માટુંગા-દાદરના જનસમાજની અનેરી એકરૂપતા

મારું બાળપણ અને શિક્ષણ સાથેનું ઘડતર ઘાટકોપરમાં થયું, પરંતુ મારી કારકિર્દી અને પ્રગતિશીલ જીવનની દષ્ટિ માટે દાદર-માટુંગા મારે માટે અગત્યનાં છે. મુંબઈ મહાનગરના મધ્યમવર્ગીય સંસ્કારી અને શિસ્તબદ્ધ જનસમૂહની વસતિનું કેન્દ્રસ્થાન દાદર-માટુંગા માની શકાય.
ઉપનગરી પશ્ચિમ રેલવેના અંધેરી-પાર્લા-સાંતાક્રુઝ-ખારના શહેરી લોકોનું અને પૂર્વનાં ઉપનગરો મુલુંડ-ઘાટકોપર કે શિવના નગરવાસીઓના લોકોની એકરૂપતાનું કે સમરસતાનું દર્શન દાદર-માટુંગામાં દષ્ટિગોચર થાય.
મુંબઈની જ્ઞાનસમૃદ્ધિ અને વિસ્તીર્ણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં દાદર-માટુંગાની ખ્યાતનામ કોલેજો – મહાશાળાઓ અને ટેક્નિકલ તાલીમની સંસ્થાઓનો સિંહફાળો છે. અંગત રીતે મને સુપરિચિત જ્યાં મારા પિતા જગદીશચંદ્ર રાવલે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો તે રામનારાયણ રૂઇયા કોલેજ અને એની સાથેની પોદ્દાર કોમર્સ કોલેજ, જ્યાં મારાં ફઈના દીકરા શૈલેશભાઈ રાવલ બી.કોમ થયા એમની પાસેથી એ કોલેજોની ભવ્યતા અને વિદ્વાન પ્રાધ્યાપકોની વાતો મને ખૂબ જ પ્રભાવિત કરી જતી. એ સાથે માટુંગા રેલવે સ્ટેશનની સામે આવેલી પ્રીમિયર હાઈ સ્કૂલ જોતાં મારી મમ્મીએ સુધાબહેને એસટીસીના વર્ગો ભર્યા હતા તેની યાદ તાજી થઈ જાય. માટુંગા-કિંગસર્કલના વિસ્તારની ખાલસા કોલેજ, વીજેટીઆઇ, ડિપાર્ટમેન્ટ એન્ડ ટેક્નિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ડોન બોસ્કો સ્કૂલ તો દાદર વિસ્તારની બી. એન. વૈદ્ય, રોબર્ટ મની હાઈ સ્કૂલ પશ્ચિમ માટુંગાની રૂપારેલ કોલેજ જેવી અનેકવિધ સંસ્થાઓએ મહાનગર મુંબઈના શિક્ષણજગતને સમૃદ્ધ કર્યું છે.
માટુંગાનો માહેશ્વરી ગાર્ડન, રૂઇયા કોલેજ સામેનું જિમખાનાનું મેદાન અને ખ્યાતનામ શિવાજી મેદાન આ વિસ્તારના પર્યાવરણને શુદ્ધ રાખવામાં મહત્ત્વ ધરાવે છે તો શિવાજી મેદાન સાથે શિવ સેના – બાળાસાહેબ ઠાકરે શિવ સૈનિકોનાં સંમેલનો, આંદોલનોની યાદ તાજી થાય.
મારી કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ વરલીની સાસ્મિરાને આભારી છે. રચના આર્ટ એકેડેમીમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કર્યો તે દરમિયાન ઘાટકોપરથી લોકલ ટ્રેનમાં કે દાદર-ખોરદાદ સર્કલની બસ નં. 385માં આવ-જા કરવામાં દાદર-માટુંગાનો તિલક બ્રીજ કે દાદર-ઈસ્ટમાંથી વેસ્ટમાં દોરી જતો રેલવે બ્રિજ પગતળે થઈ ગયો હતો.
એ દરમિયાન દર મંગળવારે સિદ્ધિવિનાયકનાં દર્શન, દર શનિવારે પશ્ચિમ દાદરમાં કબૂતરખાના આગળ હનુમાનજીનાં દર્શન મારી શ્રદ્ધાનાં મુખ્ય કેન્દ્રો. ત્યાંની દરગાહ, પોર્ટુગીઝ ચર્ચ સર્વ ધર્મ સમભાવને સાકાર કરતાં રહે છે.
ડ્રેસ, સાડીઓની ખરીદી માટેના વિસ્તારો પણ મુખ્ય હોલથી સિંધી માર્કેટ, ગાંધી માર્કેટ, બાબુભાઈ જગજીવનનો ડ્રેસ મટીરિયલના વિશાળ શોરૂમની મુલાકાત લેવી જ રહી.
મનોરંજન માટે અરોરા સિનેમાગૃહ, બ્રોડવે, પ્લાઝા સિનેમા અવશ્ય ધ્યાનાકર્ષક થતાં. ખાદ્ય સામગ્રીનો ખ્યાલ કરતાં મામા કાણેનાં બટાકાવડાં, છબીલદાસ સ્કૂલ પાસેના વડા-પાંઉ મોંમાં પાણી લાવી દે. પશ્ચિમ દાદરમાંનું વિશાળ શાકમાર્કેટ, જ્યાંથી અમે ઘાટકોપરથી આવતાં-જતાં જથ્થાબંધ શાક-ફળફળાદિ ખરીદતાં તો લોકમાન્ય સ્વીટ માર્ટમાંથી દિવાળી વેકેશન કે ઉનાળુ રજામાં વતનના ગામ અમલસાડ જતાં હલવાનાં અને મિક્સ મીઠાઈનાં બોક્સ પેક કરાવતાંની યાદ તાજી થાય.
અમારા છત્રીસ વર્ષના યુએસએના વસવાટ દરમિયાન દર બે-ત્રણ વરસે અમે મુંબઈની મુલાકાત લઈએ ત્યારે આ વિસ્તારમાંનાં મંદિરો, શિક્ષણ સંસ્થાનોની યાદ તાજી થાય. સિદ્ધિવિનાયકના મારા ગનુદાદા (ગણપતિ), મહાલક્ષ્મીનું દર્શન અમારે માટે અનિવાર્ય બની જાય, ત્યાંની પૂજન-થાળની સુવાસ અને બરફી-પેંડાના પ્રસાદની મીઠાશ દિલ-દિમાગને પ્રસન્નતાથી તરબોળ કરી દે.
મુંબઈના નગરવાસી તરીકે ઘાટકોપર – દાદર-માટુંગા વિસ્તારની સ્મૃતિ-સુગંધ મારા માટે સદા સ્મરણીય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here