હવે મારે તારી કઠપૂતળી બની રહેવું નથી!

0
1339

બેટર યુ અન્ડરસ્ટેન્ડ
‘મારે મિસરી મેડમને મળવું છે’
‘કેમ? એપોઇમેન્ટ લીધી છે?’
‘એમની સાથે ફોન પર વાત થઈ ગઈ છે. એમણે અત્યારની એપોઇમેન્ટ આપી છે.’
‘પણ કામ શું છે? મને કહો…’
‘મારે વાત તો મેડમ સાથે જ કરવાની છે…’
‘પણ આજના એપોઇમેન્ટ લિસ્ટમાં તમારું નામ નથી…’
‘મે કહ્યું ને ફોન પર…’
‘પણ, કામ કહ્યા વગર…’
ત્યાં જ મિસરી મેડમ આવી ગયાં ઘરમાં જ બનાવેલી ઓફિસમાંથી અને…

‘રાજેશ, તું હમણાંનો મને બહુ ડિસ્ટર્બ કરે છે. મારી બાબતોમાં તારું ઇન્ટરફિયરન્સ ખૂબ વધી ગયું છે?’
‘પણ એમાં નવું શું છે? હું વર્ષોથી તને હેલ્પ કરતો આવ્યું છું. તને પુશઅપ કરતો આવ્યો છું. હવે તું એને કેમ ડિસ્ટર્બ અને ઇન્ટરફિયરન્સ કહે છે એ મને સમજાતું નથી.’ મિસરી મૌન રહી એટલે રાજેશ સહેજ હસ્યો અને ઉમેર્યું, ‘હું તો તને હેલ્પ કરું છું.’
‘આ હેલ્પ નથી. તું તારી જાતે નિર્ણય લે છે અને પછી મારા પર થોપી દે છે. મને આ નથી ગમતું. કોઈને પણ તેમની વાત મારી સાથે કરવા દે. તું મને આજની જેમ મળવાની જ ના પાડે, મળવા જ ન દે એ કેવી રીતે ચાલે? આમેય નગરપાલિકામાં સાતેય સ્ત્રી કાઉન્સિલર્સના પતિઓનું તમે એક એસોસિયેશન જેવું જ બનાવ્યું છે ને?’
‘મિસરી, તું આવો ચાર્જ કેમ મૂકે છે?’
‘મેં ચાર્જ નથી મૂક્યો. હકીકત કહી છે. જોકે શરૂઆતમાં મેં એ બધું ચલાવી લીધું એ મારી કદાચ ભૂલ હતી, પણ મને હવે પોલિટિક્સમાં દસ વર્ષ થઈ ગયાં…’
‘એટલે તું મને સંભળાવે છે.’
‘હું સંભળાવતી નથી, પણ તમે બધા જે કરો છો એ ઠીક નથી. ચીફ ઓફિસર સાથે તમે વાત કરો, ટેન્ડરમાંય દખલગીરી કરો… અને હવે તમે મિટિંગમાંય આવવાની વાત કરો છો એ બરાબર છે?’
‘આમેય અમે ફરજ સમજીને જ પત્નીઓને હેલ્પ કરીએ છીએ. ગામડાંઓમાં સ્ત્રી સરપંચ હોય તો એનો વર જ બધો વહીવટ ચલાવે છે ને?’
‘ગામડાંઓમાં આમ ચાલતું હોય, પણ આ તો નગરપાલિકા છે. હું નગર-પાલિકાની ઉપપ્રમુખ છું. તું નથી, તાલુકાની પ્રભારી હું છું, તું નથી. મહિલા આયોગની જિલ્લામંત્રી હું છું, તું નથી. મને મારી રીતે કામ કરવા દે.’ મિસરી મેડમ થોડાં ગુસ્સે થઈને બોલતાં હતાં. ‘મારા નિર્ણયો મને લેવા દે. મારું કામ મને કરવા દે. તું તારું સંભાળ…’
‘હવે તું પોપ્યુલર થઈ. પક્ષમાં તારું નામ થયું એટલે મને ડિસકાર્ડ કરવા માગે છે? તને તાલુકામાં કોણ લાવ્યું? નગરપાલિકાના ઇલેક્શનમાં મેં ઓછી મહેનત નથી કરી, તને જિતાડવા? હુંય રાતોની રાતો દોડ્યો છું…’
‘તે મારા પર ઉપકાર કર્યો છે? બિલકુલ નહિ. એ તારું સપનું હતું અને પછી મારું પણ સપનું હતું, પણ હવે તું મને ઓવરલુક કરે એ સહેજ પણ યોગ્ય નથી. હું હવે એ ચલાવી લેવા નથી માગતી. મારી પણ એક ઇમેજ છે આ ગામમાં. મારો પણ એક મત છે તાલુકા અને જિલ્લાના પોલિટિક્સમાં. હા, તેં થોડી ઘણી મહેનત કરી, હેલ્પ કરી એ કબૂલ. મને સપોર્ટ કર્યો એમાંય એગ્રી, પણ શું મારામાં કોઈ કેપેસિટી જ નહોતી? મારામાં ડિસિઝન પાવર નહોતો? સમજી લેજે કે હું પહેલેથી જ તારી કઠપૂતળી નહોતી. અત્યારે પણ હું સ્વતંત્ર નિર્ણય લઈ શકું છું.’ મિસરી સહેજ થોભી, રાજેશને ઓબ્ઝર્વ કર્યો અને બોલી, ‘મારું થોબડું જોઈને મને જિલ્લા મહિલા આયોગની પ્રમુખ નથી બનાવી. હાઈકમાન્ડે પૂરેપૂરી તપાસ કરી છે. કાર્યકરોમાં મારું કેટલું માન છે તેનો અંદાજ મેળવ્યો છે. સામાન્ય માણસોનાં કેટલાં કામ સર્વે કર્યાં છે તેનો શેરીએ શેરીએ, સોસાયટીએ સોસાયટીએ જઈને સર્વે કર્યો છે. કેટલાં ગામડાંઓ હું ફરી છું એ બધુંય હાઈકમાન્ડ જાણે છે એટલે રાજેશ, પ્લાઝ મારામાં માથું નહિ માર. હવે મારે તારી કઠપૂતળી બની રહેવું નથી. મારી ઇમેજ કેટલી છે અને કેવી છે એ તનેય ખબર છે. માટે પ્લીઝ, પ્લીઝ, મને તારી કઠપૂતળી ન સમજીશ, હવેથી.’ મિસરી સહેજ થોભી અને બોલી, ‘અન્ડરસ્ટેન્ડ? બેટર યુ અન્ડરસ્ટેન્ડ!’
એક હતા દાદા
આજે હું તમને એક દાદાની વાર્તા કહીશ. દાદા એટલે વળી દાદા એટલે દાદા.
આપણા દાદા 81 વર્ષના છે. 41મે વર્ષે મેરેજ કર્યા છે. અત્યારે બે પુત્રો, બે પુત્રીવધૂઓ, ત્રણ પૌત્રો અને બે પૌત્રીઓ છે.
આપણા દાદા તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રનને વાર્તા કહે છે. વાર્તા સાંભળતી વખતે એક જણ ખોળામાં રમે છે, રમતાં રમતાં સૂઈ જાય છે. કોઈ એમની મૂછ ખેંચે છે તો કોઈ એમની ટાલ પર હાથ ફેરવીને ટપલીઓ મારે છે. દાદા હસે છે. વાર્તા ચાલુ રાખે છે. છોકરાં હસે છે. વાર્તા સાંભળે છે. વચ્ચે વચ્ચે ‘હેં દાદા…’, ‘દાદા એવું?’, ‘દાદા ફરીથી બોલોને’ એમને હોંકારો પુરાવતાં જાય છે.
એમ વાર્તા આગળ ચાલે છે. વચમાં દાદા પાણી લઈ આવે છે. અને એમ ચાલે છે એમની વાર્તા…
એક વાર વાર્તા સાંભળતાં સાંભળતાં છોકરા બહુ હસે છે. દાદા પણ બહુ હસે છે. દાદાને હસતા જોઈ છોકરાં ખડખડાટ હસે છે. દાદા પણ ખડખડાટ હસે છે. ફરી છોકરાં અને દાદા બન્ને ખડખડાટ હસે છે, બસ હસે જ જાય છે.
અને એકાએક દાદાના ધબકારા વધી જાય છે અને દાદા બોલતા બંધ થઈ જાય છે. દાદા ઢળી પડે છે.
છોકરાંની બૂમાબૂમ. બન્ને વહુઓ દોડી આવે છે. બન્ને છોકરાઓને ફોન. ડોક્ટર આવીને તપાસે છે. કહે છે, ‘આમ તો દાદાને કશું વાંધાજનક નથી, પણ એક મહિનો બિલકુલ રેસ્ટ. ઘરમાં હરજો ફરજો. દાદરા બિલકુલ ચઢવા-ઊતરવાના નહિ.’
‘પણ છે શું?’ ચાર ચિંતાતુર અવાજ.
‘એજિંગ પ્રોબ્લેમ. સમથિંગ સિરિયસ, પણ દાદરા બંધ, નહિ તો પ્રોબ્લેમ થઈ શકે.’

આપણા દાદા વિચારતા, 81મું શરૂ થયે બે માસ થયા. હયાતીની ખરાઈ પણ કરાવી દીધી છે. હવે તો પેન્શનમાંય વીસ ટકાનો વધારો થયો હશે, પણ પાસબુકમાં એન્ટ્રી પડે ત્યારે ખબર પડે ને? એન્ટ્રી પડાવી આવું?
દાદા વિચારતા. છોકરાઓને વાર્તા કહેતા નહિ. મોટેથી હસતા નહિ. મોટેથી બોલતા નહિ. ઘરમાં બેચાર આંટા મારી વહુઓ ધ્યાન રાખતી. દિવસમાં બે વાર જ્યૂસ આપતી.
આપણા દાદા વિચારતા.

આપણા દાદાને આઇસીયુમાં દાખલ કરવા પડ્યા. બધાય ચિંતામાં.
દાદાનું બોલવા ચાલવાનું બંધ. શરીર પર નળીઓનું આક્રમણ. ચહેરા પર ઓક્સિજન માસ્ક. દાદાનું બોલવાનું બંધ. આંખો આમતેમ ફેરવ્યા કરતા.
સસ્પેન્સ. દાદા બાજુની જ બેન્કમાં કેમ ગયા હતા? સસ્પેન્સ પરથી પડદો ઊપડે એમ નહોતો. ઓક્સિજન માસ્ક. બધા જ મૂંઝાયેલા, ચિંતાતુર.
ચાર દિવસ પછી સિનિયર સિટિઝન ક્લબના સભ્યો આવ્યા. એકે પૂછ્યું, ‘બેન્કમાં કેમ ગયો તો? તને દાદરા ચડવાની ના પાડી’તી ને? તોય બાર પગથિયાં ચડ્યો ઊતર્યો?’
‘શું બાકી રહી ગયું’તું? વહુને બેન્કમાં મોકલી હોત તો…’
‘અમને પાસબુક આપતા તો શું, જોવાય દેતા નથી.’
‘કોણ જાણે ક્યાં રાખે છે પાસબુક? જીવ કરતાંય વધારે જાળવે છે પાસબુકને!’ બન્ને વહુ બળાપો કાઢવા લાગી.
‘બોલને, કેમ ગયો’તો બેન્કમાં?’
‘હવે તો ડોક્ટરે બોલવાની છૂટ આપી છે, બોલ…?’
આપણા દાદા હસ્યા, પણ બોલ્યા નહિ.
‘તારી ટેવ ગઈ નહિ. કોલેજમાંય બોલવામાં મીંઢો અને પૈસા વાપરવામાં નર્યો ચીકણો…’
‘હવે લાકડામાં જવાનો થયો… થોડો સુધર… આટલો બધો સસ્પેન્સ સારો નહિ.’
‘અમને કહ્યું હોત તો અમે જઈ આવત. નકામા દાદરા ચઢ્યા ઊતર્યા ને પડ્યા પથારીમાં…’ એક વહુ બોલી.
‘સાલા ગધેડા… અમને કહ્યું હોત તો…’
આપણા દાદા ફરી હસ્યા. આસપાસ નજર નાખી. બધાયના ચહેરા ધીમે ધીમે જોયા. ફરીથી હસ્યા, બોલ્યા, ‘વીસ ટકા પેન્શન વધ્યું તો ટોટલ કેટલું થયું તે ભરાવવા ગયો તો.’
અધૂરું વાક્ય
‘મમ્મી પહેલાં આવાં નહોતાં. પપ્પાજીની વિદાય પછી બહુ જ ગુસ્સે થઈ જાય છે. કારણ હોય કે ન હોય, વાતવાતમાં ખોટું લાગી જાય છે. હીરેન, તને શું કહું? હવે તો અબોલાય લઈ લે છે. બબ્બે દિવસ સુધી કંઈ જ બોલે નહિ. હું બોલાવવાનો બહુ ટ્રાય કરું, પણ… માફીય માગું… અને છતાંય… વાસણ પછાડે, શાક સમારે તો ઢંગધાડા જ ન હોય… અને પછી એકદમ બોલવા માંડે. નથી સમજાતું મને…’
‘કોશા, તારી વાત સાચી છે. મારી સાથેય એવું જ કરે છે. જો માગેલા પૈસા સાંજે આપવાનું ભૂલી ગયો, તો ગમે તેમ બોલવા લાગશે અને બીજે દિવસે આપું તો… એક વાર તો ફેંકી…’
‘કદાચ પપ્પાજીની ખોટ સાલતી હશે. પપ્પાજી વગર એકલું એકલું લાગતું હશે? હીરેન…’ કોશા એકદમ ઢીલી થઈને બોલતી હતી, ‘મને કંઈ સમજાતું નથી. ટીનુનેય બરાબર રમાડતાં નથી.’
હીરેન અને કોશાના બેડરૂમમાં, જાણેઅજાણે, કેન્દ્રસ્થાને મમ્મીજી જ આવી જતાં.
‘હીરેન, એક વાર મારા હાથમાંથી ગરમ દૂધની તપેલી છટકી ગઈ તો મને કહે બેટા, સાચવો જરા, દાઝ્યાં નથી ને? મેં કહ્યું, ના મમ્મીજી અને પપ્પાજીના ગયા પછી દૂધની ભરેલી તપેલી પ્લેટફોર્મ પર મૂકવા જતાં સહેજ છલકાઈ અને સહેજ દૂધ બહાર પડ્યું એમાં તો વહુ, ભાનબાન છે કે નહિ? દૂધ ઢોળાઈ ગયું ને? હાથ ક્યાં ગયા છે? હીરેન, તને શું શું ગણાવું? કેટલા પ્રસંગો કહું?’
‘કંઈ જરૂર નથી.’ હીરેન કોશાને સમજાવતાં બોલ્યો, ‘આપણે શાંતિ રાખવાની, એના મનને દુઃખ થાય એવું કંઈ જ કરવાનું નહિ. એ બોલે તો સામો જવાબ ન આપીશ.’
‘એવુંય કરી જોયું તો મને કહે, મોમાં મગ ઓર્યા છે? જવાબ આપતાં જોર પડે છે? જીભ કપાઈ ગઈ છે? સાઠ વર્ષની ઉંમરે એ આવું બોલે?’

‘અલી મંદા, આ ઉંમરે ધરમની ચોપડીઓ વાંચવાનું મૂકીને આ રોમેન્ટિક નોવેલ લઈને બેઠી છે?’
‘શું કરું? આ ધાર્મિક પુસ્તકોમાં હવે મન નથી લાગતું…’
‘શું બોલે છે, તું? હવે તો સાઠ થયાં છતાંય…’
‘તે હું ને તું સરખાં… તારું ધ્યાન લાગતું હશે, પણ તારા ભાઈએ નવલકથા વાંચવાનો શોખ લગાડ્યો છે તે આજે લાઇબ્રેરીમાંથી આ લઈ આવી’ ટાઇટલ બતાવતાં મંદા બોલી.
‘કુંદનિકા દર્શકની ન વંચાય તે…’
બહુ વાર વાંચી કાઢી… તું નહિ માને, પણ ધાર્મિક પુસ્તકો મને વાંચવા ગમતાં નથી.
‘દા’ડે દા’ડે જુવાની આવતી જાય છે કે શું? દાદી થઈ હવે તો…’
‘બેસ હવે, આડી વાત નહિ કર!’
‘કોશા બાજુના રૂમમાંથી સાંભળતી હતી.’

‘હીરેન, તને એક વાત કહું કે ન કહું… વિચારું છું…’
‘કેમ?’
‘વાત જ એવી છે… સમજ નથી પડતી… કેવી રીતે શરૂઆત કરું…?’
‘બોલને શી વાત છે? મને લગતી વાત છે? તારી વાત છે? કોઈ બીજાની…’
‘ના’
‘મમ્મીજીની… કાલે એમનું કપડાંનું કબાટ ગોઠવતી હતી, એમાં હાથમાં હિસાબની નોટ ગઈ. પરમ દિવસ સુધીનો હિસાબ લખાયેલો હતો. હું તો મમ્મીજી પર આફરીન થઈ ગઈ…’
‘એમાં મને શું કહેવાનું…?’
‘તું સાંભળતો ખરો… છેલ્લે એમણે લખેલું, હમણાંની હું ખૂબ ગુસ્સે થઈ જાઉ છું, કારણ વગર. કોશીનેય બહુ ધમકાવાય છે, ખબર નહિ કેમ? આમ તો કોશાનો વાંક પણ નથી હોતો અને છતાંય…’
‘હું કહેતો’તો ને તને… મમ્મીના દિલમાં…’
‘પણ વાત તો પૂરી સાંભળ. મમ્મીજીએ આગળ લખેલું, મને લાગે છે કે એમની યાદ બહુ સતાવે છે ત્યારે એમની સાથે માણેલી અંતરંગ ક્ષણો… અને હું… પછી મમ્મીજીએ વાક્ય અધૂરું મૂકેલું…’
‘હીરેન, તને કશી સમજ પડી?’
(વર્ષા પાઠકના લેખને આધારે)

લેખક કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here