વિધાનસભાની ચૂંટણી ગોવામાં ૭૮.૯, યુપીમાં ૬૧.૮ ટકા મતદાન નોંધાયું

 

ગોવા: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્યોમાં ભારે ઉત્સાહ સાથે મતદાન શ‚ થયું હતું. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે મતદાન થયું. આ સાથે જ ગોવા અને ઉત્તરાખંડની તમામ બેઠકો માટે પણ મતદાન થયું. ગોવાની ૪૦ બેઠકો માટે થયેલા મતદાનમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. અંતિમ આંકડાઓ અનુસાર ગોવામાં ૭૮.૯ ટકા મતદાન થયું. ઉત્તરાખંડની તમામ ૭૦ બેઠકો માટે થયેલા મતદાનમાં ૫૯.૫ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જ્યારે કે યુપીમાં બીજા તબક્કાના મતદાનમાં ૬૧.૮ ટકા મતદારોએ મત નાખ્યા હતાં.

યુપીમાં ૯ જિલ્લાની ૫૫ બેઠકો પર ૬૧.૮ ટકા મતદાન થયું જે વર્ષ ૨૦૧૭ની તુલનાએ ૩.૯ ટકા ઓછું છે. વર્ષ ૨૦૧૭માં ૬૫.૭ ટકા મતદાન થયું હતું. ઉત્તરાખંડમાં આ વખતે ૫૯.૫ ટકા મત પડ્યા જે ગઇ વખતની તુલનાએ ૬.૧ ટકા ઓછા છે. ગઇ વખતે ઉત્તરાખંડમાં ૬૫.૬ ટકા મતદાન થયું હતું. ગોવાની ૪૦ બેઠકો પર મતદાન ૭૮.૯ ટકા થયું જે ગઇ વખત કરતાં ૩.૭ ટકા ઓછું રહ્યું. દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને તેમના પત્ની પર આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપો મૂકાયા છે. આરોપ છે કે ભાજપના ચૂંટણી પ્રતિકવાળા સ્કાર્ફ પહેરી બન્ને પોલિંગ બૂથ પર ગયા હતાં.

ગોવા વિધાનસભાની ૪૦ બેઠકો માટે કુલ ૩૦૧ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસમાં સત્તા પરિવર્તન જોનારા ગોવામાં આ વખતે બહુકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય નાના પક્ષો હોડમાં છે. મહિલા મતદારોની સુવિધા માટે રાજ્યમાં ૧૦૦થી વધુ મહિલા મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સૌથી ઓછુ મતદાન શાહજહાંપુર જિલ્લામાં થયું છે. અહીં કુલ ૫૭.૬ ટકા મતદાન થયું. 

બેઠકોની વાત કરીએ તો નાકુડ બેઠક પર સૌથી વધારે ૭૨.૯ ટકા મતદાન થયું છે. તદુપરાંત સૌથી વધારે ૬૬.૮ ટકા મતદાન મુરાદાબાદમાં થયું છે. બીજી તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો સિતારગંજમાં સૌથી વધારે ૭૩.૫૦ ટકા મતદાન થયું છે. તો ખાનપુરમાં ૭૩.૩૨ ટકા, જ્વાલાપુરમાં ૭૩.૩૬ ટકા, હરિદ્વાર ગ્રામ્યમાં ૭૨.૨૫ ટકા અને ભગવાનપુરમાં ૭૧.૨૦ ટકા મતદાન થયું છે. 

ગોવામાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, વિપક્ષના નેતા દિગંબર કામત, પૂર્વ સીએમ ચર્ચિલ અલેમાઓ, રવિ નાઇક, લક્ષ્મીકાંત પારસેકર, પૂર્વ ડેપ્યુટી સીએમ વિજય સરદેસાઇ જેવા દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here