રામકૃષ્ણ આશ્રમમાં બારમી રાજ્યસ્તરીય “સ્વામી વિવેકાનંદ” વિષય પર ક્વિઝ સ્પર્ધાનો પુરસ્કાર વિતરણ સમારોહ

રાજકોટઃ રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે ૧૨મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધાનો વિજેતાઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજયો હતો. જેમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્ય અને જિલ્લા સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને સ્મૃતિચિહ્ન, શિલ્ડ અને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગેે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા રામકૃષ્ણ મિશન દ્વારા કરાયેલુ ક્વિઝ સ્પર્ધાનું આયોજન પ્રસંશનીય છે. ચારિત્ર્ય નિર્માણ થકી જ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે. ત્યારે આ ક્વિઝ સ્પર્ધા અનેક વિદ્યાર્થીઓના ચરિત્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરશે. કોઈ પણ લક્ષ્યને પામવા માટે દ્રઢ ઈચ્છાશક્તિની જરૂર હોય છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી મનુષ્યને ખરો મનુષ્ય બનવાની પ્રેરણા મળે છે. વિદ્યાર્થીઓને વિવેકાનંદજીના પુસ્તકોને માત્ર ક્વિઝ પૂરતા નહી, પરંતુ સાતત્યપૂર્ણ પુસ્તકોનું વાંચન કરીને પ્રગતિના પંથે આગળ વધવાની મંત્રીએ શુભેચ્છા આપી હતી.
ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્રને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વામી વિવેકાનંદનજીના આ સૂત્રને આત્મસાત કરીને જન-જનની સેવા કરી રહ્યા છે. વડાપ્રધાનના ભારત દેશને વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત બનાવવાની નેમમાં આપણે સૌ પણ તેમની સાથે જોડાઈને જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઈએ.
વધુમાં ધારાસભ્ય રમેશભાઈએ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આવનાર ક્વિઝ સ્પર્ધામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવા પ્રયાસો કરીને શ્રોતાગણને સ્વામી વિવેકાનંદના વિચારોને વધુ લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.
આ પ્રસંગે નિખીલેશ્વરાનંદજી અને પ્રભુસેવાનંદજીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે રામકૃષ્ણ મૂવમેન્ટ ઈન ગુજરાત પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૨મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય ક્વિઝ સ્પર્ધામાં ૩૩ જિલ્લાની ૫૧૬ શાળાઓના આશરે ૪૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજ્ય સ્તરે પ્રથમ સ્થાને વડોદરા જિલ્લાની પટેલ ખ્વાહિશ, દ્વિતીય સ્થાને મોરબી જિલ્લાની વિરપરા સ્નેહા, અમરેલી જિલ્લાનો સોલંકી વૈભવ અને તૃતીય સ્થાને આણંદ જિલ્લાનો ચૌહાણ સ્નેહલ વિજેતા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here