ઝેલેન્સ્કીના હોમટાઉન પર રશિયાનો મિસાઇલ હુમલોઃ 11ના મોત, 25 ઘાયલ

કીવ: રશિયાએ ઝેલેન્સ્કીના હોમટાઉન પર અવિરત મિસાઇલ હુમલા કર્યા હતા. તેમા કુલ ૧૧ના મોત થયા છે અને ૨૫ ઇજા પામ્યા છે. રશિયાના આ હુમલામાં વેરહાઉસ અને એપાર્ટમેન્ટ ને ભારે નુકસાન થયું છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ દરમિયાન બેલારુસના પ્રમુખે ચીમકી આપી હતી કે જો જરુર પડી તો તેઓ રશિયાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. રશિયા-યુક્રેન યુદ્ધ ૧૫મા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે અને હજી પણ તેનો અંત આવે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. રશિયાના દળોએ તાજેતરના સપ્તાહોમાં યુક્રેનના શહેરો પર મિસાઇલોનો મારો ચલાવ્યો હતો.રશિયાના આજના મિસાઈલ હુમલામાં ૧૧ના મોત થયા હતા. આ પહેલા એપ્રિલના એક મિસાઇલ હુમલામાં ૨૩ના મોત થયા હતા અને તેમા છ બાળકો હતા. મિસાઇલ હુમલાના ફોટા ઝેલેન્સ્કીએ તેની ટેલિગ્રામ ચેનલ પર જારી કર્યા હતા. ઝેલેન્સ્કીએ લખ્યું હતું કે આતંકવાદીઓએ વધુ મિસાઇલ છોડી. રશિયાએ સામાન્ય લોકો સાથે તેનું યુદ્ધ જારી રાખ્યું છે, નિર્દોષ લોકોને મારવાનું જારી રાખ્યું છે. દનિપ્રોપેટ્રોવ્સ્ક પ્રાંતના ગવર્નરે સર્શિ લિસકે તેની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે ખાનગી કંપનીના વેરહાઉસમાંથી છ મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે રશિયાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે અમે યુક્રેનના ઓપરેશનલ રિઝર્વ પર હુમલો કર્યો હતો. બેલારુસના પ્રમુખ એલેકઝાન્ડર લુકાશેકોએ કહ્યું કે જો બેલારુસના અસ્તિત્વ પર ભય જણાયો કે તેના પર આક્રમણ થયું તો રશિયાએ તેને ત્યાં મૂકેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં અટકાય. પુતિને વર્ષના પ્રારંભમાં બેલારુસને ત્યાં ટૂંકી રેન્જના પરમાણુ શસ્ત્રો ગોઠવવાની જાહેરાત કરી હતી. જો કે તેના પર અંકુશ રશિયાનો રહેશે તેમ તેનું કહેવું હતું, પરંતુ લુકાશેન્કોનું નિવેદન તેનાથી વિપરીત હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here