ફાઈટર જેટ્સના એન્જિન માટે ફ્રાન્સે ભારતને આકર્ષક ઓફર આપી

પેરિસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસની બે દિવસીય મુલાકાત પહેલા ફ્રાન્સે ભારતને અમેરિકાએ કરેલી જીઈ-414 એન્જીન ડીલ કરતાં પણ ઘણી મોટી ઓફર આપી છે.
ફ્રાંસ સરકારે ભારતને સંયુક્ત રીતે ફાઈટર જેટ્સના એન્જિનની ડિઝાઇન, ડેવલપમેન્ટ, પરીક્ષણ અને પ્રમાણિત કરવાની ડીલ માટે પ્રસ્તાવ મુક્યો છે. જો ભારત ફ્રાંસ સાથે એન્જિન માટેનો સોદો કરશે તો તે ભારતના ટ્વીન એન્જિન ફાઈટર જેટ્સ તેમજ એરક્રાફ્ટ કેરિયર્સથી સંચાલિત ફાઈટર જેટ્સ માટે ઘણો ઉપયોગી પૂરવાર થશે.
એક અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં જણાવ્યુ છે કે, ફ્રાંસ જે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માંગે છે તેને ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન આર્મ્સ રેગ્યુલેશન (ITAR)માંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ફ્રાંસ 110 કિલોનું ફાઈટર જેટ્સ માટેનુ ન્યૂટન એન્જિનનુ ઉત્પાદન સંપૂર્ણપણે ભારતમાં કરવા તૈયાર છે.
તાજેતરમાં DRDOના વડા ડો. સમીર વી કામતે પેરિસ એર શો દરમિયાન આ એન્જિન જ્યાં બને છે તે સાફરાન એન્જિન ફેક્ટરી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની ખાસ મુલાકાત લીધી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં સંરક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા કરાર થયા હતા. આમાં સૌથી મહત્વનો કરાર ભારતમાં અમેરિકાની જીઈ એરોસ્પેસ કંપનીનો એન્જિન પ્લાન્ટ ભારતમાં સ્થાપવાનો હતો. આ કરાર બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફાઈટર જેટ્સના એન્જિન હવે ભારતમાં જ બનશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તેમાં મદદ કરશે.જીઈ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મદદથી બનેલા જેટ્સ એન્જિનનો ઉપયોગ ભારતના સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ-એમકે-2માં કરવામાં આવશે.
જોકે ફ્રાન્સે ભારત માટે અમેરિકા કરતા પણ આકર્ષક ઓફર મુકી છે ત્યારે સરકારે અત્યાર સુધી ફ્રાન્સના પ્રસ્તાવ પર મૌન સેવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ફ્રાન્સના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here