મા, મારું ગામ અને માતૃભૂમિ મને સૌથી વધારે ગમે

મારો જન્મ 11-3-1956માં થયો હતો. તિથિ પ્રમાણે મારો જન્મ શિવરાત્રિના દિવસે થયેલો. માતા-પિતાનું પ્રથમ સંતાન. ઘરમાં દાદીમાની લાડલી પુત્રી હોવાથી પુત્ર જેવાં લાડ પામી શકી. કાકા પ્રવીણભાઈ ખૂબ લાડ લડાવે અને નામકરણ કર્યું સુધા, એટલે એનો અર્થ થાય અમૃત.

નાનપણમાં પાડોશી ગોકળકાકા રમાડવા લઈ જાય. કાંતાકાકી પણ પ્રેમથી રમાડે. બીજા પાડોશી માળી હતા તેમના ઘરે અવારનવાર જતી અને પૂડલા ખાઈ આવતી. ભાઈ (બાપુજી)ના દોસ્ત રામભાઈ. તેમની પાનની દુકાન હતી. તેમને સંતાન નહોતાં. તેઓ દર શનિવારે બપોરના જમવા બોલાવતા અને આગલા દિવસે પૂછવા આવતા અને મને ભાવતું ભોજન જમાડતા.

બચપણમાં રમવા જતી વખતે દુકાનમાંથી બિસ્કિટ ખરીદ કરી બાળકોમાં આપીને ઘરે આવતી. આવું સંસ્કાર ઘડતર મારું થયું હતું તે આનંદની વાત છે. બાલમંદિર શેરીમાં જ હતું. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ કન્યાશાળામાં લીધું. કન્યાશાળામાં સાતમા ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવતું. આચાર્ય ચંપાબહેનનું પણ દિલ જીતી લેતી.

કાકા સાથે બજારમાં જતી અને વહાલથી કહેતી કે કાકા મોસંબીવાળો બેઠો છે. મારા જન્મ પછી બીજી બહેન આવી. 14 વર્ષની થઈ ત્યારે વહાલા વીરાનું આગમન થયું અને ત્યાર પછી ભગવાનની દયાથી બીજો ભાઈ પણ મળ્યો. ચાર ભાઈ-બહેન, તેમાં સૌથી મોટી હું. પૂરા પરિવારમાં લાડકી. ફઈબા હીરાબહેન ખૂબ પ્રેમાળ. જ્યારે પણ મુંબઈથી જૂનાગઢ આવે ત્યારે મુંબઈનો આઇસ હલવો, મગની દાળ અને ખારી લઈ આવે. બન્ને બહેનો માટે ફ્રોકનું કપડું લઈ આવે તે લઈને અમે બન્ને બહેનોને ખૂબ આનંદ થતો.

પ્રાથમિક શિક્ષણ પૂરું કરી માધ્યમિક શાળામાં પ્રવેશ લીધો. ધોરણ 8-9-10માં અમારી ત્રિપુટી ગૌરી, ભાનુ અને હું. ધોરણ 8-9-10માં ત્રણ વિષયમાંથી એક પસંદ કરવાનો. મેં સંગીત વિષય પસંદ કર્યો, સંગીત શિક્ષકનો અવાજ મધુર અને સ્વભાવે મોજીલા.

અગિયારમું ધોરણ – એસએસસી પરીક્ષા વખતે ધમાલ થયેલી, પરંતુ પરીક્ષા પૂરી થઈ. પરિણામની આતુરતાપૂર્વક રાહ જોતાં અને પરિણામ જાહેર થયું. સ્કૂલમાં વિદ્યાર્થી પોતાનાં માતા-પિતા સાથે આવી પહોંચ્યાંય મારી આતુરતાનો અંત આવ્યો. માર્કશીટ હાથમાં આવી ગઈ. હું માર્કશીટ લઈ સ્કૂલમાંથી નીકળી. બાજુમાં જ ભાઈ (બાપજી)ની ઓફિસે ગઈ. ભાઈ કામમાં હતા. કામ પૂરું કરીને ઊભા થઈ મારી પાસે આવ્યા અને માર્કશીટ જોઈ લીધી. ત્યારે મા-બાપ બાળકોને ઇનામ નહોતાં આપતાં, પરંતુ તેમનું હાસ્ય મારા માટે અમૂલ્ય હતું.

જૂનાગઢમાં શિવ-શંકરનાં ઘણાં મંદિરો, રળિયામણો ગિરનાર પર્વત તેની સાત ટૂંક. પહેલી ટૂંકમાં જૈન દેરાસર, બીજી ટૂંક ગૌમુખ, તેમાં ગાયના મોઢામાંથી પાણી વહે છે. ત્રીજી ટૂંક અંબાજી – જૈનોનાં કુળદેવી અને શેઠ કુટુંબનાં પણ કુળદેવી, ચોથી ટૂંક ગોરખનાથ અને પાંચમી ટૂંક દત્તાત્રેય, છઠ્ઠી અને સાતમી ટૂંકનાં ચઢાણ કપરાં છે. આ ઉપરાંત જૂનાગઢમાં ફરવાલાયક સ્થળો ડેમ, સક્કરબાગ, જેમાં પ્રાણીઓ અને મ્યુઝિયમ તેમ જ મોતીબાગ, જેમાં ગાર્ડન અને તેમાં લાલ, ગુલાબી, પીળા અને વાદળી રંગનાં ગુલાબ. આ ઉપરાંત નરસિંહ મહેતાનો ચોરો, અશોકનો શિલાલેખ, દામોદર કુંડ, ભગવાન શંકરનું મંદિર ભવનાથ, ઉપરકોટ, જેમાં અડી-કડી વાવ, ધક્કાબારી તોપ વગેરે.

મારી કોલેજ  બહાઉદ્દીન કોલેજ, તેમાં મારા લાડલા પ્રોફેસર રસિકભાઈ મહેતા. મારા વિષય ગુજરાતી અને માનસશાસ્ત્ર. સ્કૂલમાં જીવરામ ભગતનું પાત્ર, આગગાડી કાકા કાલેલકર.

કાવ્યઃ તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો દરિયો – ભરિયો મીઠા જળનો લોટો.

ભેટે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભેટે ઝૂલે છે.

કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની માનેલ બેનડી.

મા, મારું ગામ અને માતૃભૂમિ મને સૌથી વધારે ગમે.

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. – કવિ કલાપી.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત  – કવિ ખબરદાર.

ઊંટ કહે આ સભામાં સૌના અંગ વાંકા. અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે. – દલપતરામ.

મારે ઘેર આવજે માવા સવારે ઢેબરુ ખાવા…

આવા ગુજરાતી ભાષામાં અસંખ્ય કાવ્યો છે.

જૂનાગઢમાં ખાવાલાયક થાબડી, જામફળ, જાંબુ, આમલી, બદામ, બાસુંદી… આ બધી વસ્તુઓ મને ખૂબ જ પ્રિય. લાંબા ગાંઠિયા અને જલેબી… આવી અસંખ્ય વસ્તુઓ છે. આથી જ મને મારું ગામ મારું વતન મને ખૂબ જ ગમે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here