ઉત્તરાખંડની હોનારત માટે શું જવાબદાર? હવામાન પરિવર્તન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બંને?

 

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં બરફ પીગળવા માટે ગ્લોબલ વોર્મિંગ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર હોઇ શકે એમ નિષ્ણાતોએ આજે જણાવ્યું હતું જ્યારે તેઓ હિમાલયના આ ટેકરીઓ વાળા વિસ્તારમાં હાહાકાર મચાવનાર હિમપ્રપાત અને પૂરના કારણો સમજવા પ્રયાસ કરી રહ્યા છે.

રવિવારે જોષીમઠમાં નંદાદેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડ્યો અને તેને કારણે અલકનંદા અને તેની ભગીની નદીઓમાં ભારે પૂર આવ્યા તે બાબતે ૨૦૧૩ની તે હોનારતની યાદ અપાવી હતી જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. સોમવારની મોડી બપોર સુધીમાં ૧૮ મૃતદેહો મળ્યા હતા અને ૨૦૨ હજી લાપતા હતા.

ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)નું સ્નો એન્ડ એવલાંશ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ આ પૂરના ચોક્કસ કારણો બાબતે તપાસ કરી રહ્યું છે જ્યારે કે શિયાળામાં હિમશિખર પીગળવા અંગેના ચોક્કસ કારણો બાબતે હજી કોઇ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો.

એ સ્પષ્ટ થયું નથી કે આ પૂર એ પરંપરાગત ગ્લસિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (ગ્લોફ) છે કે પછી ભૂપ્રપાત કે હિમપ્રપાતને કારણે સર્જાયેલ અવરોધનું પરિણામ હતું કે જેને કારણે હંગામી તળાવનો પ્રવાહ અવરોધાઇ ગયો અને બાદમાં ફાટયો. એમ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રણજીત રથે કહ્યું હતું. જ્યારે આઇઆઇટી ઇન્દોરના ગ્લેસિયોલોજી અને હાઇડ્રોલોજીના નિષ્ણાતા ફારૂક આઝમે કહ્યું હતું કે ગ્લેશિયરની અંદર ભરાઇ રહેલા પાણીના જથ્થાઓને કારણે આ ઘટના બની શકી હોય, જે જથ્થાઓ ફાટ્યા હોઇ શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવામાન પરિવર્તનને કારણે હવામાન પેટર્ન આ વિસ્તારમાં બદલાઇ છે અને તેને કારણે ગરમ શિયાળાઓને કારણે ઘણો બધો બરફ પીગળી રહ્યો છે. દરમ્યાન, આ દુર્ઘટનાનો અભ્યાસ કરવા વૈજ્ઞાનિકોની એક ટુકડી હવાઇ માર્ગે જોષી મઠ જવા રવાના થઇ હતી.