માણો અલબેલી નગરી મુંબઈને…

મુંબઈ. ભારતનું ‘પ્રવેશદ્વાર’ (ધ ગેટવે ઓફ ઇન્ડિયા). અમે ઈ. સ. 1946થી મુંબઈમાં રહ્યા છીએ. અલબેલી મુંબઈનગરી… મુંબઈને વિધવિધ દષ્ટિથી જોયું છે અને વિધ વિધ સ્વરૂપે જાણ્યું છે, માણ્યું છે. એ સમગ્ર મહાનગરને આલેખવું હોય તો મોટું પુસ્તક લખી શકાય.

મુંબઈના પાલવા બંદર-ગેટવે ઓફ ઇન્ડિયા, ફોર્ટ એરિયા, બોરીબંદર (વી. ટી.) સ્ટેશન વિશે જોઈએ. આ વિશાળ ભવ્ય સ્ટેશન, જ્યાં સેન્ટ્રલ રેલવેની ઇલેક્ટ્રિક ટ્રેનો થાણા-કલ્યાણ-કર્જત-કસારાથી વહેલી સવારે મળસકે ચારથી મોડી રાત્રે 1-30 સુધી હજારો-લાખો મુસાફરોને અવર-જવર કરાવતી રહે છે. વિક્ટોરિયા ટર્મિનસ (વી.ટી.) હવે સી.એસ.ટી. તરીકે ઓળખાય છે. બ્રિટિશરોએ બાંધેલું એ વિશાળ સ્ટેશન ભવ્ય છે. મુંબઈમાં નવા આવનાર પ્રવાસીઓ એની ભવ્યતા જોઈને પ્રભાવિત થાય છે. આઠ-આઠ પ્લેટફોર્મને આવરી લેતી વિશાળ ઇમારત – કલાત્મક ગોળ દરવાજા સાથેની રેલવે સ્ટેશનની જુદી જુદી ઓફિસો, અનેક ટિકિટબારીઓ, ખાસ્સાં પહોળાં પ્રવેશદ્વારો. મુંબઈ માટે આ ઇમારત-મહામૂલી હેરિટેજ સમાન છે.

વી.ટી. સ્ટેશનની બહાર નીકળતાં જ એકદમ સામે જમણે હાથે એવી જ એક ભવ્ય ઇમારત – મુંબઈ સુધરાઈ – મહાનગરપાલિકા-નું મકાન, જેના પટાંગણમાં સર ફિરોજશાહ મહેતાની પૂર્ણ કદની ઉત્કૃષ્ટ પ્રતિમા. જાણે મુંબઈના નગરવાસીઓનું ગૌરવ. બ્રિટિશરોએ બાંધેલી આ ઇમારતમાંથી લગભગ બસો વર્ષોથી મુંબઈ સુધરાઈ મહાનગરના લોકજીવનની અત્યંત કાળજીભરી માવજત કરતી રહી છે. સુધરાઈના મકાનની બન્ને – ડાબી અને જમણી – બાજુએથી જતા બે માર્ગો. એક વી.ટી. સ્ટેશનના પહેલા પ્લેટફોર્મને સમાતંર જતો માર્ગ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના પ્રેસ તરફ તથા કાફર્ડ માર્કેટ તરફ લઈ જાય છે અને બીજો માર્ગ આઝાદ મેદાનને સમાંતર ધોબીતળાવ તરફ દોરી જાય, જ્યાંથી ગિરગાંવ, કાલબાદેવીના વિસ્તારમાં જઈ શકાય છે.

મુંબઈમાં ઘણા ખરા વિસ્તારમાં બસ-ટેક્સી-કાર દ્વારા આવ-જા થાય છ, પરંતુ ‘ફોર્ટ એરિયા’માં પગપાળા જવાની મજા અનેરી જ. બોરીબંદર સ્ટેશનથી બહાર નીકળતાં જ સુધરાઈની ઇમારતની એકદમ દક્ષિણે ફોર્ટ એરિયા. પથ્થરના બાંધેલા વિશાળ સ્ટોરો, ફૂટપાથ પર સ્થળે સ્થળે ફેરિયાની નાની-નાની, છતાં ખીચોખીચ વેચવાની ચીજવસ્તુથી ભરેલી દુકાનો, જમણી બાજુની ગલીમાં કેપિટલ સિનેમાગૃહ. ભરડા શિક્ષણસંસ્થા તો ફોર્ટમાં – ફ્લોરા ફાઉન્ટ શહીદ સ્મારક સુધી પહોંચતાં હેન્ડલૂમ હાઉસ, ખાદી એમ્પોરિયમ જેવી સંસ્થાઓની મુલાકાત ખાસ લેવી જ રહી. ખાદી  એમ્પોરિયમમાં જાતજાતની હસ્તકળાકારીગરીની નમૂનેદાન બનાવટો, ખાદીના, બાફટા સિલ્ક ખાદીના રેડીમેડ તૈયાર પોશાકો. ખાદી સિલ્કની કિંમતી સાડીઓ બધું જ આકર્ષક. ત્યાંના સ્વાદિષ્ટ નમકીન શીગદાણાનો સ્વાદ લેતાં જોતાં જ રહીએ. ફૂટપાથ પર ફેરિયાઓ પાસે પણ જાતજાતની વસ્તુઓ વેચાતી જોવા મળે. બજાર વિસ્તારમાંથી આગળ વધતાં જોવાલાયક સ્થળોએ પહોંચાય. દલાલ સ્ટ્રીટમાં સ્ટોક એક્સચેન્જની વિશાળ ઇમારત, જ્યાં ‘શેરબજાર’ની કરોડો રૂપિયાની ઊથલપાથલ થાય તો એની સામે મુંબઈ સમાચાર માર્ગ પર ગવર્નમેન્ટ નેશનલ સેવિંગ્સની ઓફિસ ધરાવતું જર્જરિત – ઈસ્ટ-વેસ્ટ બિલ્ડિંગ જોઈને ખાસ્સો વિરોધાભાસ દેખાય. હવે આહ્લાદક સાગરદર્શન નજીકમાં જ માણો.

ગેટવે ઓફ ઇન્ડિયા – પાલવા બંદરની પાળેથી નયનરમ્ય નજારો માણવા મળે. દરિયામાં તરતી નાવડીઓ એલિફન્ટા ટાપુ તરફ જતી-આવતી સ્ટીમ લોન્ચો જોતાં જ રહીએ. દૂર દૂર નજર કરતાં કોઈ મોટી સ્ટીમર પણ જોવા મળે. પાછા ફરીને નજર કરીએ તો તાજમહાલ હોટેલનું આલીશાન મકાન – સંસ્થાપન. એમાં એક ચાના કપના પચાસ રૂપિયા ચૂકવવા પડે. સાંભળીને દરવાજેથી જ પાછા ફરી જવું પડે. ચાલો, હવે પહોંચીએ જહાંગીર આર્ટ ગેલેરીનું ચિત્રકામ, ફોટોગ્રાફીનું પ્રદર્શન ખરેખર જોવાલાયક – ફોટોગ્રાફર, અભ્યાસુ કલાકારોએ અવશ્ય મુલાકાત લેવી રહી. આગળ વધતાં મ્યુઝિયમ-સંગ્રહાલયની મુલાકાત લઈએ. ઐતિહાસિક પુરાણી યાદો તાજી કરાવતી તોપ-તલવાર-કટારો-બખ્તરો-રાજવીઓના શોખ-દમામ-ગૌરવનું સ્મરણ થઈ આવે. ત્યાંથી પાછા ફરતાં રિઝર્વ બેન્કની જાજરમાન ઇમારત – બ્રિટિશ કાઉન્સિલ – ફ્રેન્ચ બેન્ક, જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ)ની વિશાળતા જોઈને જૂનું, પણ સોનું – ઓલ્ડ ઇઝ ગોલ્ડ – જેવી લાગણી થાય. પાછા વી.ટી. – બોરીબંદર સ્ટેશનના પાછળના દરવાજે આવી પહોંચ્યા.

(જગદાશચંદ્ર જી. રાવલ, નિવૃત્ત આચાર્ય, વી. સી. ગુરુકુળ હાઈ સ્કૂલ, ઘાટકોપર, મુંબઈ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here