ અને વિશિષ્ટ જ્ઞાન કેવળજ્ઞાનથી જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે. ત્યાર બાદ તેમણે આધ્યાત્મિક સાધનાનો માર્ગ બતાવ્યો. આત્મિક ઉન્નતિ અને મોક્ષમાર્ગ બધાને બતાવ્યો. આથી ઋષભદેવનું જૈન સાહિત્યમાં સર્વાધિક મહત્ત્વ છે. તેમના પછી તેમની પરંપરામાં ર3 તીર્થંકરો થયા, જેઓએ સાધના દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ બધા કેવળીઓનું જ્ઞાન એકસરખું જ હોય છે.
એટલા માટે ઋષભદેવની જ્ઞાનપરંપરા અંતિમ છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની વાણી અને ઉપદેશના રૂપમાં આજે પણ આપણને પ્રાપ્ત છે. સમસ્ત જૈન સાહિત્યનો મૂળ આધાર કેવળજ્ઞાની-તીર્થંકરોની વાણી જ છે ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષ સુધી અનેક સ્થળોએ વિચરણ કરી ધર્મોપદેશ આપ્યો, જેનો તેમના મુખ્ય શિષ્ય ગૌતમે અને 11 ગણધરોએ સૂત્રરૂપમાં દ્વાદશાંગગણિ પિટકમાં સંગ્રહ કર્યો. આ 1ર અંગસૂત્રોમાંથી દષ્ટિવાદ અંગસૂત્ર ખૂબ મોટું અને વિશિષ્ટ જ્ઞાનનું સ્તોત્ર હતું, જે લુપ્ત થયું. બાકીનાં 11 અંગસૂત્રો આશરે હજારેક સાલ સુધી મૌખિક રૂપે પ્રચલિત રહ્યાં. એટલે તેના પણ ઘણાં અંશો વિસ્મૃત થઈ ગયા. ઈ. સ. 4પ4માં દેવર્દ્વિગણી ક્ષમાશ્રમણે સૌરાષ્ટ્રના વલ્લભીનગરીમાં તે સમયે જે આગમો મૌખિક પ્રાપ્ત હતા તેને લિપિબદ્ધ કર્યા. આથી પ્રાચીનતમ જૈન સાહિત્યના રૂપમાં તે 11 અંગ અને તેના ઉપાંગ તથા તેના આધારે બનેલા જે આગમ આજે પણ પ્રાપ્ય છે.
મહાવીરે તત્કાલીન લોકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો તે પરંપરાને જૈનાચાર્યોએ પણ પાંચસો વર્ષ સુધી બરાબર નિભાવી. ત્યાર પછી સંસ્કૃતના વધતા જતા પ્રચારથી જૈન વિદ્વાનો પણ પ્રભાવિત થયા. તેઓએ પ્રાકૃતની સાથોસાથ સંસ્કૃતમાં પણ રચના કરવાનો પ્રારંભ કર્યો. ઉપલબ્ધ જૈન સાહિત્યમાં સૌથી પહેલો સંસ્કૃત ગ્રંથ આચાર્ય ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થસૂત્ર માનવામાં આવે છે, જે વિક્રમની બીજી-ત્રીજી શતાબ્દીની રચના છે. એ પછી તો સમન્તભ, સિદ્ધસેન, પૂજ્યપાદ, અકલંક વગેરે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના વિદ્વાનો દ્વારા દાર્શનિક ન્યાય ગ્રંથ અને ટીકાઓ વગેરે સંસ્કૃતમાં રચાતી રહી.
લોકભાષામાં નિરંતર પરિવર્તન થતું રહે છે. આથી પ્રાકૃત ભાષા અપભ્રંશના રૂપમાં ફેરવાઈ ગઈ. અપભ્રંશ ભાષામાં પણ જૈનોએ જ સૌથી વધુ સાહિત્યનું સર્જન કર્યું છે. કવિ સ્વયંભૂ, પુષ્પદંત, ધનપાલ વગેરે અપભ્રંશના જૈન મહાકવિઓ છે. જૈનેતર રચિત અપભં્રશ સાહિત્ય વિશેષ જોવા નથી મળતું. અપભં્રશથી ઉત્તર ભારતની પ્રાંતીય ભાષાઓનો વિકાસ થયો. તેરમી સદીથી રાજસ્થાની, ગુજરાતી અને હિન્દીમાં સાહિત્ય મળવા માંડ્યું હતું અને પંદરમી સદી સુધી અપભં્રશનો પ્રભાવ તે રચનાઓમાં જોવા મળે છે. આ ઉપરાંત સિંધી, મરાઠી, બંગાળી વગેરે અન્ય પ્રાંતીય ભાષાઓમાં પણ જૈનોની રચનાઓ જોવા મળે છે.
લોકભાષાની જેમ લોકકથાઓ અને લોકગીતોને પણ જૈનોએ વિશેષરૂપે અપનાવ્યાં છે. આથી જ લોકકથાઓનો મોટો ભંડાર જૈન સાહિત્યમાં જોવા મળે છે. લોકગીતોની ચાલ કે તર્જ પર હજારો સ્તવન, સજ્જાય, ઢાળ વગેરે નાનાંમોટાં કાવ્યો રચાયાં છે તે ઢાળ વગેરેના પ્રારંભે કયા લોકગીતની તર્જ પર તે ગીતને ગાવું જોઈએ તેનો ઉલ્લેખ કરી તે લોકગીતની પ્રારંભિક પંક્તિઓ મૂકવામાં આવી છે, જેનાથી હજારો વિસ્મૃત અને લુપ્ત લોકગીતોની જાણકારી મળવાની સાથોસાથ કયું ગીત કેટલું જૂનું છે તેનો નિર્ણય કરવામાં સરળતા રહે છે.
એક એક લોકકથાને લઈને અનેક જૈન રચનાઓ પ્રાકૃત, સંસ્કૃત, રાજસ્થાની વગેરે ભાષાઓમાં જૈન વિદ્વાનોએ લખી છે. આનાથી તે લોકકથાઓ કેટલી જૂની છે, તેનું મૂળ રૂપ શું હતું, ક્યારે કેવું અને કેટલું પરિવર્તન તેમાં થતું રહ્યું, આ બધી વાતોની જાણકારી જૈન કથા સાહિત્યથી જ અધિક મળી શકે છે. જૈન સાહિત્ય સતત લખાતું રહ્યું અને તેનું સંરક્ષણ, સંવર્ધન થતું રહ્યું. જૈન જ્ઞાન ભંડારોમાં માત્ર જૈન સાહિત્ય જ નહિ, પરંતુ જૈનેતર સાહિત્યના પ્રાચીન ગ્રંથોની જાળવણી કરવામાં આવે છે. જેસલમેર, પાટણ, ખંભાત, વડોદરાના જૈન ભંડારોમાં બારમી સદીથી પંદરમી સદી સુધીની તાડપત્રીની પ્રતો ઉપલબ્ધ છે. જૈન સાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વિકારવર્ધક અને વાસનાઓને ઉત્તેજિત કરનાર સાહિત્યને સ્થાન નથી મળ્યું, જેનાથી લોકજીવનનું નૈતિક સ્તર ઊંચે ઊઠ્યું અને ભારતનું ગૌરવ વધ્યું છે. જૈન મુનિઓ સતત ભ્રમણ કરતા રહેવાના કારણે વિવિધ પ્રદેશોની ભાષઓમાં જૈન વિદ્વાનો સાહિત્યનું સર્જન કરતા રહ્યા, જેનાથી જે તે ભાષાનો વિકાસ સારો થયો. જીવન ઉપયોગી દરેક વિષય, જેવા કે વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, કાવ્યશાસ્ત્ર, વૈદ્યક, મંત્રતંત્ર, ગણિત, રત્નપરીક્ષા વગેરે અનેક વિષયોમાં જૈન સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, કન્નડ, તમિલ અને રાજસ્થાની, હિન્દી, ગુજરાતીમાં ઉપલબ્ધ છે. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકજીવન સંબંધી ઘણી જ મહત્ત્વપૂર્ણ સામગ્રી જૈન ગ્રંથોમાંથી મળી રહે છે.
ભારતીય સમાજને ઉપકારક એવું સર્વજન ઉપયોગી સાહિત્ય જૈન ગ્રંથોમાં ઘણું જ છે. મુનિશ્રી પુણ્યવિજયજી સંપાદિત પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ અંગવિજ્જા જે અંગવિદ્યાનો એક માત્ર પ્રાચીન ગં્રથ છે, જેમાં વિપુલ અને વિવિધ સાંસ્કૃતિક સામગ્રી સુરક્ષિત છે. પ્રાકૃત ભાષામાં સંઘદાસગણિએ લખેલા વાસુદેવ હિન્ડીમાં શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના ભ્રમણ અંગે તથા અનેક પૌરાણિક અને લૌકિક કથાઓનો સમાવેશ જોવા મળે છે. ઋષિભાષિતમાં જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે ધર્મોના ઋષિમુનિઓનાં વચનોનો સંગ્રહ છે. ભારતીય મુણશાસ્ત્ર અંગેનો ગં્રથ વ્યપરીક્ષા અલાઉદીન ખિલજીના ભંડારી જૈન શ્રાવક ઠક્કુર ફેરુએ તૈયાર કરેલો. આચાર્ય જિનસેનરચિત સંસ્કૃત ભાષામાં પાર્શ્વાભ્યુદય કાવ્યમાં ‘મેઘદૂત’ના સમગ્ર ચરણોની પાદપૂર્તિ રૂપે ભગવાન પાર્શ્વનાથનું ચરિત્ર આપવમાં આવ્યું છે. વિશ્વ સાહિત્યમાં અન્ય જૈન સંસ્કૃત ગ્રંથ અષ્ટલક્ષી છે, જે સમ્રાટ અકબરના સમયમાં મહોપાધ્યાય સમયસુંદરજીએ ઈ. સ. 1પ93માં રચ્યો હતો, જેમાં રાજા ો દદતે સૌખ્યમ આ આઠ અક્ષરવાળા વાક્યના દસ લાખથી પણ વધુ અર્થ કર્યા છે. અઢારમી સદીમાં મેઘવિજય રચિત સંસ્કૃતમાં સપ્ત સન્ધાન મહાકાવ્ય છે, જેમાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી તથા લોકપ્રસિદ્ધ મહાપુરુષો રામ અને કૃષ્ણની જીવની એકસાથે ચાલે છે.
દક્ષિણના દિગંબર જૈન વિદ્વાન હંસદેવ રચિત મૃગપક્ષીશાસ્ત્રમાં પશુપક્ષીઓની જાતિ તેમ જ સ્વરૂપનું વર્ણન છે. કન્નડ સાહિત્યમાં સિરિ ભૂવલય ગં્રથ અંકોમાં લખાયેલ છે. જેમાં અનેક ગં્રથ સંકલિત છે તેમ જ અનેક ભાષાઓ પ્રયુક્ત છે. હિન્દી ભાષામાં અર્દ્ઘકથાનક ઉલ્લેખનીય રચના છે, જે 17મી સદીમાં જૈન કવિ બનારસીદાસજીએ પોતાની આત્મકથા ખૂબ જ રોચકરૂપે આ ગં્રથમાં આલેખી છે. આ રીતે અનેક મહત્ત્વપૂર્ણ ગં્રથ જૈન સાહિત્યમાં પ્રાપ્ત છે, જેનાથી ભારતીય સાહિત્ય ગૌરવાન્વિત થયું છે.

લેખક કર્મશીલ પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here