દેશની ૧૧ ફાર્મા કંપનીઓને ઉત્પાદન બંધ કરવા આદેશ

વિદેશોમાં ભારતીય કંપનીઓ પર અનેક સવાલો ઉભા થયા પછી કેન્દ્ર સરકાર સફાળી જાગી કાર્યવાહી શરુ કરી છે. સરકાર તરફથી દવાઓની ગુણવતા ચકાસવાને લઈને એક નવું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. છેલ્લા ૬ મહિનાઓમાં દેશની ૧૩૪ દવા કંપનીઓ પર નિરિક્ષણ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી સૌથી મોટી કાર્યવાહી હિમાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી ૨૬ કંપનીઓને કારણ બતાવો નોટીસ આપવામાં આવી છે. તો ૧૧ કંપની પર ઉત્પાદન સ્ટોપ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને તેના પછી અન્ય બે ફાર્મા કંપનીને બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશોમાં ભારતીય દવાઓ પર સવાલ ઉભા થતા ડીસીજીઆઈઅને સ્ટેટ ડ્રગ રેગ્યુલેટરે ઉત્પાદકોની ગુણવતાના પરિક્ષણને લઈને એક અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. તેના વિશે અલગ-અલગ રીતે તપાસ કરી અત્યાર સુધી ૧૩૪ દવા કંપનીઓનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમા હિમાચલ પ્રદેશની ૫૧, ઉત્તરાખંડના ૨૨, મધ્યપ્રદેશની ૧૪, ગુજરાતની ૯, દિલ્હીની ૫, તમિલનાડુના ૪, પંજાબની ૪, હરિયાણાની ૩, રાજસ્થાનની ૨, કર્ણાટકની ૨ કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, તેલંગાના, પોંડુચેરી, કેરળ, જમ્મુ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની ૧-૧ દવા કંપનીઓ પર ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતુ. હિમાચલ પ્રદેશની ૨૬ યુનિટને કારણ બતાવો નોટીસ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here