વાંચે ગુજરાત, વિચારે ગુજરાત

1
1135

(ગતાંકથી ચાલુ)
તમે દુનિયાની કોઈ યુનિવર્સિટીના કેમ્પસ પર બાલવાડી જોઈ છે? તમે કોઈ યુનિવર્સિટી દ્વારા ચાલતી પ્રયોગશીલ માધ્યમિક શાળા જોઈ છે? હા, એ માટે તમારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસ પર પહોંચવું પડશે. એ યુનિવર્સિટી દ્વારા ચાલતી ચેતન બાલવાડીમાં પ્રવેશ પામવા માટે મોટી લાગવગની જરૂર પડતી. કેમ્પસ પર આજે પણ યુનિવર્સિટી દ્વારા ચાલતી એક્સ્પેરિમેન્ટલ સ્કૂલ એક જમાનામાં ગુજરાતની આદર્શ નિશાળ હતી. એના દષ્ટિવંત આચાર્ય સદ્ગત કિશોરકાંત યાજ્ઞિક હતા. ગુજરાતની એ વાઇબ્રન્ટ સ્કૂલ હતી. આવું સુંદર કામ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ હંસા મહેતાએ કર્યું હતું. જગતના દસ શ્રેષ્ઠ કુલપતિઓની યાદી બનાવવામાં આવે, તો એમાં હંસાબહેનનું નામ મૂકવું પડે. યુનિવર્સિટીનું મુખ્ય કામ બને તેટલા ઇડિયટ્સ પેદા કરવાનું છે. ચેતન ભગતનું એક મૌલિક મથાળું હતુંઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇડિયટ્સ.
થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં આમિર ખાન એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા વિદ્યાર્થીને જે તાણ રહેતી હોય તે અંગે આચાર્યને કહે છેઃ યહ કોલેજ હૈ, યા પ્રેશર કૂકર? ડેવિયન્ટ એટલે વિસામાન્ય. ક્યારેક અત્યંત તેજસ્વી એવા અર્ધપાગલ માટે અંગ્રેજીમાં ક્વાર્ક શબ્દ પ્રયોજાય છે. મનોવિજ્ઞાનમાં મૌલિકતાનો ખરો સંબંધ ડાઇવર્જન્ટ થિંકિંગ સાથે જોડવામાં આવ્યો છે. રવિશંકર મહારાજ વાતવાતમાં કહેતાઃ જે ઘરેડમાં ચાલે તે ઘરડો.’ જે ઇડિયટ કે ક્વાર્ક છે, તે અન્યથી સહેજ ફંટાઈને ચાલે છે. જગતના ઇતિહાસમાં જેમણે કશીક ધાડ મારી છે, તે આવા થોડાક નીમપાગલોએ જ મારી છે. આઇન્સ્ટાઇન ભણવામાં ધાડમારુ નહોતો. કહેવાય છે કે જગતમાં ખૂબ જ ઊંચો બુદ્ધિઅંક (આઇક્યુ) આઇન્સ્ટાઇનનો હતો. ગુજરાતનાં માતા-પિતાને વિનંતી છે, તમારાં સંતાનોને દબાણ કરીને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ધકેલશો નહિ. જેને ગણિત કે વિજ્ઞાનમાં રસ ન પડે તે બાળક ડોબો નથી. એને જો મનગમતો વિષય મળી જાય તો જરૂર ઝળકી ઊઠશે. ગુલાબ ગુલાબ છે. રાતરાણી રાતરાણી છે. બન્નેની પ્રકૃતિ અલગ અલગ છે. બન્ને વચ્ચે સરખામણી ન હોય. બન્ને પોતપોતાના છોડવા પર મહાન છે. માતા-પિતા ક્યારેક ચંગીઝ ખાન બનીને પોતાના જ બાળકનું મૂલ્યાંકન એ પરીક્ષામાં કેટલા ટકા લેવા તેના પરથી કરે છે. આવાં અભણ માતા-પિતાનું પાપ બાળકને જીવનભર નડતું રહે છે. બાળક કંઈ માટીનો લોંદો નથી. એના પુષ્પત્વને ચીમળી નાખવાનું પાપ એની કરિયરના નામે કરવાનું યોગ્ય નથી. ગલકાના ફૂલનું પણ પોતીકું સૌંદર્ય હોય છે. ફૂલ આખરે ફૂલ છે અને એને ખીલવાનો અધિકાર છે. વાલીઓ બાળકના માળી છે, માલિક નથી. તેઓ માળી બનવાને બદલે કઠિયારા બને તે અક્ષમ્ય અપરાધ છે.
વાંચે ગુજરાત અને વિચારે ગુજરાત, એમ બેઉ ઝુંબેશ સાથોસાથ ચાલવી જોઈએ. વિચારવાની ટેવ ન કેળવાય તો વાંચેલું બેકાર છે. છેક 1949માં ઋષિ વિનોબાએ પોતાના નિબંધસંગ્રહ જીવનદષ્ટિના પ્રારંભે એક વિધાન મૂક્યું હતુંઃ જ્ઞાન કરતાં પણ દષ્ટિ મહત્ત્વની હોય છે. એમના બીજી નિબંધસંગ્રહનું મથાળું હતુંઃ મધુકર. આ બન્ને પુસ્તકો કોઈ જૂની લાઇબ્રેરીના બંધ કબાટમાંથી ખોળીને વાંચવા જેવાં છે. એ પુસ્તકોને વળગેલી ધૂળ ખંખેરીને વાંચ્યા પછી જીવનની થોડીક ધૂળ ખરી પડે એ શક્ય છે. બન્ને પુસ્તકોમાં એક કોમન નિબંધ સ્થાન પામ્યો છેઃ સાહિત્યની દિશાભૂલ. યુનિવર્સિટીનો સ્વધર્મ સ્નાતકોને અને અનુસ્નાતકોને એસેમ્બ્લી લાઇન પર વહેતા મૂકવાનો નથી. યુનિવર્સિટીનું મિશન તો પારમિતાની સાધના થાય તે માટેનું પર્યાવરણ સર્જવાનું છે. વિચારવાની ટેવ ન હોય છતાં પીએચ.ડી. થયેલા કેટલાક પ્રાધ્યાપકોને તમે મળ્યા છો? જો ન મળ્યા હો તો તમે નસીબદાર છો. એ બાબતે હું કમનસીબ છું.
વિચારવાની ટેવ પડે અને જીવનદષ્ટિ કેળવાય તે માટે નિશાળો અને કોલેજોમાં વિચારશિબિરો યોજાવા જોઈએ. આવા પચીસ વિચારશિબિરો લાગલગાટ પચીસ વર્ષો સુધી ગુજરાતમાં યોજાયા હતા. અમારા એક શિબિરમાં ચાર વિચારપુરુષો વૃક્ષોની નીચે લીંપણના ચોરા પર (બીલીમોરાની અવધૂતવાડીમાં) બેઠા હતાઃ મનુભાઈ પંચોળી (દર્શક), યશવંત શુક્લ, ઈશ્વર પેટલીકર અને પુરુષોત્તમ ગણેશ માવળંકર. એ શિબિરોમાં વિચારોની મિજબાની કેવી ચાલી હશે તેની કલ્પના તો કરી જુઓ! શિબિરમાં આવનાર પ્રત્યેક વાચક પોતાનું મનગમતું પુસ્તક લાવે અને સૂર્યોદય ગોષ્ઠિમાં એનો પરિચય કરાવે એવી પ્રથા હતી. શિબિરમાં આવેલી એક રશિયન યુવતી ગુજરાતીમાં બોલી હતી. પરોઢના આછા ઉજાસમાં સૌ વૈતાલિકના મધુર સંગીત સાથે ઊઠે એવો ઉપક્રમ હતો. આવા શિબિરો ગોઠવવામાં ઝાઝો ખર્ચ થતો નથી. ગુજરાતના આચાર્યો અને અધ્યાપકો જાગે એટલી જ વાર છે. વિચારોનું વૃંદાવન સર્જાયું ન હોય એવા કેમ્પસને પણ લોકો કેવળ ટેવને આધારે યુનિવર્સિટી કહે છે. મહાકિવ કાલિદાસ કહે છેઃ
જે પ્રાચીન હોય તે
બધું જ સારું હોય એવું નથી.
વળી જે આધુનિક કાવ્ય કે શાસ્ત્ર હોય,
તે દોષમુક્ત હોય જ એવું પણ નથી.
વિવેકી પુરુષો પૂરી કસોટી કર્યા પછી જ
તેનો સ્વીકાર કરે છે,
જ્યારે મૂર્ખ મનુષ્યો
બીજાઓ પર વિશ્વાસ મૂકીને
પારકાની બુદ્ધિ પર ચાલે છે.
મહાકવિ કાલિદાસે માલિની નદીને તીરે આવેલા તપોવનમાં નિવાસ કરતા કણ્વ ઋષિને ‘શાકુન્તલ’માં કુલપતિ કણ્વ કહ્યા હતા. યાદ રાખવા જેવું છે કે કુલપતિ શબ્દ આપણી યુનિવર્સિટીઓને કાલિદાસ તરફથી પ્રાપ્ત થયો છે. (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here