રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોઃ ૩૭૮ કરોડનો બોજ

 

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો એ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમને હવેથી ૨૮ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ ૧૭ ટકા આપવામાં આવતું. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે. 

નાયબ મુખ્ય પ્રધાને હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં વધારો જાહેર કરી એનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે પ્રણાલી અનુસાર ગુજરાત સરકારે પણ સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ હંમેશાં અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શરોને ચૂકવતું હોય છે. અત્યાર સુધી આ લોકોને ૧૭ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં ૧૧ ટકાના વધારા સાથે ૨૮ ટકાનું મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે, ત્યારે નાણાં વિભાગમાંથી અમે નિર્ણય કર્યો છે અને મુખ્યપ્રધાન દ્વારા પણ એની મંજૂરી આપવામાં આવી છે. એ મુજબ ગુજરાત સરકાર પણ ભારત સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું આપશે. 

સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચૂકવવામાં આવશે. રાજ્યના નવ લાખ કર્મચારીઓને ફાયદો થવાનો છે. મોંઘવારી ભથ્થાંમાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર ૩૭૮ કરોડ રૂપિયાનો બોજ પડશે. ઓગસ્ટ મહિનાની ચૂકવણી જાન્યુઆરી ૨૦૨૨માં કરવામાં આવશે. અન્ય એક જાહેરાતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માળખાંકીય સવલતોનો વધારો કરીને દેશનું શ્રેષ્ઠ પાટનગર બનાવવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે પાટનગરના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સેક્ટર-૧૭ ખાતે કાર્યરત ટાઉનહોલનું રૂા. ૧૭.૨૧ કરોડના ખર્ચે રિનોવેશન કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરાશે. આગામી છ માસમાં આ કામગીરી પૂર્ણ કરીને તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here