શેખ હસીના સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બનશે

PM in a bilateral meeting with the Prime Minister of Bangladesh, Ms. Sheikh Hasina, in New Delhi on September 08, 2023.

ઢાકાઃ બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી શેખ હસીના સતત ચોથી વખત વડાપ્રધાન પદ સંભાળવા જઇ રહ્યાં છે. ૭ જાન્યુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં હસીનાની પાર્ટીએ સંસદની ૩૦૦ બેઠકોમાંથી ૨૦૪ બેઠકો જીતી હતી. આ સાથે જ હસીનાએ સતત આઠમી વખત ચૂંટણી જીતી હતી. ગોપાલગંજ-૩ બેઠક પરથી, તેમણે બાંગ્લાદેશ સુપ્રીમ પાર્ટીના ઉમેદવાર એમ નિઝામુદ્દીન લશ્કરને ૨.૪૯ લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે. હસીનાને ૨ લાખ ૪૯ હજાર ૯૬૫ વોટ મળ્યા જયારે નિઝામુદ્દીનને માત્ર ૪૬૯ વોટ મળ્યા. હસીનાએ ૧૯૮૬માં પહેલીવાર ચૂંટણી જીતી હતી. બાંગ્લાદેશ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે ચૂંટણીમાં ૪૦ ટકા મતદાન થયું હતું. ૨૦૧૮ની ચુંટણીમાં ૮૦ ટકા મતદાન થયું હતું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) સહિત દેશના વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. શેખ હસીના પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. તેઓ ૧૯૬૬થી ૨૦૦૧ સુધી વડાપ્રધાન હતા. આ પછી, તે ૨૦૦૯માં ફરીથી વડાપ્રધાન બન્યા. ત્યારથી લઇને અત્યાર સુધી તેઓ સત્તામાં છે. બાંગ્લાદેશમાં વિપક્ષે ૬ જાન્યુઆરીએ ૪૮ કલાકની હડતાળની જાહેરાત કરી હતી. આ પછી, વિપક્ષની ગેરહાજરીમાં, બેલેટ પેપર પર માત્ર અવામી લીગ, તેના સાથી પક્ષ અને અપક્ષ ઉમેદવારોના નામ લખવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષ અવામી લીગની જીતને માત્ર ઔપચારિકતા ગણવામાં આવી હતી. વડાપ્રધાન શેખ હસીનાએ તેમની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને આદેશ આપ્યો છે કે તેઓ વિજયની ઉજવણી ન કરે કે કોઇ રેલી કે સરઘસ ન કાઢે. હસીનાના સચિવ શ્યામ ખાને વડાપ્રધાનને ટાંકીને આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું કે, પરિણામ જાહેર થયા પછી કોઇપણ પ્રકારની હિંસા ન થવી જોઇએ, કારણ કે તેનાથી દેશને નુકસાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here