મુંબઇમાં યોજાયેલ અમિત શાહની બેઠકમાં ટિકિટ વહેંચણીનું કોકડું ઉકેલાયું

મુંબઈઃ લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાતમાં થોડા જ દિવસો બાકી છે ત્યારે દરેક રાજકીય પક્ષ ઉમેદવારોનો યાદી તૈયાર કરવામાં લાગી ગયો છે. કોંગ્રેસની આગેવાનીમાં બનેલા ઈન્ડિયા ગઠબંધનમાં પક્ષો વચ્ચેની ખેંચતાણને લીધે આ સમસ્યા વધારે વિકટ છે, પરંતુ ભાજપ માટે પણ રસ્તો સાવ સરળ નથી. જે રાજ્યોમાં ભાજપ પ્રાદેશિક પક્ષો સાથે સત્તાની ભાગીદારીમાં છે ત્યાં બેઠકોની વહેંચણી અઘરી જણાઈ રહી છે. આવા જ રાજ્ય મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપી, શિવસેના સાથે સત્તામાં છે ત્યારે બેઠકોની વહેંચણી માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહે મુંબઈ આવ્યા હતા. આ ત્રણેય પક્ષો વચ્ચે લાંબી ચાલેલી મુલાકાતમાં બેઠકોની વહેંચણી અંગે શું ચર્ચા થઈ તેના બિન સત્તાવાર અહેવાલો મળી રહ્યા છે. મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી 32 બેઠક પર ભાજપે પોતાનો દાવો કર્યો છે અને શિંદે જૂથને દસ બેઠક ઓફર કરી છે. અજિત પવારની એનસીપીને ત્રણ બેઠક ઓફર કરવામાં આવી છે જ્યારે બાકીની ત્રણ બેઠક પરથી ઉમેદવાર ભાજપના ચિહ્ન પર લડે તેવી શરત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2019માં શિવસેના અને ભાજપ સાથે લડ્યા હતા અને તેથી શિવસેનાના જીતેલા સાંસદની સંખ્યા એનસીપી કરતા વધારે છે. તેમાંથી ઘણા સાંસદો શિંદે જૂથમાં જોડાયા છે. એનસીપીના હાથમા ઓછી બેઠક છે. અજિત પવારને બારામતી, રાયગઢ, શિરૂરની બેઠક આપવામાં આવશે તેમ કહેવાય છે. જોકે કમળના ચિહ્ન પર લડવા બન્ને સાથી પક્ષો તૈયાર થશે કે નહીં તે મામલે મોટી મુંઝવણ છે. અમિત શાહે પહેલા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને ત્યારબાદ એકનાથ શિંદે અને આશિષ સેલાર સાથે મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here