ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન

 

 

મુંબઈ: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં અવસાન થયું છે. મુંબઈ નજીક પાલઘરમાં કાસા નજીક મુંબઇ-અમદાવાદ હાઇવે પર આ દુર્ઘટના ઘટી. પ્રાથમિક માહિતીમાં મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઇડર સાથે અથડાઇ હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજયા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જયાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ ૪ જુલાઇ, ૧૯૬૮ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. સાયરસે મુંબઇની કેથેડ્રલ એનડ જોન કોનન સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે લંડન ગયા. તેમની પાસે લંડન બિઝનેસ સ્કૂલથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ હતી. સાયરસે ૧૯૯૧માં પોતાનો ફેમિલી બિઝનેસ જોઇન કર્યો. તેમને ૧૯૯૪માં શાપૂરજી પાલોનજી ગ્રુપન ડાયરેકટર બનાવવામાં આવ્યા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કરતા કહ્યું કે સાયરસ મિસ્ત્રીનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા. જેઓ ભારતની આર્થિક શકિતમાં વિશ્ર્વાસ રાખતા હતા. તેમના અવસાનથી વાણિજય અને ઉદ્યોગ માટે મોટી ખોટ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના તેમની આત્માને શાંતિ મળે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યકત કર્યુ છે અને તેમને શ્રદ્ઘાંજલિ આપી છે. શોક વ્યકત કરતાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું, ટાટા સન્સના ભૂતપૂર્વ વડા સાયરસ મિસ્ત્રીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. તેઓ માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહોતા. પરંતુ ઉદ્યોગમાં એક યુવાન, તેજસ્વી અને સ્વપ્નદ્રષ્ટા વ્યકિતત્વ તરીકે પણ જોવામાં આવતા હતા. મારી હૃદયપૂર્વક શ્રદ્ઘાંજલિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here