ગુજરાતમાં પહેલી એનઆરઆઇ વ્યક્તિનું અંગદાન કરાયું

સુરતઃ ભાણેજના લગ્નમાં સુરત આવેલાં અમેરિકાના ગ્રીનવૂડ સાઉથ કેરોલિનાનાં રહેવાસી શિલાબહેન અનિમેષભાઈ દેસાઈ તેમની બહેન સાથે વલસાડમાં રહેતા પિતા નટુભાઈને ત્યાં ગયાં હતાં. તેમનાં બહેન સાથે ખરીદી કરી પરત ઘરે જતી વખતે શિલાબહેનને ચાલુ ગાડીએ ચક્કર આવતાં તેઓ એક્ટિવા પરથી પડી ગયા હતા. તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તબીબોએ સિટી સ્કેન કરાવતાં તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો અને સોજો આવી ગયો હતો. ન્યુરોસર્જન તબીબ દ્વારા ક્રેનિયોટોમી કરી તેમના મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું બ્રેનડેડ થઈ જતાં પરિવાર દ્વારા તેમનાં અંગોનું દાન કરવામાં આવતાં અન્ય પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોઈ એનઆરઆઇ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું છે.
મૂળ અમેરિકાનાં ગ્રીનવૂડ સાઉથ કેરોલિનાસ્થિત નોર્થ ઇસ્ટમાં રહેતાં અને હાલ સુરતના કતારગામ નિત્યાનંદ સોસાયટીમાં રહેતાં શિલાબહેન તેમના ભાણેજના લગ્ન ૧૨ ડિસેમ્બરે હોવાને કારણે ગત તારીખ ૨૧ નવેમ્બરના રોજ અમેરિકાથી ભારત આવ્યાં હતાં. ૧૨મી ડિસેમ્બરના રોજ ભાણેજના લગ્નના દિવસે જ ડોક્ટરોએ તેમને બ્રેનડેડ જાહેર કર્યાં હતાં.
આ અંગે ડોનેટ લાઇફના પ્રમુખને જાણ કરાતાં તેમણે તેમના પરિવારના સભ્યોને સમજાવી આઇકેડીઆરસીના માધ્યમથી બે કિડની, એક લિવરનું દાન લીધું હતું, જ્યારે બે ચક્ષુઓનું દાન લોકદષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. આમ, તેમનાં અંગોના દાનથી અન્ય પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here