નડિયાદનો ઊભરતો ચિત્રકાર યશ કટારીઆઃ અભ્યાસ મેડિકલનો, શોખ ચિત્રકલાનો

0
1256

જો મહેનત કરવાની ધગશ હોય, સ્વયંપ્રેરણા હોય તો કોઈ પણ બાળક, યુવાન, વડીલ પોતપોતાના ક્ષેત્રે સફળ થઈ શકે છે. જેનો શોખ હોય તેની પાછળ મંડ્યા રહેવાથી સફળતા મળે છે. અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેમ જ અથાગ પરિશ્રમથી અને શોખથી સિદ્ધિ હાંસલ થાય છે. આ સિદ્ધિ જાતમહેનતથી નડિયાદમાં વસતા ઊભરતા કલાકાર યશ કટારીઆએ મેળવી છે.


18 વર્ષનો યશ કટારીઆ મેડિકલનો અભ્યાસ કરે છે, પેઇન્ટર-ચિત્રકાર છે, સાથેસાથે કરાટે ચેમ્પિયન પણ છે. યશ કટારીઆ અત્યારે વધુ અભ્યાસ માટે ચીનમાં વસે છે અને એમબીબીએસનો અભ્યાસ કરે છે.

યશનો જન્મ 10મી માર્ચ, 1999ના રોજ નડિયાદમાં થયો. તેને નાનપણથી પેઇન્ટિંગનો ખૂબ જ શોખ. તેણે પેઇન્ટિંગના કલાસ પણ કર્યા નથી, છતાં પણ તેનાં પેઇન્ટિંગ્સ અદ્ભુત છે. ચાર વર્ષની ઉંમરે તે લોઅર કે. જી.માં હતો ત્યારે તેણે એક અદ્ભુત પેઇન્ટિંગ દોર્યું હતું. આથી તેનાં માતા-પિતાએ તેને પેઇન્ટિંગ્સ દોરવા માટે પ્રોત્સાહન આપ્યું.
યશ નાનપણથી જ ઘરે પ્રેક્ટિસ કરી પેઇન્ટિંગ ક્ષેત્રે આગળ વધ્યો. તે ચિત્રો દોરવામાં સાદી પેન્સિલ, ચારકોલ પેન્સિલથી પેઇન્ટિંગ કરે છે.
નડિયાદમાં યશે પ્લેગ્રુપથી લઈને પાંચમા ધોરણ સુધી ભવન્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો. સેન્ટ ઉર્સેલા સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. દસમા પછી 11-12મા ધોરણમાં યુનિક સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો, અને પછી વધુ અભ્યાસ માટે ચીન જવાનું નક્કી કર્યું.
હવે યશ ચીનમાં જિયાંગ શી સ્ટેટમા નાનચાંગ સિટીમાં આવેલી જિયાંગ શી યુનિવર્સિટી ઓફ ટીસીએમ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. આ કોર્સ સાડા ચાર વર્ષનો છે.
2012માં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ બદલ તેને એલઆઇસી ટ્રોફી એનાયત થઈ હતી. ઇન્ટર-સ્કૂલ કોમ્પિટિશનમાં વર્લ્ડ હાર્ટ ડે 2013માં ગ્રુપ સાથે તેણે વોલ પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ પછી બાલ્કન-જી-બારીમાં જિલ્લા કક્ષાએ લેન્ડસ્કેપ પેઇન્ટિંગમાં ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
યશ ચિત્રો દોરવા માટે ચારકોલ પેઇન્ટિંગ્સમાં વધારે પોસ્ટર કલર-ક્રેયોન્સ, એક્રિલિક, પેઇન્ટિંગ, કલર પેન્સિલનો ઉપયોગ કરે છે. તે લેન્ડસ્કેપ, પોર્ટ્રેઇટ પેઇન્ટિંગ દોરે છે.


યશે ડ્રોઇંગની વિવિધ પરીક્ષાઓ પાસ કરી છે, જેમાં ગુજરાત સ્ટેટ એલિમેન્ટરી ડ્રોઇંગ ગ્રેડ એક્ઝામ, ઇન્ટરમિડિયેટ ડ્રોઇંગ ગ્રેડ એક્ઝામ, ઇન્ટર-સ્કૂલનો સમાવેશ થાય છે.
યશને પ્રેરણારૂપ પેઇન્ટિંગ્સ દોરવાનો શોખ છે. તેણે અનેકવિધ વિષયો પર ચિત્રો દોરેલાં છે. યશે દોરેલાં ચિત્રો આપણે જોઈએ એટલે તેની વિવિધતાનો તરત ખ્યાલ આવે છે. તેણે કે. જી.થી બારમા ધોરણ સુધીના અભ્યાસ દરમિયાન એક હજારથી વધુ ચિત્રો દોરેલાં છે. યશે વિવિધ વિષયો પર આધારિત ચિત્રો દોર્યાં છે. યશે ત્રણથી ચાર ગ્લાસ પેઇન્ટિંગ કરેલાં છે જેનો તેને આનંદ છે. યશના પિતા કેયૂરભાઈ કટારીઆ રેલવેમાં નોકરી કરે છે અને માતા મનીષાબહેન કટારીઆ એલઆઇસીમાં જોબ કરે છે.
કેયૂરભાઈ અને મનીષાબહેન યશ વિશે ગૌરવ અનુભવતાં કહે છે કે, યશને ડ્રોઇંગ, સ્વિમિંગ, ફોટોગ્રાફીનો શોખ છે. તેણે કરાટેમાં ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ મેળવ્યો છે. ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 2013માં બ્લેક બેલ્ટ મળ્યો હતો. ગુજરાત સ્ટેટ સ્ક્વે ચેમ્પિયનશિપ માર્શલ આર્ટ, ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ (અંડર-10)માં સ્ટેટ લેવલ કરાટે-વાડો કરાટે સ્પર્ધામાં તેણે ભાગ લીધો હતો. જ્યારે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2011માં કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સિવાય કિક બોક્સિંગમાં ગુજરાત સ્ટેટ લેવલે પણ ભાગ લીધો છે. તેનામાં જન્મજાત કલા છે.
ચિત્રકલા ક્ષેત્રે યશના આદર્શ જગવિખ્યાત ચિત્રકારો લિયોનાર્દો દ વિન્ચી, પાબ્લો પિકાસો, ભારતીય ચિત્રકાર એમ. એફ. હુસેન છે.
મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જન્મજાત ચિત્રકલા-પેઇન્ટિંગનો શોખ છે. યશે પોતાને નાનપણથી ચિત્રકલાનો શોખ હોવા છતાં પણ ચિત્રકારને વ્યવસાય બનાવવાને બદલે મેડિકલ ફિલ્ડ અપનાવ્યું અને પોતાનો શોખ પણ ચાલુ રાખ્યો છે.
કેયૂરભાઈ અને મનીષાબહેનને યશ પર ગૌરવ છે. અત્યારે અભ્યાસાર્થે ચીન ગયેલો યશ પોતાની નવરાશની પળોમાં ચિત્રો દોરતો રહે છે. યશ ભવિષ્યમાં ડોક્ટર બનીને સમાજમાં દર્દીઓની સેવા કરવાનો આદર્શ ધરાવે છે. આ ઉપરાંત ભવિષ્યમાં પેઇન્ટિંગ ગેલેરીમાં પોતાનાં અનેકવિધ ચિત્રોનું એક્ઝિબિશન યોજવાનું યશનું આયોજન છે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here