ગાંધીબાપુને પત્ર


પૂ. ગાંધીબાપુ,
એક જમાનો હતો, જ્યારે ‘બાપુ’ એટલે ‘ગાંધીબાપુ’ એવું સમજાતું હતું. પણ બાપુ, આજે એવો જમાનો નથી રહ્યો. થોડાં વરસ પહેલાં મેં સ્વ. આર. કે. લક્ષ્મણનું એક કાર્ટૂન જોયેલું. એમાં ચિત્રપ્રદર્શનનું ઉદ્ઘાટન કરનાર એક નેતા (આમ તો મંત્રીઓ જ આવાં ઉદ્ઘાટનો કરતા હોય છે, એટલે એક મંત્રી એમ પણ કહેવાય.) ચિત્રની નજીક જઈ તે ચિત્રમાં દેખાતી વ્યક્તિ કોણ છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. એમના સેક્રેટરી કહે છે, ‘સાહેબ, ગાંધીજીનું ચિત્ર છે.’ ‘ગાંધીજી કોણ?’ એવો પ્રશ્ન એ નેતાને ન થયો (અથવા થયો હોય તો પૂછ્યો નહિ) એ બાપુ, તમારું સદ્ભાગ્ય કહેવાય; દેશનું પણ સદ્ભાગ્ય કહેવાય. એ વીસમી સદીના ઉત્તરાર્ધમાં તો આવા પ્રશ્નોય થશે. નવી પેઢીને તો ખાસ થશે. નવી પેઢીને તો આવા પ્રશ્નો ક્યારના થયા હોત; પણ, થોડા વખત પહેલાં એક પરદેશી માણસે તમારી ફિલમ ઉતારી (દેશી માણસો તો તમારા અવસાન પછી સતત તમારી ફિલમ ઉતારી જ રહ્યા છે!) એટલે નવી પેઢીને ખબર પડી કે ગાંધીબાપુ નામના મહાત્મા આ દેશમાં થઈ ગયા. સંબોધનમાં માત્ર ‘બાપુ’ને બદલે મેં ‘ગાંધીબાપુ’ એમ કેમ લખ્યું એનો ખુલાસો કરવા આટલું લખ્યું. ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ ઊતર્યા પછી જુવાનિયાઓને પણ તમારામાં રસ જાગ્યો છે, પણ નેતાઓ તો હવે ખપ પૂરતો જ તમારો ઉપયોગ કરે છે! તમને યાદ કર્યા વગર નેતાઓનો છૂટકો નથી, પણ શું ે કે, ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એવું કહી નેતાઓ માટે તમે ભારે મુસીબત ઊભી કરી છે. જેવું જીવન કેટલાક નેતાઓ જીવવા માગે છે એમાં તમે ઘણા નડો છો, પણ શું થાય?
આમ તો બાપુ, મને પત્રો લખવાની બહુ આળસ ચડતી હોય છે. પત્ર કરતાં ફોન કરવાનું મને વિશેષ ફાવે. આટલા પૂરતો હું અમેરિકન છું. આટલા પૂરતો એટલા માટે કે અમેરિકનો પત્ર લખવામાં આળસુ, પણ બીજી બધી રીતે ઉદ્યમી. જ્યારે હું દરેક બાબતમાં અણિશુદ્ધ આળસુ. એટલે મેં આપની સાથે વાત કરવા માટે ફોન જોડેલો. સ્વર્ગનો ફોન બાપુ, ખર્ચાળ બહુ છે. પછી બાપુ, તોય મેં તો હિંમત કરીને મોંઘો ફોન જોડી દીધો. ફોન ચિત્રગુપ્તજીના કાર્યાલયમાં જોડાયો. કાર્યાલયયના રજિસ્ટ્રારે મારો બાયોડેટા માગ્યો. મેં કહ્યું, ‘આપની ગેરસમજ થાય છે. મારે નોકરી નથી જોઈતી. હું અહીં સરકારી નોકરી કરું છું. સરકારી નોકરીમાં જેવું સ્વર્ગ છે એવું સ્વર્ગ તો ત્યાંની કોઈ નોકરીમાં નહિ હોય – તમારી નોકરીમાં પણ નહિ હોય.’ તો તેઓ કહે, ‘નોકરીની વાત નથી. પૃથ્વી પરનો કોઈ જીવાત્મા સ્વર્ગમાં વાત કરવા માગતો હોય તો મૃત્યુ પછી સ્વર્ગમાં પ્રવેશ મળે એવી લાયકાતવાળો હોવો જોઈએ. માટે તમારો બાયોડેટા આપો.’ આ સાંભળી મને બીક લાગી. આપણે મરીને સ્વર્ગે જઈશું (આપણે એટલે હું – માનાર્થે) એવો વહેમ અત્યારે રાખી શકાય છે. એ સગવડ જતી રહે તો? તો મારા વિશે હું તો માંડ્યો બોલવા પણ મને વચ્ચે અટકાવીને સ્વર્ગના રજિસ્ટ્રારે કહ્યું, ‘તમારો કેસ ડાઉટફુલ છે. હવે જેટલાં વરસ પૃથ્વી પર રહો તેટલાં વરસ માત્ર ને માત્ર સારાં કામ કરો તો કદાચ સ્વર્ગનો ચાન્સ લાગે.’ મેં પૂછ્યું, ‘મારે હવે પૃથ્વી પર કેટલાં વરસ રહેવાનું છે?’ તો કહે, ‘એ ખાનગી છે.’ મેં કહ્યું, ‘ખાનગી છે તોય જાણવું હોય તો?’ તો કહે, ‘આ કંઈ ભારત સરકારનું ખાતું નથી.’ પછી મેં પૂછ્યું, ‘પણ મારે બાપુને કંઈક કહેવું તો છે – ઈ-મેઇલ મોકલાય? ફોન કરનાર સ્વર્ગમાં પ્રવેશને પાત્ર ન હોય તો એ ઈ-મેઇલ કરી શકે?’ તો કહે, ‘કરી શકે.’ એટલે બાપુ, ઈ-મેઇલ કરું છું. ઈ-મેઇલ સામાન્ય રીતે અંગ્રેજીમાં કરાય છે; અને બાપુ, તમને તો ફર્સ્ટક્લાસ અંગ્રેજી આવડતું હતું; પણ, શુ છે – બાપુ કે હું રહ્યો આપણી ‘ગુજરાત યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ’ તેથી મારું અંગ્રેજી સમજવામાં તમને તકલીફ પડે! બાપુ, તમે અહીં હતા ત્યારે અમે તમને બહુ તકલીફ આપી હતી. હવે સ્વર્ગમાં તો તમને શાંતિ લેવા દેવી જોઈએ. જોકે બાપુ, તમે ક્યાંય શાંતિથી બેસી રહો એવા નથી; પણ, મને થયું કે હવે કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવાની સગવડ થઈ છે તો બાપુને ગુજરાતીમાં જ ઈ-મેઇલ કરું! મેં ગુજરાતીમાં ઈ-મેઇલ કરવાની રજા માગી તો ચિત્રગુપ્તજીના રજિસ્ટ્રાર કહે, સ્વર્ગમાં દુનિયાભરની ભાષા માન્ય છે ને દુભાષિયાની સગવડ પણ છે. એટલે પછી, મેં આપણી માતૃભાષામાં જ ઈ-મેઇલ કરવાનું નક્કી કર્યું. એક વાર ઝીણાસાહેબને અંગ્રેજીને બદલે ગુજરાતીમાં ભાષણ કરવાનું તમે કહ્યું હતું એવું મેં ક્યાંક વાંચ્યું છે. એટલે ગુજરાતી ઈ-મેઇલ તમને વધુ ગમશે એમ માનું છું.
બાપુ, વરસમાં ઓછામાં ઓછા બે દિવસ અમે તમને હજી યાદ કરીએ છીએ – બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ. બીજી ઓક્ટોબરે રજા હોય છે એટલે વધુ યાદ કરીએ છીએ. અમારી સરકારો રજા આપવાની બાબતમાં ઘણી ઉદાર હોય છે, છતાં ત્રીસમી જાન્યુઆરીએ – તમારી પુણ્યતિથિએ અમારી પાસે કામ કરાવે છે. ત્રીસમી જાન્યુઆરીએ સવારે અગિયાર વાગ્યે બે મિનિટ માટે બધું થંભી જાય છે, પણ આ બે મિનિટમાં શું વળે? જોકે ટ્રાફિક સિગ્નલ પરની અને શોકસભાના અંતે પળાતા મૌનની બે મિનિટ જલદી પૂરી થતી નથી, પણ ત્રીસમી જાન્યુઆરીએ કામ પડતું મૂકી બે મિનિટનું મૌન પાળીએ છીએ તો એ બે મિનિટ તરત પૂરી થઈ જાય છે એવો તમામ સરકારી નોકરોનો મત છે. ખરેખર તો બે દિવસ બધું બંધ રહેવું જોઈએ. બાપુ જેવા બાપુ પાછળ અમે આટલું ન કરી શકીએ? અમને અધિકાર હજો! બીજી ઓક્ટોબરે મજા પડે છે. થોડાં વરસ પહેલાં ગાંધીજયંતીને દિવસે મેં ‘શોલે’ ફિલ્મ જોયેલી એ હજી યાદ છે. આવી ‘ખૂન કા બદલા ખૂન’વાળી ફિલ્મ ગાંધીજયંતીને દિવસે જોતાં થોડો કચવાટ થયેલો; પણ, રવિવારે ટિકિટ મળતી નહોતી એટલે પછી ગાંધીજયંતીના દિવસે જોઈ પાડી હતી.
બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ મોટા મોટા નેતાઓ તમારી સમાધિ પર પબ્લિક કેરિયરના ટાયર જેવડાં ફૂલોનાં ગોળિયાં મૂકે છે એ ટીવી પર જોવાની મજા પડે છે. આપણા એક કવિએ રાજઘાટ પર એક કવિતા લખી છે. (બાપુ, તમે ભલે લંગોટીભેર રહેતા, પણ તમારી સમાધિનું નામ અમે ‘રાજઘાટ’ પાડ્યું છે !) આપણા કવિ રાજઘાટ જોઈને બોલી ઊઠે ે કે ‘બિચારો ગાંધી! બાપડો અહીં હતો ત્યારે આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય કદી સૂતો નહોતો!’ પણ બાપુ, આપણે ત્યાં શ્રાદ્ધનો રિવાજ ે એ જાણો છો ને? બાપા જીવતા હોય ત્યારે એમને ભાવતું શાક પણ ન કરી દેનારાં દીકરા-વહુઓ બાપાના શ્રાદ્ધના દિવસે ‘ફાધરને દૂધપાક બહુ ભાવતો’ કહી દૂધપાકનું શ્રાદ્ધ નાખે છે. આ ફૂલોનુંય એવું સમજવું.
બાપુ, હમણાં હમણાંથી તમારી ટીકા કરવાનું બહુ ચાલે છે. આને કારણે જે થોડા ગાંધીવાદીઓ હવે રહ્યા ે એ બહુ દુઃખી થઈ જાય છે, પણ બાપુ તમે આ જાણ્યું હશે તો ખૂબ હસ્યા હશો. કદાચ વલ્લભભાઈ ગુસ્સે થઈ ગયા હશે, પણ તમે તો ખડખડાટ હસ્યા હશો. આપણા મહાકવિ ન્હાનાલાલ તમારે માટે જેમ તેમ બોલતા ત્યારે વલ્લભભાઈ ગુસ્સે થઈ જતા. પ્રીતમનગરના અખાડામાં કવિ સાથે બાથંબાથી કરવાય તૈયાર થઈ ગયા હતા એવું કહેવાય છે, પણ તમે તો કહ્યું હતું, ‘ન્હાનાલાલ આપણી દૂઝણી ગાય છે. એમનું પાટુ ખાઈ લેવું જોઈએ.’ ન્હાનાલાલે કવિતા લખીને ગુજરાતની જે મૂલ્યવાન સેવા કરીને એની કદરનું આનાથી ચડિયાતું મૂલ્યાંકન બીજું કયું હોઈ શકે? બીજું પણ આવું એક દષ્ટાંત મેં વાંચ્યું હતુંઃ એક માણસ કવિતામાં તમારા માટે ગાળો લખીને તમારી પાસે આવ્યો. એણે તમને કવિતા વાંચવા આપી. તમે કવિતા વાંચી પછી કવિતાના કાગળો સાથેની ટાંકણી કાઢીને સંભાળપૂર્વક ડબ્બીમાં મૂકી અને કવિતાના કાગળોના ઝીણાઝીણા ટુકડા કરી કચરાટોપલીમાં પધરાવી દીધા. પેલા માણસે પૂછ્યું, ‘આમાં કંઈ સારું ન લાગ્યું?’ તમે કહ્યું, ‘લાગ્યું ને! ટાંકણી સારી લાગી. એટલે એ કાઢીને સાચવીને મૂકી દીધી.
એનો ઉપયોગ પણ કરીશ.’ જોકે હજી ભલે બહુ થોડા ગાંધીવાદીઓ તો તમારા જીવનના સંદેશ પ્રમાણેનું જીવન જીવી રહ્યા છે. તેઓ તો સ્વર્ગના પૂરા અધિકારી છે. એમાંના કોઈ સાથે ફોન પર વાત થાય તો તમારી નિંદાથી દુઃખી ન થવાની સલાહ આપજો.
બાપુ, ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ એવું કહીને તમે અમને સૌને ઘણા મુશ્કેલીમાં મૂકી દીધા છે. આવું અઘરું લેસન આપનાર બીજો કોઈ માસ્તર હજી આ દેશે જોયો નથી. બાપુ, તમારા જમાનામાંય સાચું બોલવાનું અઘરું તો હશે જ; પણ, અત્યારે તો બહુ જ અઘરું છે. (અગિયારમા પાનાનું અનુસંધાન)
મિત્રના કે મિત્રના દીક્રાનાં લગ્નમાં જવું હોય તો સાચું કારણ બતાવીએ તો રજા ન પણ મળે; પરંતુ, મેડિકલ સર્ટિફિકેટ આપીએ એટલે રજા મળે જ. અહીં ડોક્ટરો સાજા કરવાની ખાતરી આપી શકતા નથી; પણ, માંદા હોવાની લેખિત ખાતરી તમે માંદા ન હો તો પણ કેટલાક ડોક્ટરો આપી શકે છે. અહીં હવે પ્રદૂષણ એટલું બધું છે કે કોઈ પણ માણસ સો ટકા તંદુરસ્ત તો હોતો જ નથી. એટલે કોઈને પણ મેડિકલ સર્ટિફિકેટ આપવામાં સત્યનો ભંગ પણ થતો નથી.
મારી વીસ વરસની ઉંમરે હું પોસ્ટઓફિસમાં કારકુનની નોકરી કરતો હતો. એક વાર ટપાલપેટીમાંથી બીજા પત્રોની સાથે એક કોરું પોસ્ટકાર્ડ નીકળ્યું. પોસ્ટકાર્ડની કિંમત એ વખતે પાંચ પૈસા હતી. બધા કાગળોનું સોર્ટિંગ કરી પછી આનું શું કરવું એ પોસ્ટ માસ્તરને પૂછી જોઈશ એવું વિચારી કોરું પોસ્ટકાર્ડ કબાટ નીચે મૂક્યું. પણ પછી આ વાત ભૂલી ગયો. બેત્રણ દિવસ પછી યાદ આવ્યું એટલે કોરું પોસ્ટકાર્ડ લઈ પોસ્ટમાસ્તર પાસે ગયો અને આનું શું કરવાનું હોય એ વિશે પૂછ્યું. હું મહિનાથી નોકરી કરતો હતો એટલે મારું મગજ કોરું છે એની તો પોસ્ટમાસ્તરને ખબર પડી ગઈ હતી, પણ કોરા મગજવાળો આ માણસ કોરું પોસ્ટકાર્ડ લઈને આવ્યો એનું શું કરવું એની પોસ્ટમાસ્તરને ઘડીક સમજ પડી નહિ. પછી પૂછ્યું, ‘આ કોરું પોસ્ટકાર્ડ ક્યારે મળ્યું?’
‘ત્રણ દિવસ પહેલાં.’ મેં કહ્યું.
‘હેં?’ કરતાં પોસ્ટમાસ્તર ઊભા થઈ ગયા. ‘ત્રણ દિવસ સુધી પબ્લિક પ્રોપર્ટી અનધિકૃત રીતે તમારા કબજામાં રાખી એ બદલ તમારા પર કેસ થઈ શકે. તમારે જેલમાં જવું પડે.’ આ સાંભળી હું તો રડવા જેવો થઈ ગયો, પણ બાજુમાં ઊભેલા એક સિનિયર ક્લાર્કે મારા હાથમાંથી પોસ્ટકાર્ડ લઈ લીધું અને ફાડી નાખતાં કહ્યું, ‘આવું કોરું પોસ્ટકાર્ડ નીકળે ત્યારે સગાંવહાલાંને લખી નાખવું અથવા ફાડી નાખવું, પણ પોસ્ટમાસ્તરને ન બતાવવું.’ આવું છે બાપુ, સત્યના આવા ઘણા પ્રયોગો મને તો બહુ મોંઘા પડ્યા છે. એટલે તમારા જીવનને તમારો સંદેશ માનવાનું તો ઘણું અઘરું છે. તેથી બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તમારી સમાધિ પર ફૂલો ચડાવીએ, કાંતતાં આવડતું હોય તો રેંટિયો કાંતીએ, તમારા ફોટાને કે પૂતળાને સૂતરની આંટી ચડાવીએ એટલાથી ચલાવી લેજો. ચાલો બાપુ, હવે રજા લઉં. ફરી મળીશું આવતી બીજી ઓક્ટોબરે. લિ. એક અ-ગાંધી લેખકના પ્રણામ

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here