પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છેઃ નવજોતસિંહ સિદ્ધુ

પંજાબઃ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નવજોતસિંહ સિદ્ધુ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. સિદ્ધુ 317 દિવસ બાદ પટિયાલા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા છે. તેમને 1988ના પટિયાલામાં થયેલા રોડરેજ કેસમાં સજા થઈ હતી. સુપ્રીમ કોર્ટે 19 મે 2022ના રોજ તેમને સજા સંભળાવી હતી. સિદ્ધુ જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે તેમના સમર્થકોનું સલામી સાથે અભિવાદન કર્યું હતું. તેમણે રાહુલ ગાંધીને ક્રાંતિકારી ગણાવ્યા. આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને અખબારી મુખ્યમંત્રી કહ્યા. સિદ્ધુએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થાના બહાને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માગે છે. સિદ્ધુએ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ કરવા મુદ્દે કહ્યું લોકતંત્ર આજે ખતરામાં છે. સંસ્થાઓ ગુલામ છે. જ્યારે પણ આ દેશમાં સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે. રાહુલ ગાંધી એક એવી ક્રાંતિ છે જે કેન્દ્ર સરકારને હચમચાવી નાખશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પૂર્વજોએ દેશને આઝાદ કરાવ્યો છે. સિદ્ધુએ પંજાબની સ્થિતિને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું ભગવંત માને પંજાબમાં સપના અને જુઠ્ઠાણું વેચ્યું. પંજાબીઓને મૂર્ખ બનાવ્યા. આજે તે અખબારી મુખ્યમંત્રી તરીકે બેઠા છે. મારી સુરક્ષા પાછી ખેંચવાની વાત કરી. હું અમૃતપાલ અને સિદ્ધુ મુસેવાલાના ઘરે જઈશ અને વાત કરીશ. પંજાબની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે કહ્યું પંજાબ આ દેશની ઢાલ છે, તેને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જ્યાં પણ લઘુમતીઓ બહુમતીમાં હોય ત્યાં કેન્દ્ર સરકાર ષડયંત્ર કરે છે. પહેલા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાય છે, પછી તેને દબાવવાના પ્રયાસમાં કહેવાય છે કે અમે તેને શાંત કરી દીધો. સિદ્ધુને અમૃતપાલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના ઘરે જઈને કાયદો અને વ્યવસ્થા પર વાત કરશે. તમને જણાવી દઈએ કે મૂસેવાલાની હત્યા બાદ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉભો થયો હતો. નવજોત સિદ્ધુ અમૃતપાલ કેસને કાયદો અને વ્યવસ્થા સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. તેથી જ તેમણે મૂસેવાલાના ઘરે જવાની વાત કરી. સિદ્ધુએ કહ્યું કે જો તમે પંજાબને નબળું પાડશો તો તમે પોતે પણ નબળા થઈ જશો. સિદ્ધુ પોતાના પરિવાર માટે નથી લડી રહ્યા. સિદ્ધુએ કહ્યું કે મારી પત્ની કેન્સરથી પીડિત છે. પરંતુ મારા માટે રાષ્ટ્રવાદથી મોટું કંઈ નથી. સિદ્ધુએ કહ્યું કે આ મુશ્કેલીના સમયે હું દરેક કોંગ્રેસી સાથે ખડકની જેમ ઉભો છું. આ પહેલા સિદ્ધુની મુક્તિમાં વિલંબ થતો રહ્યો. પહેલા સવારે 11 વાગ્યે અને પછી 3 વાગ્યે તેમની મુક્તિની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમને લગભગ સાંજે 6 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમના પુત્ર કરણ સિદ્ધુએ આરોપ લગાવ્યો હતો કે તેમને કાગળના નામે બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સવારથી ઘણી વખત એક કલાકમાં મુક્તિ થવાની વાત કહેવામાં આવી. સમર્થકોની ભારે ભીડને કારણે મુક્તિમાં વિલંબ થયો. પટિયાલા પહોંચેલા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ સ્પોક્સ પર્સન ગૌતમ સેઠે જણાવ્યું કે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે રાજ્ય સ્તરના કાર્યક્રમો રદ કરવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસના તમામ નેતાઓને નવજોત સિંહ સિદ્ધુના સ્વાગત માટે પટિયાલા પહોંચવાનો આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here