કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રી ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો ૩૮એ પહોંચ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ દેશમાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના સામે લડવા માટે ઘણીબધી સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ કરવા આગળ આવી રહી છે અને કેટલાક દાતાઓ દાન કે ચોક્કસ રકમ આપવા ઇચ્છી રહ્યા છે. સરકારને આવી ઘણી રજૂઆતો અને અરજ મળતાં આખરે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડની ઓનલાઇન એકાઉન્ટની વિગતો જાહેર કરી દાતાઓને કોરોનાના કહેરના આ કપરા સમયમાં ઉદાર હાથે ફાળો આપી માનવતા અને સેવા કાર્યમાં આગળ આવવા અપીલ કરી છે. 

રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોના વાઇરસ સામે લડવા માટે નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં બેંકના ખાતામાં ઓનલાઇન રકમ જમા કરાવી શકશે. 

આ સાથે જિલ્લા કક્ષાએ કલેકટરો પણ ચેક સ્વીકારશે. કોરોના કહેર સામે લડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોને જીવજરૂરિયાતની વસ્તુઓની મદદ કરવા આગળ આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા સૌકોઇને અપીલ કરવામાં આવી છે. દાતાઓ દ્વારા દાન કરાયેલ કે મુખ્યમંત્રી રાહતફંડમાં આપેલી રકમ કોરોના વૈશ્વિક મહામારી અનુસંધાનમાં જ ઉપયોગમાં લેવાશે અને દાતાઓની સેવાભાવનાની પણ નોંધ લેવાશે. તેમણે ઉમેર્યું કે, કોરોનાના વાઇરસની ખતરનાક અને ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર અને તંત્ર કામે લાગ્યું છે પરંતુ આ કપરા સંજોગોમાં ઘણા મોટા આર્થિક દાનની પણ જરૂરિયાત ઉભી થઇ છે. તો સાથે સાથે કેટલાક દાતાઓ અને ઉદાર મનવાળી વ્યક્તિઓ કે કોર્પોરેટ હાઉસ દ્વારા સામેથી દાન કે રકમ આપવા ઇચ્છા વ્યકત કરી છે. તેથી કોરોના વાઇરસ સામે લડવા રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા તેમજ જીવનજરૂરિયાત વસ્તુઓ પહોંચાડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આવી છે. 

આ સાથે કોરોના વાઇરસના સંકટ સમયે શિક્ષકો રાજ્ય સરકારની વહારે આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ પ્રાથમિક શિક્ષકોનો એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકો દ્વારા એક દિવસનો પગર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજે બે લાખ શિક્ષકો એક દિવસનો પગાર રાહત ફંડમાં જમા કરાવશે તો અંદાજે ૪૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આવશે. આ જ પ્રકારે રાજયના જુદા જુદા ક્ષેત્રોમાંથી અને લોકોમાંથી ખૂબ મોટી રકમ અને દાન મુખ્યમંત્રી રાહતફંડમાં આવવાની આશા છે. 

નીચે મુજબના ખાતામાં દાતા નાણાં જમા કરી શકશે. એકાઉન્ટનું નામ ઃ ચીફ મીનીસ્ટર્સ રિલીફ ફંડ એકાઉન્ટ નંબર ઃ ૧૦૩૫૪૯૦૧૫૫૪ સેવિંગ્સ બેંક એકાઉન્ટ ઃ એસબીઆઇ, એનએસસી બ્રાંચ     (૦૮૪૩૪) આઇએફએસસી એસબીઆઇએન ૦૦૦૮૪૩૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here