બાળક કંઈ લાઇફટાઇમ બાળક જ નથી રહેવાનું!

0
987

સોનું કે પિત્તળ?
આપણાં બાળકોને આપણે શીખવવું જોઈએ કે લાઇફમાં ક્યારેય કસોટીથી ન ડરો. કોઈ પણ પરીક્ષા આપવાની હોય, ત્યારે શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવાની નિષ્ઠા રાખો અને હાર્ડ વર્ક કરતાં રહો. કસોટીનો ભય પિત્તળને જ લાગે, સોનાને નહિ.
રાજા બાજીરાવ પેશ્વાના સૈન્યમાં એક વખત સેનાપતિની નિમણૂક કરવાની હતી. એણે પોતાના સૈન્યને કહ્યું કે તમને સૌને સેનાપતિ થવાની તક છે. જેની ઇચ્છા હોય તે મને જણાવી શકે છે.
એક સૈનિક સેનાપતિપદ માટે ખડો થયો. બાજીરાવ પેશ્વાએ તેની સામે જોયું. તેની આંખોનું તેજ, તેની ભરાવદાર મૂછો, તેની પડછંદી ચાલ એની બહાદુરીના પ્રતીક જેવી હતી. બાજીરાવે એને જોતાં જ સેનાપતિપદે રાખી દીધો.
પેલો સૈનિક બોલ્યો, ‘મહારાજ! આપ મારી કસોટી કર્યા વગર મને સેનાપતિ જેવું મહામૂલું અને જવાબદારીભર્યું પદ કેવી રીતે આપી રહ્યા છો?’
રાજાએ કહ્યું, ‘મારે તારી કસોટી કરવાની જરૂર નથી, સૈનિક! તારું ખડતલ અને કદાવર શરીર તારી વીરતા અને તારી બહાદુરીનું પ્રમાણપત્ર છે!’
પેલા સૈનિકે કહ્યું, ‘તો મારે આ સેનાપતિપદનો સ્વીકાર નથી કરવો. તમે આજે મારી કસોટી કર્યા વગર મને સેનાપતિપદે બેસાડી રહ્યા છો, પરંતુ આવતી કાલે કદાચ તમારા મનમાં કોઈ ગેરસમજ થાય અથવા કોઈ વ્યક્તિ મારી વિરુદ્ધ કાવતરું કરીને તમને ઉશ્કેરે તો ત્યારે તમે મારી કસોટી કર્યા વગર જ મને આ પદ પરથી તમે નીચે પણ ફેંકી દઈ શકો છો! માફ કરજો, મહારાજ! પણ મારે એવી જગ્યાએ જ નોકરી કરવી છે જ્યાં મારી સાચી કસોટી કરીને જ મારી ક્ષમતા વિશે નિર્ણય કરવામાં આવતો હોય!’
આપણે કસોટીની ડરતા હોઈએ તો એનો અર્થ એ થયો કે આપણે શુદ્ધ સોનું નથી, પિત્તળ જ છીએ!
એલર્ટ અને ન્યુટ્રલ રહો
આપણે આપણાં બાળકોને એ ખાસ શીખવવું જોઈએ કે જાણીતા બધા લોકો ભરોસાપાત્ર નથી હોતા અને અજાણ્યા બધા લોકો અવિશ્વાસ કરવા જેવા પણ નથી હોતા.
સંસારમાં એવો કોઈ માણસ નથી કે જે બીજા કોઈને મૂર્ખ બનાવી શકે! આપણે મૂર્ખ બનીએ અથવા છેતરાઈ જઈએ તો એનો અર્થ એ થયો કે આપણે પહેલેથી જ મૂર્ખ હતા. આ ઘટનાથી તો આપણને આપણી મૂર્ખતાનું સર્ટિફિકેટ મળ્યું છે એટલું જ!
કોઈની ઉપર ભરોસો કરતાં પહેલાં એલર્ટ રહેવું જરૂરી છે, પરંતુ એથીયે વિશેષ વાત એ છે કે કોઈની ઉપર અવિશ્વાસ કરતાં પહેલાં અત્યંત ન્યૂટ્રલ રહેવું અનિવાર્ય છે. જો તમે ન્યૂટ્રલ અને એલર્ટ ન રહી શકતા હોવ તો તમે છેતરાઈ શકો છો, મૂર્ખ બની શકો છો અને એ માટે માત્ર અને માત્ર તમે પોતે જ જવાબદાર છો!
લોભ અને લાલચ વગરના કોઈ માણસને ક્યારેય તમે છેતરાતો નહિ જોયો હોય! તમને મોક્ષ મેળવવાની, સંપત્તિ મેળવવાની, સત્તા મેળવવાની કે ખાસ સંબંધોનો સ્વાર્થી ઉપયોગ કરવાની લાલચ હશે તો તમારે છેતરવું જ પડશે!
પ્રાર્થના-પૂજા
આપણે આપણાં બાળકોને ખાસ શીખવવું જોઈએ કે પ્રાર્થના-પૂજા કરવાથી કશું પુણ્ય થતું નથી, કોઈ વૈકુંઠ મળતું નથી. આમ છતાં પ્રાર્થના-પૂજા કરવાથી જો સાચા માર્ગે ચાલવાની નૈતિક હિંમત અને આત્મવિશ્વાસ વધતાં હોય એવું તમને ચોક્કસ લાગતું હોય તો જ એ બધું કરવું; નહિતર એ છોડીને પુરુષાર્થમય બનવું.
પ્રામાણિકતા અને પુરુષાર્થ કરતાં ચડિયાતી કોઈ પ્રાર્થના-પૂજા નથી હોતી! ઈશ્વર જો હોય તો એ પ્રાર્થનાઓ અને કાલાવાલા કરનારાઓને હેલ્પ નથી કરતો, એ માત્ર પુરુષાર્થ કરનારને અને પ્રામાણિક જીવન જીવનાર ને જ હેલ્પ કરે છે.
પ્રાર્થના-પૂજા બીજા લોકો જોઈ શકે એ રીતે કરવાની હોતી જ નથી, એ તો ભીતરથી પ્રગટતું પવિત્ર, પ્રસાદમય, પ્રસન્નતાનું પ્રમાણપત્ર છે! બહારથી થતી પ્રાર્થના-પૂજાને આડંબર કહેવાય, ભીતરથી થતી પ્રાર્થના-પૂજાને આધ્યાત્મિકતા કહેવાય!
સાધના અને તપ
આપણે આપણાં બાળકોને એ શીખવવું જોઈએ કે નિષ્ફળતા મળે એમાં કોઈ નાનમ નથી. નિરાશ ન થવું એ બહુ મોટી વાત છે.
મહેનત વગરની સફળતા સાચો આનંદ ક્યારેય આપી શકતી નથી, એ જ રીતે પુષ્કળ પુરુષાર્થ પછી મળેલી નિષ્ફળતા પણ આપણને નિરાશ કે હતાશ થવા દેતી નથી. પુરુષાર્થ કર્યાનો આનંદ ભીતરના કોઈ ખૂણામાં ઝગમગતો રહે છે.
રેડિયોની શોધ કરનારા વૈજ્ઞાનિકના શરૂઆતના એકસો પ્રયોગો નિષ્ફળ ગયા હતા. ત્યારે કોઈકે એને પૂછ્યું કે તમારી ઘણી મહેનત નિષ્ફળ ગઈ. તમારા સો સો પ્રયત્નો બેકાર પુરવાર થયા, ખરુંને? ત્યારે પેલા વૈજ્ઞાનિકે કહ્યું હતું કે, ‘મારો એક પણ પ્રયોગ નિષ્ફળ નથી ગયો. મને દરેક પ્રયોગને અંતે એટલું શીખવા અને જાણવા મળ્યું કે આટલું કામ બાકી હોય ત્યાં સુધી રેડિયો બોલતો થતો નથી!
દરેક નિષ્ફળ પ્રયત્નમાંથી સફળતાનું થોડુંક અજવાળું અવશ્ય મળતું હોય છે. એ અજવાળું મેળવવા સતત ઝઝૂમવું એ સાધના છે, એ તપ છે.
સાચું એજ્યુકેશન
આપણાં બાળકોને આપણે શીખવવું જોઈએ કે નોકરી મેળવવા માટે નહિ, પરંતુ લાઇફને સમજવા માટે એજ્યુકેશન મેળવવાનું હોય છે. સ્કૂલ-કોલેજની એક્ઝામમાં પાસ થઈ જવાનું તો સરળ હોય છે, પરંતુ લાઇફની એક્ઝામમાં પાસ થવું સરળ નથી હોતું. એજ્યુકેશનમાં એક્ઝામ વર્ષમાં બે કે ત્રણ વખત આવતી હોય છે, પરંતુ લાઇફમાં તો પળે-પળે વિવિધ પ્રકારની એક્ઝામમાંથી પસાર થવાનું હોય છે! ક્યારેક સંબંધોની એક્ઝામ, તો ક્યારેક સામાજિક વ્યવહારોની એક્ઝામ. ક્યારેક આર્થિક ઉપાર્જનની એક્ઝામ, તો ક્યારેક અણગમતી પરિસ્થિતિઓમાંથી પસાર થવાની એક્ઝામ. ક્યારેક રાજકીય ખટપટોની એક્ઝામ, તો ક્યારેક રાગ-દ્વેષની ખટપટોની એક્ઝામ. આમ માણસે લાઇફટાઇમ પોતાની આઇડેન્ટિટી ટકાવી રાખવા માટે વિવિધ એક્ઝામમાંથી સતત સંઘર્ષમય રીતે પસાર થતાં રહેવું પડતું હોય છે.
એજ્યુકેશન આપણને જીવવાની રીત શીખવાડે છે. એજ્યુકેશન દ્વારા આપણને પરસ્પર સહકારથી જીવવાનું આવડે તો સમજવું કે આપણે લાઇફમાં પાસ થયા. કોમ્પિટિશન મહત્ત્વની છે, પરંતુ ખેલદિલી એથી પણ વિશેષ મહત્ત્વની છે! વિષમ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ અને સમતોલ રહેવાનું શીખવાડે એ જ સાચું એજ્યુકેશન.
નડતરનો કોઈ એજન્ટ નથી!
આપણાં બાળકોને આપણે શીખવવું જોઈએ કે આપણી સફળતા સુધી પહોંચવા માટે કુદરતે વચ્ચે કોઈ જાતિનાં નડતરો રાખ્યાં નથી. છતાં આપણી અણઆવડત કે અણઘડતાને કારણે વચ્ચે આવતાં નડતરો દૂર કરી આપે એવા કોઈ એજન્ટો પણ કુદરતે રાખ્યા નથી.
તમે એક વાત માર્ક કરજો – જે વ્યક્તિ લાઇફમાં સતત ગ્રહોના નડતરના ઉપાય કરવામાં ડૂબેલી રહેતી હશે તે વ્યક્તિ ક્યારેય સફળતાના શિખર સુધી નહિ પહોંચી હોય અને જે વ્યક્તિએ ગ્રહોનાં નડતરની કશી પરવા જ નહિ કરી હોય કે નડતરનો કોઈ ભય નહિ રાખ્યો હોય એને સફળતાના શિખર સુધી પહોંચતાં કોઈ રોકી નહિ શક્યું હોય! ‘સાહસ’ નામના પાસવર્ડ વડે એક વખત જે વ્યક્તિ લોગ-ઇન થઈ જાય છે એના જીવનમાં પ્રેરણા અને પ્રોત્સાહન સતત ડાઉનલોડ થતાં રહે છે અને નિરાશા સતત ડિલીટ થતી રહે છે. કુદરતે કોઈનાય માટે ગુડલક અથવા બેડલકનું નિર્માણ કર્યું જ નથી, એનું નિર્માણ તો વ્યક્તિએ પોતે જ કરવાનું હોય છે! સોબત અને સાહસિકતા આ બે બાબતો સફળતાની માસ્ટર-કી છે, તેમ નિષ્ફળતાની પણ માસ્ટર-કી છે એ યાદ રાખવાની જરૂર છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here