જેટ ફાઇટર્સની ખરીદીઃ સોદાબાજી કે આક્ષેપબાજી?

0
823
એપ્રિલ, 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે ગયા ત્યારે 36 વિમાનો – ‘ફ્લાય-અવે’ ઉડાન ભરવા માટે તૈયાર – ખરીદવાની સૈદ્ધાંતિક સમજૂતી થઈ. આ પછી સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે 126ના બદલે 36 વિમાનો ખરીદવાની જાહેરાત કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ ફાઇટર વિમાનો ખરીદવા માટે 23મી સપ્ટેમ્બર, 2016ના રોજ કરાર થયા. (ફોટોસૌજન્યઃ એનડીટીવીડોટકોમ)

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને – કૌન બનેગા કરોડપતિ – ની સ્ટાઇલમાં રાફેલ જેટ ફાઇટર વિમાનોની ખરીદી બાબત એક પ્રશ્ન પૂછીને જવાબના ત્રણ વિકલ્પો આપ્યા. પ્રશ્ન છેઃ રક્ષામંત્રીએ કિંમત જણાવવાની તૈયારી નવેમ્બર, 2017માં બતાવ્યા પછી ફેબ્રુઆરી 2018માં શા માટે ફેરવી તોળ્યું?

જવાબઃ (એ) ભ્રષ્ટાચાર, (બી) મોદીજીને ‘પ્રોટેક્ટ’ કરવા માટે અને (સી) મોદીજીના મિત્રને બચાવવા માટે, (ડી) ઉપર જણાવેલા બધાને બચાવવા માટે… ધ ગ્રેટ રાફેલ મિસ્ટરી…!

ભારતીય વાયુસેના માટે ફ્રેન્ચ રાફેલ ફાઇટર્સ ખરીદવાના એનડીએ સરકારે કરેલા કરાર અંગે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ – નાણાકીય કૌભાંડનો આક્ષેપ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને ‘એમના મિત્ર’ (અનિલ અંબાણી)નો આ કરારમાં હાથ હોવાનો અને આ વિષયમાં વડા પ્રધાન જાહેરમાં ખુલાસો કરે એવો પડકાર ફેંક્યો છે.

સંરક્ષણ ખાતાએ સત્તાવાર નિવેદન કરીને સ્પષ્ટતા કરી છે છતાં રાજકીય લડાઈ આગામી ચૂંટણી સુધી જારી રહેશે એમ જણાય છે. યુદ્ધમાં વિમાનોની ‘ડોગ ફાઇટ’ થાય છે અને રાજકીય લડાઈમાં આક્ષેપબાજી થાય છે! સંરક્ષણ સામગ્રીના કરારમાં રાજકીય નેતાઓની સોદાબાજી ઘણી ગાજી છે. એમ પણ કહેવાતું હતું કે રાજકીય પક્ષોને હવે ચૂંટણી ભંડોળ ઉઘરાવવાની બહુ ચિંતા હોતી નથી!

રાહુલ ગાંધીના આક્ષેપ અને પડકાર પછી – આ ‘જેટ ફાઇટર્સ’ના કરારની વિગત જાણવી જોઈએ. આપણી વાયુસેના પાસે રશિયન બનાવટના મિગ-21 છે, પણ આ વિમાનો અકસ્માત -રહસ્યમય રીતે તૂટતાં હોવાની અને આપણા ઘણા યુવાન પાઇલટ અકાળે અવસાન પામ્યા હોવાની ફરિયાદો થઈ હતી. વર્ષ 1980માં આ મિગ વિમાનોનાં સ્થાને અન્ય કંપનીનાં 126 મધ્યમ કક્ષાનાં વિમાનો ખરીદવા માટે 2007માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં અને 2012માં ફ્રેન્ચ રાફેલ વિમાનની પસંદગી થઈ. 126માંથથ 108 વિમાનો બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ‘એસેમ્બલ’ થશે એવી સમજૂતી હતી છતાં નાણાકીય – કિંમત વિષયમાં વાટાઘાટ ચાલતી રહી અને કરાર થયા નહિ. મામલો પડતો મુકાયો અથવા ‘અભરાઈ’ ઉપર ગયો.

આ દરમિયાન એનડીએ સરકાર આવી. એપ્રિલ, 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે ગયા ત્યારે 36 વિમાનો – ‘ફ્લાય-અવે’ ઉડાન ભરવા માટે તૈયાર – ખરીદવાની સૈદ્ધાંતિક સમજૂતી થઈ. આ પછી સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે 126ના બદલે 36 વિમાનો ખરીદવાની જાહેરાત કરી. 23મી સપ્ટેમ્બર, 2016ના રોજ કરાર થયા.

કોંગ્રેસ કહે છે કે એનડીએ સરકારે વધુ કિંમત આપી છે અને કરારમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાની જોગવાઈ નથી. સરકાર કહે છે કે આ વિમાનોની 50 ટકા આઇટમોનું ઉત્પાદન ભારતમાં ભારતીય કંપની સાથે કરવાની જોગવાઈ છે. ફ્રાન્સ સાથે વાટાઘાટ ચાલતી હતી ત્યારે 36 ફાઇટર્સની કિંમત 11.8 બિલિયન યુરો માગવામાં આવી પણ આપણી સરકારે મચક આપી નહિ. જાન્યુઆરી 2016માં ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઇસ હોલાન્દે નવી દિલ્હી આવ્યા ત્યારે 8.6 બિલિયન યુરોની ઓફર થઈ હતી. તે પછી મે મહિનામાં 7.878 બિલિયન (રૂ. 59,000 કરોડ) નક્કી થયા અને સપ્ટેમ્બરમાં કરાર ઉપર સહીસિક્કા થયા. ગયા સપ્તાહે સંરક્ષણમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું કે બન્ને સરકારો વચ્ચે થયેલા કરારની કલમ 10 મુજબ વિગતવાર માહિતી આપી શકાય નહિ. સંસદમાં અપાયેલી માહિતી મુજબ એક વિમાનની કિંમત 670 કરોડ રૂપિયા થાય છે. આ કિંમત ‘બેઝિક’ છે અને તેમાં શસ્ત્રો – વેપન સિસ્ટમનો સમાવેશ નથી. રાહુલ ગાંધી વિગતવાર વિમાન સાથેની તમામ

‘આઈટમો’ની કિંમત જાણવા માગે છે કારણ કે અગાઉ યુપીએ સરકારે વર્ષ 2012માં વાટાઘાટ કરી ત્યારે વિમાનદીઠ 526.1 કરોડ રૂપિયા થવાનો અંદાજ હતો. હવે 670 કરોડ હોય તો આપણે વિમાનદીઠ 144 કરોડ વધુ આપવાના થાય છે – એમ પુરવાર કરવું છે. ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીનું આ ‘સ્કેમ’ છે એમ સાબિત કરવા માગે છે પણ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કહ્યું છે કે ‘વિમાન સાથેની અન્ય આઇટમો – ડિલિવરેબલ્સની શરતો અલગ હોવાથી – અગાઉની ‘સમજૂતી’ અને અત્યારના કરારની સરખામણી થઈ શકે નહિ. યુપીએ વખતે માત્ર વિમાનની કિંમત હતી, જ્યારે એનડીએ સરકારે કરેલા કરાર મુજબ વેપન પેકેજ, સ્પેર પાર્ટ્સ, 75 ટકા વિમાન કાફલાની માવજત – મેઇન્ટેનન્સ તથા પાંચ વર્ષ સુધી લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.

સંરક્ષણ વિભાગનું કહેવું છે કે કિંમત સહિત – આઇટેમોની જાહેરાત કરવી આપણી સલામતીનાં હિતમાં નથી. વળી યુપીએ સરકારે 2008માં ફ્રાન્સની સરકાર સાથે જે કરાર કર્યા છે તે મુજબ આવી માહિતી જાહેર કરી શકાય નહિ. આ કરાર દસ વર્ષ સુધી બન્ને દેશોને બંધનકર્તા છે અને તે પછી મુદત પાંચ વર્ષ વધારવી હોય – અથવા તો ‘મુક્ત’ થવું હોય તો છ મહિનાની નોટિસ આપવી જરૂરી રહેશે.

કોંગ્રેસ તેની જૂની સમજૂતી – 126 વિમાનો માટેની વાટાઘાટ અને કિંમત સાથે સરખામણી કરે છે પણ તે માત્ર વિમાનની હતી અને તે બન્ને પક્ષોએ સ્વીકારેલી કિંમત નથી! કોઈ કરાર ઉપર સહી-સિક્કા થયા જ નહોતા તેથી સરખામણીનો પ્રશ્ન નથી. સંરક્ષણ વિભાગે આ કરારમાં અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપ ‘બેનિફિશિયરી’ હોવાના આક્ષેપનો પણ ઇનકાર કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર દાયકાઓથી ચાલે છે. વર્ષ 1948માં લંડનસ્થિત ભારતીય હાઈકમિશન વી. કે. કૃષ્ણમેનને બ્રિટન પાસેથી રૂ. 80 લાખના ખર્ચે 155 જીપનો સોદો કર્યો હતો. આ જીપ જૂની – સેકન્ડ હેન્ડ – હોવાનો આક્ષેપ પણ થયો, પણ નેહરુ સરકારે ન્યાયકીય તપાસની માગણી નકારી કાઢી અને પછી મેનન ભારતના સંરક્ષણમંત્રી બન્યા! 1962ની લડાઈમાં આપણી નામોશીભરી હારમાં મેનનનું ‘યોગદાન’ હતું!

આ પછી તો ઘણા ભ્રષ્ટાચાર અને વિવાદ થયા છે. બાબુ જગજીવનરામથી જ્યોર્જ ફર્નાન્ડિસ સુધીનાં નામ આવ્યાં છે. સીબીઆઈની તપાસ શરૂ થયા પછી ઘણા કેસમાં પૂરી જ નથી થઈ. 1987માં સબમરીન ખરીદીમાં જર્મન કંપનીએ કમિશન આપ્યાના આક્ષેપ થયા અને નેવીના પૂર્વ વડા એડમિરલ એસ. એમ. નંદાનું નામ સંડોવાયું હતું. આખરે પુરાવાના અભાવે સીબીઆઈએ ફાઇલ બંધ કરી! આવા ઘણા કેસ ચર્ચાયા છે પણ બોફોર્સ તોપના સોદામાં રાજીવ ગાંધી પરિવારના નામનો વિવાદ સૌથી વધુ ગાજ્યો છે.

ભ્રષ્ટાચારના ઘણા વિવાદ પ્રકાશમાં આવ્યા છે પણ રાજકારણ અને સંરક્ષણ – સલામતીનાં ‘હિત’ હોવાના કારણે તપાસ અને પરિણામ વિશે પ્રશ્નો અનુત્તર રહે છે!
આરબ શસ્ત્રસોદાગર અદનાન ખશોગીના મિત્ર આપણા એક ‘સરકારી સાધુ’ હતા! ખશોગીના ખાસ વિમાનમાં એમની સાથે પ્રવાસ કરતા હતા!

સંરક્ષણ ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સ્વિડિશ બોફોર્સ તોપનો સોદો ખૂબ ગાજ્યો છે. આજે પણ લોકોને બોફોર્સનું નામ યાદ છે! 16મી એપ્રિલ, 1987ના રોજ સ્વિડિશ રેડિયો (ટીવી નહિ) ઉપર ભારતમાં મોટી લાંચ અપાયાની વાત આવી તે પછી ચેન્નઈના માતબર – પ્રતિષ્ઠિત અખબાર ‘ધ હિન્દુ’માં એમનાં પ્રતિનિધિ ચિત્રા સુબ્રમણ્યમે જાતતપાસ કરીને અહેવાલો આપ્યા ત્યારે સરકાર અને સંસદ ધ્રૂજી ઊઠી હતી. દિવસો સુધી ધાંધલ-ધમાલ ચાલી. વડા પ્રધાન રાજીવ ગાંધીના મિત્ર અરુણસિંહ સંરક્ષણ વિભાગમાં રાજ્યમંત્રી હતા. એમણે જીનિવા અને બોફોર્સનો સંપર્ક સાધ્યો. કંપનીઓ નામ આપવા તૈયાર હતી પણ આ દરમિયાન અરુણસિંહે રાજીનામું આપવું પડ્યું – અને દહેરાદૂનમાં અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા. વી. પી. સિંહે પણ રાજીવ ગાંધીનો સાથ છોડ્યો હતો. સંસદીય સંયુક્ત તપાસની માગણી માટે આખરે રાજીવ સરકાર ઝુકી પણ સમિતિના અધ્યક્ષ શંકરાનંદ કર્ણાટકના હતા. વિપક્ષોએ બહિષ્કાર કર્યા પછી શંકરાનંદે અહેવાલ આપીને આક્ષેપ નકાર્યા. વિપક્ષે એમનું નામ ‘બોફોરાનંદ’ પાડ્યું. આ કેસમાં ઇટાલિયન ઓટાવિયો ક્વોટ્રોચીનું નામ પણ ગાજ્યું પણ તેઓ રહસ્યમય – છુપાઈને ભારતમાંથી પલાયન થઈ ગયા… તાજેતરમાં એમના અવસાનના અહેવાલ આવ્યા હતા. રાજીવ ગાંધીએ સત્તા અને ચૂંટણી પ્રચારમાં પ્રાણ ગુમાવ્યા. હવે ફ્રેન્ચ જેટ ફાઇટર્સનો વિવાદ ચૂંટણી સુધી ચાલશે?

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here