ભારતના 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીઃ વડાપ્રધાનની ત્રણ મોટી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી 82 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે આ ભાષણમાં ત્રણ મોટી જાહેરાત કરી છે. પહેલી- 2022માં આઝાદીના 75 વર્ષ પૂરાં થતા ભારત અંતરિક્ષમાં માનવ મિશન સાથે ગગનયાન મોકલશે અને તે આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. બીજી મોટી જાહેરાત- સશસ્ત્ર દળમાં મહિલાઓને પુરુષોની સમાન સ્થાયી કમિશન આપવામાં આવશે. ત્રીજી મોટી જાહેરાતમાં 10 કરોડ ગરીબ પરિવારને રૂ. પાંચ લાખ સુધીનો મફત હેલ્થ કવર આપવામાં આવશે. 25 સપ્ટેમ્બરથી આયુષ્માન ભારત યોજનાની શરૂઆત થશે.
વડાપ્રધાને કહ્યું હતું કે આજે લાલ કિલ્લા પરથી હું ખુશખબર આપવા માગુ છું. આપણો દેશ અંતરિક્ષની દુનિયામાં પ્રગતિ કરી રહ્યો છે. આપણે સપનું જોયું છે કે, 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અથવા તેના પહેલાં ભારતનું કોઈ સંતાન પછી તે દીકરો હોય કે દીકરી તે અંતરિક્ષમાં જશે. હાથમાં ત્રિરંગો લઈને જશે. આઝાદીના 75 વર્ષ પૂરાં થતાં પહેલાં આ સપનાને પૂર્ણ કરવાનું છે. ભારતના વૈજ્ઞાનિકોએ મંગળયાનથી લઈને અત્યાર સુધી તેમની તાકાતનો પરિચય કરાવ્યો છે. જ્યારે આપણે માનવ સહિત અંતરિક્ષ યાન લઈને જઈશું ત્યારે ભારત અંતરિક્ષમાં માનવ યાન લઈને જનાર દુનિયાનો ચોથો દેશ બનશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આયુષ્માન ભારત યોજના 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. આયુષ્માન ભારત યોજનામાં પહેલાં દસ કરોડ પરિવારોને સામેલ કરવામાં આવશે. ત્યારપછી મધ્ય અને ઉચ્ચ મધ્યમ વર્ગનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત વાર્ષિક સારવાર માટે રૂ. પાંચ લાખની મદદ કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને આ સુવિધા મેળવવામાં તકલીફ ન થાય તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતી પર પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરી દેવામાં આવશે. આ યોજનામાં 10 કરોડ ગરીબ પરિવારના 50 કરોડ લોકો સામેલ થશે.


વડાપ્રધાને દેશની બહાદૂર દીકરીઓને ખુશખબર આપતા કહ્યું કે ભારતની સશસ્ત્ર સેનામાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા નિમણૂંક થતી મહિલા અધિકારીઓને પુરુષ સમકક્ષ અધિકારીઓની જેમ સ્થાયી કમિશન આપવામાં આવશે. વર્તમાન સમયમાં મહિલાઓ માત્ર જજ, એડ્વોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશન કોરમાં જ કાયમી કમિશનની હકદાર છે. મોટા ભાગની મહિલાઓ સેનામાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા આવે છે અને તેમની પાસે મહત્તમ 14 વર્ષનો કાર્યકાળ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here