સંસદમાં ચર્ચા વિના ત્રણેય કૃષિ કાયદા રદઃ સરકાર ભયભીત છેઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ અધિવેશનના પહેલા જ દિવસે સરકાર અને વિરોધ પક્ષો આમનેસામને થયા હતા. એમાં પણ ત્રણેય કૃષિ કાયદા ચર્ચા વગર પસાર કરવામાં આવ્યા ત્યારે વિરોધ પક્ષોએ સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. જોકે, દિવસના અંતે રાજ્યસભાના વિરોધ પક્ષોના ૧૨ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચોમાસું અધિવેશનના છેલ્લા દિવસે સંસદમાં દુર્વ્યવહાર કરનારા વિરોધ પક્ષના ૧૨ સાંસદોને અધિવેશનના બાકી દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એક રીતે જોવા જઇએ તો સરકારે કોઈ પણ પ્રકારની ચર્ચા વિના સંસદનાં બંને ગૃહોમાં કૃષિ કાયદાઓ રદ કરવાના બિલ મંજૂર કરાવી વિરોધ પક્ષોને સરકાર પર હુમલો કરવાનો મોકો આપ્યો નહોતો. એટલું જ નહીં, રાજ્યસભાના ૧૨ સભ્યોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને કારણે વિરોધ પક્ષોનું ધ્યાન અન્યત્ર દોરવાની સાથે વિરોધ પક્ષોની એકતા કેટલી મજબૂત છે એની પણ જાણ થશે. રાજ્યસભાના ૧૨ સભ્યોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરાયા. વિરોધ પક્ષો મંગળવારે સવારે કોંગ્રેસના રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેને મળવાના છે, પરંતુ એ જોવું રસપ્રદ થશે કે ટીએમસીના સભ્યો આવે છે કે નહીં? સસ્પેન્ડ થયેલા સભ્યોમાં ટીએમસીના ડોલા સેન અને શાંતા છેત્રીનો સમાવેશ થાય છે.

એક સંયુક્ત નિવેદનમાં વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે, સસ્પેન્શન અનુચિત અને અલોકતાંત્રિક છે અને પક્ષના નેતાઓ આવતી કાલે રણનીતિ તૈયાર કરવા બેઠક યોજશે. જોકે, નિવેદન પત્રમાં તૃણમૂલ કોંગ્રેસે હસ્તાક્ષર કર્યા નહોતા. વિડંબના એ છે કે રાજ્યસભાના વિરોધ પક્ષોના સભ્યોના સસ્પેન્શન બાદ ટીએમસીના રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખર મીડિયાને અલગથી મળ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે પક્ષના સભ્યોની વ્યક્તિગત સુનાવણીનો મોકો આપ્યો નહોતો. ત્યાં સુધી કે પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના) અને છાયા વર્મા (કોંગ્રેસ)એ પણ સસ્પેન્શન બાદ આવો જ આક્ષેપ કર્યો હતો. સસ્પેન્શન પ્રસ્તાવમાં જણાવાયું હતું કે સાંસદોએ સ્વેચ્છાએ અભૂતપૂર્વ દુર્વ્યવહાર, અવમાનના, હિંસક વ્યવહાર કરવાની સાથે સુરક્ષા કર્મીઓ પર જાણીજોઇને હુમલા કર્યા છે.

ચોમાસું અધિવેશનમાં સરકાર અને વિરોધ પક્ષો પેગાસસ મુદ્દે આમનેસામને હતા અને અગિયાર ઓગસ્ટે આઘાતજનક હિંસા અને મહિલાઓની છેડછાડના આક્ષેપો સાથે અધિવેશન પૂરું થયું હતું.

સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં એલારામ કરીમ (સીપીએમ), ફુલો દેવી નેતામ (કોંગ્રેસ), છાયા વર્મા (કોંગ્રેસ), રિપુન બોલા (આઈએનસી), બિનોય વિશ્વમ (સીપીઆઈ), રાજમણિ પટેલ (આઈએનસી), ડોલા સેન (ટીએમસી), શાંતા છેત્રી (ટીએમસી), સૈયદ નાસિર હુસેન (કોંગ્રેસ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના), અનિલ દેસાઈ (શિવસેના) અને અખિલેશ પ્રતાપ સિંહ (કોંગ્રેસ)નો સામાવેશ થાય છે.

આ અગાઉ પહેલા દિવસે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા અંગેનું બિલ સોમવારે રજૂ કરાયાની થોડી મિનિટોમાં જ સંસદનાં બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું. આ ત્રણે કાયદાઓ રદ કરાવવા ખેડૂતો છેલ્લા એક વરસથી આંદોલન કરી રહ્યા હતા. કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદના શિયાળુ અધિવેશનના પહેલા દિવસે ધ ફાર્મ લો રિપીલ બિલ, ૨૦૨૧ રજૂ કર્યું હતું. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર ચૂંટણી પહેલા ખરડા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુ-ટર્ન પરના સવાલોનો સામનો કરવા માગતી નથી.

કોંગ્રેસના રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે શિયાળુ અધિવેશનના પહેલા દિવસે વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાયદા રદ કરવા એ ખેડૂતોની, દેશની સફળતા છે. જોકે, તેમણે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર માત્ર ચાર મિનિટમાં ખરડાને લોકસભામાં પસાર કરાવવાનાં પગલાં અંગે સવાલ કરવાની સાથે કહ્યું કે આ પુરવાર કરે છે કે સરકાર ભયભીત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે એમએસપી મુદ્દે ચર્ચા કરવા માગતા હતા, અમે લખીમપુર ખીરી ઘટના અંગે ચર્ચા કરવા માગતા હતા, અમે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ૭૦૦ ખેડૂતો અંગે ચર્ચા કરવા માગતા હતા, પરંતુ દુર્ભાગ્યે એ અંગે ચર્ચા કરવાની પરવાનગી અપાઈ નહીં. સંસદનાં બંને ગૃહો દ્વારા કૃષિ કાયદા રદ કરવાનો ખરડો પસાર થયા બાદ તેમણે મીડિયાને કહ્યું, આ બાબત પુરવાર કરે છે કે સરકાર ચર્ચા કરવાથી ડરી રહી છે અને ઢાંકપિછોડો કરવા માગે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here