તમિલનાડુમાં ભારે વરસાદથી વિનાશ, 10નાં મોતઃ બચાવ કામગીરી પૂરજોશમાં

ચેન્નાઈઃ તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે. જો કે બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે- મુખ્ય સચિવ શિવદાસ મીણાએ કહ્યું હતું કે દક્ષિણના જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. 30 કલાકના સમયગાળામાં કયલપટ્ટિનમમાં 1,186 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે તિરુચેન્દુરમાં 921 મીમી વરસાદ નોંધાયો હતો. તેમણે કહ્યું કે તમામ 10 મૃત્યુ આ બે જિલ્લામાં થયા છે. કેટલાકે દીવાલ ધરાશાયી થવાને કારણે જીવ ગુમાવ્યો હતો જ્યારે કેટલાકનાં મોત વીજકરંટને કારણે થયા હોવાની માહિતી મળી રહી છે.
વધુમાં મીનાએ કહ્યું કે નેવી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અમે 160 રાહત કેમ્પની સ્થાપના કરી છે. આ રાહત કેમ્પમાં લગભગ 17,000 લોકોને રાખવામાં આવ્યા છે. અમે હજુ પણ કેટલાક ગામો સુધી પહોંચી શક્યા નથી કારણ કે ત્યાં પાણીનું સ્તર હજુ ઘટ્યું નથી. રાહત કાર્યમાં નવ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે અને તેની મદદથી ફસાયેલા લોકો સુધી 13,500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે. ૨૭૯ હોડી કાર્યરત છે અને બચાવ અને રાહત કામગીરીને વેગવંતી બનાવવા રામનાથપુરમમાંથી વધુ ૫૦ હોડી આવી રહી છે. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરો ફૂડ પેકેજ, દૂધ અને પીવાનું પાણી પૂરું પાડે છે.
રોડ લિન્ક ફરી સ્થાપવા પ્રધાનો અને હાઈવેના સિનિયર અધિકારીઓ કામ કરી રહ્યા છે. સંખ્યાબંધ વિસ્તારો રોડ-હાઈવે બંધ થઈ જતાં વિખૂટા પડી ગયા છે અને એ વિસ્તારોમાં ફક્ત હોડી વડે પહોંચવાનો મોટો પડકાર છે. અનેક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી હોડી પણ વાપરી શકાતી નથી અને આવા સ્થાનો પર હેલિકોપ્ટરની મદદ લેવી પડે છે. પૂરના પાણી ઓસરી જાય ત્યાર બાદ જ થયેલા નુકસાનની આકરણી કરી શકાશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સ્ટેટ હાઈવે રોડ નેટવર્ક સ્થાપવાનું પુરજોશમાં શરૂ કરશે.
મીનાએ કહ્યું હતું કે સંદેશવ્યવહારનો પણ પ્રશ્ર છે. દાખલા તરીકે થૂથુકુડી જિલ્લામાં સંદેશવ્યવહાર કપાઈ ગયો છે અને અમે પોલીસ વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. રઝળી પડેલા ટ્રેન પેસેન્જરનો શ્રીવૈકુંઠમમાં સંપર્ક કરવા અમે રેલવેની સંદેશવ્યવહારની નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here