ગુજરાતમાં ઝેરમુક્ત ખેતી માટે પહેલ કરતા મુખ્યમંત્રી

 

સુરત: સુરત શહેરમાં પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યલાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતાં, ત્યાં જ પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કેટલાક ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમને પ્રાકૃતિક ખેતી કરી ખરા અર્થમાં પર્યાવરણને બચાવવાનું કામ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે. જેથી ગુજરાતનો પ્રત્યેક કિસાન ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે. પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે. 

આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક ગામ દીઠ ૭૫ કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સંકલ્પબદ્ધ કરવાનું આહવાન કર્યું છે. જેને ઝીલી લઈને રાજ્ય સરકાર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં સંકલ્પકૃત્ત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આઝાદીના અમૃત વર્ષમાં આપણે ભૂતકાળમાંથી શીખીને સોનેરી ભવિષ્ય માટેનો માર્ગ બનાવવાનો છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પડકારોનો સામનો કરીને દેશને નવા ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે, આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. 

સમગ્ર વિશ્ર્વમાં બેક ટુ બેઝીક એટલે કે કુદરત તરફ પાછા ફરવાની પ્રણાલી શરૂ થઈ છે. અગાઉ જે રોગો ૬૦-૬૫ વર્ષની ઉંમરમાં જોવા મળતા હતા, તે આજે યુવાવસ્થામાં જોવા મળી રહ્યાં છે. સમગ્ર વિશ્ર્વ બદલાતી જલવાયુની અસરોને અનુભવી રહ્યું છે. આ સમસ્યાના મૂળમાં રસાયણો દ્વારા પકવેલો આપણો ખોરાક પણ એક કારણ છે. જેની સામે પ્રાકૃતિક કૃષિ અપનાવી, સજ્જ બની કૃષિને ટકાવી રાખવી અનિવાર્ય હોવાનો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર્વે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશભરમાં કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનશે. આજે આખું વિશ્ર્વ ગ્લોબલ ર્વોમિંગથી ત્રસ્ત છે. ગ્લોબલ ર્વોમિંગની સમસ્યા પાછળ રાસાયણિક અને ઓર્ગેનિક કૃષિનો ૨૪ ટકા જેટલો ફાળો છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થયા. ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદિત દૂષિત આહાર આરોગવાથી લોકોને કેન્સર હૃદય રોગ, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દૂષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રાકૃતિક કૃષિ છે