અદાણી સામે મોદી સરકાર તપાસ કેમ નથી કરાવતી?- રાહુલ ગાંધી

નવી િદલ્હીઃ રાહુલ ગાંધીએ અદાણી ગ્રૂપ સામે ફરી એકવાર મોટો આરોપ લગાવ્યાં છે. તેમણે કહ્યું કે દેશમાં વીજળીના બિલ વધવા પાછળ અદાણી જ જવાબદાર છે. આ મામલે તેમણે મોદી સરકારને ઘેરી હતી અને સવાલ કર્યો હતો કે એવું તો શું ખાસ છે કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી? રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજીને આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અદાણીને જેવું મન ફાવે તેમ કરે છે છતાં સરકાર તેમની તપાસ નથી કરાવતી.
પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિ અદાણી સામે આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે મધ્યપ્રદેશમાં વીજળી મોંઘી હોવા પાછળ અદાણી ગ્રૂપનો જ હાથ છે. તેમણે વિદેશી અખબારનો હવાલો આપી કહ્યું કે અદાણી ગ્રૂપે 32 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અદાણીએ દેશના ગરીબોના પૈસા ચોર્યા છે. તેમણે કહ્યું કે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અદાણીના રક્ષક બની ગયા છે અને તેમને બચાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીએ ઈન્ડોનેશિયા પાસેથી કોલસા ખરીદયા અને જ્યારે તે કોલસો ભારત પહોંચ્યો તો તેના ભાવ વધારી દેવાયા. આ રીતે અદાણી ગ્રૂપને આશરે 12 હજાર કરોડ રૂપિયા ભારતીય નાગરિકોના ખિસ્સાથી મળી ગયા. તેમણે કોલસાનો ભાવ વધારી દીધો એટલે વીજળી પણ મોંઘી થઈ ગઈ. ભારતના નાગરિકોએ એ સમજવું પડશે કે તમારા વીજળીના બિલ જે વધી રહ્યા છે તેનાથી 12 હજાર કરોડ રૂપિયા સીધા અદાણીના ખિસ્સામાં ગયા છે. તેમણે કહ્યું કે રસપ્રદ વાત એ છે કે આ સમાચાર સામે આવે છે પણ ભારતીય મીડિયા એક પણ સવાલ નથી કરતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here