મુંબઈમાં ગુજરાતી ભાષાને ગૌરવ અપાવવામાં હેમરાજભાઈ શાહનું યોગદાન

મુંબઈઃ બૃહદ ગુજરાતી સમાજના 39મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાયેલા સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી ‘જન્મભૂમિ’ ગ્રુપના મુખ્ય તંત્રી કુન્દનભાઈ વ્યાસે જણાવ્યું કે, મુંબઈમાં ગુજરાતી ભાષાને ગૌરવ અપાવવામાં હેમરાજ શાહનું યોગદાન અણમોલ છે. તેમણે ગિરનાર એવોર્ડ અને કચ્છ શક્તિથી ચૂંટી કાઢેલા લોકોને સન્માન્યા છે એ સાથે ગુજરાત ભવનનું નિર્માણ કર્યું છે. હેમરાજભાઈ અજાતશત્રુ છે, સર્વોત્તમ છે. જોગેશ્વરી પાસેના ગુજરાતી સમાજ ભવનમાં યોજાયેલા આ સમારોહમાં હેમરાજભાઈ શાહનું સન્માનપત્ર અને શાલ વડે કુન્દનભાઈ વ્યાસ અને અભિનેતા સનત વ્યાસના હસ્તે સન્માન કરાયું હતું. આ સાથે મહામંત્રી રાજેશ દોશી, ખજાનચી લખમશી એમ. શાહનું સન્માનપત્ર અને શાલ વડે સન્માન કરાયું હતું.
આરંભમાં સૌનું સ્વાગત હેમરાજભાઈએ કર્યું હતું. સમાજના પ્રમુખ ડો. નાગજીભાઈ રીટાએ હેમરાજભાઈનાં કાર્યોને બિરદાવતાં જણાવ્યું કે તેમણે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સમાજની સ્થાપના કરી છે. 75 જેટલાં પુસ્તકો લખ્યા અને 36 નિબંધ સ્પર્ધાઓ યોજીને નવોદિત લેખકોને પ્રોત્સાહિત કર્યા છે. કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશીએ કર્યું હતું. આભારવિધિ કરતા મંત્રી એડવોકેટ પીયૂષ શાહે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા વધુ જાગૃત થવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કવિ હિતેન આનંદપરાએ સૌનો આભાર માન્યો હતો. આ સાથે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ગમતાનો કરીએ ગુલાલ’ શીર્ષક હેઠળ એકોકિતનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારો મીનળ પટેલ, સનત વ્યાસ અને સેજલ પોન્દાએ ભાગ લીધો હતો. આ ત્રણેય કલાકારોએ એકોકિત રજૂ કરી હતી જેને લોકોએ ખૂબ શાંતિથી મનભરીને માણી હતી અને આવા કાર્યક્રમો યોજાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આરંભમાં ગાયિકા હિમાની ગઢવીએ મધુર કંઠે ગુજરાતી ગીત પ્રસ્તુત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here