આસામમાં પૂરથી પાંચ લાખ લોકો પ્રભાવિતઃ ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચ્યા

આસામઃ આસામમાં વિનાશક પૂરના કારણે શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ આસામને પહોંચી રહ્યાં છે. હકીકતમાં, રાજયમાં લગભગ ૧૧,૦૦૦ હેકટર જમીન પર ઉભા પાક પૂરને કારણે નાશ પામ્યા છે. જેના કારણે રાજયમાં શાકભાજીના ભાવ આસમાને છે. પૂરના કારણે સપ્લાય ચેઇનને પણ અસર થઇ છે, જેના કારણે રાજયમાં અન્ય ખાદ્ય ચીજોની પણ અછત સર્જાઇ છે.
આસામમાં પૂરથી અત્યાર સુધીમાં ૧૯ જિલ્લાઓમાં લગભગ ૪.૮૯ લાખ લોકો પ્રભાવિત થયા છે. નલબારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પૂરના કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, એકલા બજાલી જિલ્લામાં ૨.૫ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત નલબારીમાં ૮૦૦૬૧, બારપેટામાં ૭૩૨૩૩, લખીમપુરમાં ૨૨૫૭૭, દારંગમાં ૧૪૫૮૩, તામૂલપુરમાં ૧૪૧૮૦, બકસામાં ૭૨૮૨, ગોલપારામાં ૪૭૫૦ લોકો પ્રભાવિત થયા છે. ધુબરી અને જોરહાટ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂર અસરગ્રસ્તો માટે, ૧૪ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૧૪૦ રાહત શિબિરો અને ૭૫ રાહત વિતરણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. આ રાહત શિબિરોમાં ૩૫૧૪૨ લોકો રોકાયા છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો રસ્તાના કિનારે અને અન્ય જગ્યાએ રહે છે. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર, ઇમરજન્સી સર્વિસ અને સિવિલ ડિફેન્સના લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે.
પૂરના કારણે રાજયમાં ઇન્ફાસ્ટ્રકચરને પણ ઘણું નુકસાન થયું છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૨૧૩ રસ્તાઓ, ૧૪ પુલો, ઘણા કૃષિ બંધો, શાળાની ઇમારતો, સિંચાઇ નહેરો વગેરે નાશ પામ્યા છે. આસામમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજયના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા સાથે વાત કરી અને શકય તમામ મદદની જાહેરાત કરી. અમિત શાહે કહ્યું કે એનડીઆરએફની ટીમો જમીન પર હાજર છે અને રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં આસામના લોકોની સાથે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here