પ્રજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત કરવાથી વ્યભિચારી સ્ત્રી પવિત્ર થઈ શકતી

0
1720

 

 

વ્યભિચાર-દંડ અને પ્રાયરશ્ચત્તઃ

હોય લજ્જા લાખની તેને કરી દે ધૂળ

કલંકિની કુટુંબમાં મહાદુઃખનું મૂળ…

આ દુહો વ્યભિચારિણી માટે કહેવાયો છે. એનો અર્થ એ છે કે ઘરમાં કલંકિની હોય તો કુટુંબનાં માનપાનના લીરેલીરા ઉડાડી દે છે. કુળને માથે કલંક લગાડે છે. લાખ રૂપિયાની આબરૂ ધૂળમાં મેળવી દે છે. એટલે જ એવી સ્ત્રી મહાદુઃખનું મૂળ કહેવાય છે!

સ્મૃતિગ્રંથોમાં પણ વ્યભિચારિણી અને કલંકિનીને મહાદુઃખનું મૂળ જ માનવામાં આવી છે. જોકે મનુને વ્યભિચારિણીની નવાઈ નથી. એ કહે છે કે વ્યભિચાર તો સ્ત્રીઓના સ્વભાવમાં જ વણાયેલો હોય છે. એમાંય મદ્યપાન, દુર્જનની સોબત, પતિનો વિયોગ, જ્યાં ત્યાં રઝળપાટ, ઊંઘણશીપણું અને પારકે ઘેર રહેવું – આ છ બાબતો ભળે એટલે સ્ત્રીનું પતન થાય છે. અને એ પુરુષ વગર સ્ત્રી રહી શકતી નથી. એ પુરુષના ગુણો જોતી નથી. રૂપાળો કે કદરૂપો, પુરુષ છે ને, એટલું જ જુએ છે. અને તેનો સંગ કરે છે, પણ પતિનો ત્યાગ કરનારી વ્યભિચારિણી આ લોકમાં નિંદા પામે છે. તથા ક્ષય અને કોઢ જેવા પાપી રોગોથી પીડાય છે. એ સ્ત્રી મૃત્યુ પછી શિયાળવી બને છે. એ જ રીતે હીન વર્ણની સ્ત્રી પોતાના ઊતરતા પતિને છોડીને જો ચડિયાતા પરપુરુષને સેવે તો નિંદાપાત્ર થાય છે, અને પરાપૂર્વા કે બે ધણીની બાયડી કહેવાય છે, તથા વ્યભિચારિણી તરીકે વગોવાય છે.

આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય અને સ્ત્રી વ્યભિચારિણી ન બને એ માટે જ મનુ કહે છે કે પુરુષોએ સ્ત્રીને સ્વતંત્ર ન રાખવી. વળી વિષયોમાં આસક્ત રહેતી હોય તેવી સ્ત્રીઓને વશમાં જ રાખવી. તથા કુમારાવસ્થામાં સ્ત્રીને પિતા રક્ષે, યુવાનીમાં પતિ રક્ષે અને ઘડપણમાં પુત્રો તેનું રક્ષણ કરે, પણ કોઈ પણ સંજોગોમાં સ્ત્રીને સ્વતંત્રતા ન જ આપવી.

પરંતુ આ સલાહ અવગણીને સ્ત્રીને સ્વતંત્રતા આપવામાં આવે તો ક્યારેક તેનાં માઠાં પરિણામ ભોગવવાં પડતાં. મનુ કહે છે કે કુંવારી કન્યા હોય કે પરણેલી સ્ત્રી, તેમની સાચવણીમાં દુર્લક્ષ સેવવામાં આવે તો તેમનો પગ કૂંડાળામાં પડી જતો. પરિણામે કુંવારી કન્યા ક્યારેક પોતાની જાતિના જ પુરુષ સાથે સંબંધ જોડતી. અને પિતાના ઘરમાં જ પુત્રને જન્મ આપતી. આ પુત્ર કાનીર્ન કહેવાતો. એવું પણ બનતું કે ગર્ભવતી કુંવારી કન્યાના વિવાહ કરી દેવાતા. એટલે લગ્ન પછી તે જે પુત્રને જન્મ આપે એ સદોઢ કહેવાતો. ઉપરાંત લગ્ન પછી કોઈ સ્ત્રી પુત્રને જન્મ આપે, પણ તેનો પિતા કોણ છે એની ભાળ ન મળે ત્યારે ઘરમાં ગુપ્ત રીતે જન્મેલો એ પુત્ર ગૂઢોત્પન્ન કહેવાતો. આ પુત્રો સ્ત્રીઓના વ્યભિચારનું પ્રતીક હતા.

સ્મૃતિકાલીન સ્ત્રીઓનો આ વ્યભિચાર પાપ ગણાતું. અને આ પાપનું પ્રાયરશ્ચત્ત પણ હતું. મનુ કહે છે કે સ્ત્રીએ જાણી જોઈને વ્યભિચાર કર્યો હોય તો તે વધુ ભ્રષ્ટ ગણાતી. આવી સ્ત્રીને તેના પતિઅે એક ઘરમાં કેદ કરવી. એ સ્ત્રીએ શુદ્ધિ માટે પ્રજાપત્ય અને ચાંદ્રાયણ વ્રત કરવું. મનુએ પ્રાજાપત્ય વ્રતની આ વિધિ કહી છે. શૂદ્ર સિવાયના ત્રણ વર્ણની સ્ત્રીએ ત્રણ દિવસ બપોરે, ત્રણ દિવસ સાંજે અને ત્રણ દિવસ માગ્યા વિના મળેલું ખાવું. તેમ જ ત્રણ દિવસ ઉપવાસ કરવા. એ જ રીતે ચાંદ્રાયણ વ્રતની આ વિધિ છે. સ્ત્રીએ મળસકે, મધ્યાહ્ને અને સાંજે એમ ત્રણ વાર સ્નાન કરવું. તથા ભોજનમાં વદમાં એક એક કોળિયો ઓછો કરતાં જવું અને સુદમાં એક એક કોળિયો વધારતાં જવું.

આ બન્ને વ્રત કરીને સ્ત્રીઓ પવિત્ર થઈ શકતી, પણ તેમાંય શરત હતી. મનુ કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સ્ત્રીઓ જો શૂદ્ર સાથે વ્યભિચાર કરી ભ્રષ્ટ થઈ હોય અને તેમને ગર્ભ ન રહ્યો હોય તો જ તેઓ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે, પરંતુ જો તેને ગર્ભ રહી ગયો હોય તો પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થતી નથી. છતાં મનુએ તેનો ત્યાગ કરવાનું કહ્યું નથી. એ કહે છે કે આવી પતિત સ્ત્રીઓને વસ્ત્રો તથા ખાનપાન આપવાં તથા તેમને પોતાના ઘરની પાસે અલગ ઝૂંપડીમાં રાખવી. અને તે પછી પણ સ્ત્રી પોતાના સૌંદર્યના ઘમંડમાં છકીને પતિનો અનાદર કરે ને પરપુરુષ સાથે ચાલી નીકળે તો એ ગંભીર અપરાધ ગણાતો. મનુ કહે છે કે આવી સ્ત્રીને રાજાએ દંડ દેવો. મેળામાં માણસોની વચ્ચે તેના પર કૂતરા છોડી મૂકવા. એ કૂતરા તેને ફાડી ખાય. આમ વ્યભિચારિણીને જાહેરમાં મૃત્યુદંડ દેવાતો.

મનુની જેમ યાજ્ઞવલ્કયે પણ વ્યભિચારિણીને મૃત્યુદંડ દેવાની હિમાયત કરી છે. એ કહે છે કે જે સ્ત્રી સ્વચ્છંદી હોય, વ્યભિાચરી હોય, લૌકિક અને શાસ્ત્રીય મર્યાદાને તોડનારી હોય, દુષ્ટ હોય અને પુરુષની હત્યા કરનારી હોય તે ગર્ભવતી ન હોય તો તેના ગળામાં મોટો પથ્થર બાંધીને તેને પાણીમાં ડુબાડી દેવી. એ જ રીતે જે સ્ત્રી ભોજનમાં ઝેર આપે, માલમિલકતમાં આગ ચાંપે તથા પતિ, ગુરુ અને બાળકોને મોતને ઘાટ ઉતારે તેના કાન, નાક, હોઠ અને હાથ કાપી નાખવા. પછી આખલા સામે તેને ફેંકી દેવી. આખલો તેને મારી નાખે.

યાજ્ઞવલ્ક્યે આ પ્રકારની સ્ત્રીઓ માટે પતિત શબ્દ પ્રયોજ્યો છે. તેમના મતે હલકા વર્ણના પુરુષ સાથે ગમન કરવાથી, ગર્ભપાત કરવાથી અને પતિની હત્યા કરવાથી પતિત સ્ત્રીઓ વધુ ભ્રષ્ટ થાય છે. એટલે આવી સ્ત્રીઓનો બહિષ્કાર જ કરવો. તેમને પોતાના ઘરની નજીક મઢુલીમાં રાખવી. તેના નિર્વાહ પૂરતાં અન્ન-વસ્ત્ર આપવાં. અને તેમનું રક્ષણ કરવું. પણ પતિ અને પિતાએ જે પરપુરુષ સાથે બોલવાની મનાઈ કરી હોય તેની સાથે વાતચીત કરતી રહે તો એ સ્ત્રીને પણ દંડ કરવો. અને પછી પણ એ ન સુધરે તો તેના બધા અધિકારો છીનવી લેવા. મલિન વસ્ત્રો પહેરાવવાં. તિરસ્કૃત ને હડધૂત કરવી. જીવી શકે તેટલું જ ભોજન આપવું અને જમીન પર શયન કરાવવું. ઋતુકાળ પછી આ સ્ત્રી શુદ્ધ થઈ જાય છે, પણ જો તેણે ગર્ભ ધારણ કર્યો હોય તો તેનો ત્યાગ કરવો.

એ જ રીતે વસિષ્ઠે પણ વ્યભિચારિણીનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે. એ કહે છે કે ચાર પ્રકારની પત્નીનો ત્યાગ કરી શકાય. એક, શિષ્યનો સંગ કરનારી. બે, પતિના ગુરુ સાથે સંયોગ કરનારી. ત્રણ, પતિની હત્યાનો પ્રયાસ કરનારી અને ચાર, શૂદ્ર સાથે સમાગમ કરનારી. વસિષ્ઠની તુલનામાં બૃહસ્પતિ વધુ કઠોર દંડ દેવાના સમર્થક છે. તેમના મતે પરપુરુષને વ્યભિચાર માટે આકર્ષિત કરનારી સ્ત્રીનાં નાક, કાન અને હોઠ કાપી લેવામાં આવે. તેને રસ્તા પર ફેરવવામાં આવે, પાણીમાં ડુબાડવામાં આવે અથવા તો સાર્વજનિક સ્થળે તેને કૂતરા સામે ફંકી દેવી. પછી કૂતરા તેને ફાડી ખાય. બૃહસ્પતિની સરખામણીમાં વ્યાસ વ્યભિચારિણીને હળવો દંડ દેવાના હિમાયતી છે. તેમના મતે આવી સ્ત્રીને ઘરમાં જ રાખવી જોઈએ, પણ ધાર્મિક કાર્યો કરવાના તેના અધિકાર છીનવી લેવા. સાથે જ ધનસંપત્તિનો અને પતિનો સંગ કરવાનો અધિકાર પણ છીનવી લેવો. તેની કડક શબ્દોમાં નિંદા કરવી અને ઋતુકાળ પછી તે વ્યભિચાર ન કરે તો પત્ની તરીકેના તેના અધિકાર પાછા આપવા. અન્યથા વ્યભિચારિણીને અધિકારોથી વંચિત જ રાખવી.  (ક્રમશઃ)

 

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here