
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ૧૩માં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર પાટીલની નિમણુંક થઇ છે. ભાજપે પ્રથમ વખત બિન ગુજરાતીને પ્રમુખ બનાવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં પાંચ પાટીદાર પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી છે. જ્યારે બે ક્ષત્રિય અને બે ઓબીસી પ્રમુખોની નિમણુંક કરી ચુકી છે.
જનસંઘ પાછળથી ભારતીય જનતા પાર્ટી બનતાની સાથે જ કેશુભાઇ પટેલની પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક થઇ. કેશુભાઇ પટેલે ગુજરાતમાં પક્ષને ન માત્ર મજબુત કર્યો પરંતુ તેઓ પ્રથમ (ભાજપ) મુખ્યમંત્રી પણ બન્યા. ત્યાર બાદ બીજા પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર એ. કે પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. જનસંઘમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટી બની ત્યારે સમગ્ર દેશમાં લોકસભાની માત્ર બે સીટો આવી હતી. તેમાં એક મહેસાણા સીટ પર એ. કે. પટેલ લોકસભા ગયા હતા. ત્રીજા પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતનાં ઓબીસી સમાજનાં મોટા નેતા કાશીરામ રાણાને બનાવવામાં આવ્યા હતા.
ચોથા પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલા આવ્યા. તેમણે વિદ્રોહ કરીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) બનાવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ તેમને કોંગ્રેસમાં કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. ૨૦૧૭ની વિધાનભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી જન વિકલ્પ નામની પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પહેલા એનસીપીમાં જોડાયા હતા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.
ભાજપના પાંચમા ઓબીસી સમાજના મોટા નેતા કાશીરામ રાણા, બીજી વખત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબાદરી સોંપવામાં આવી હતી. છઠ્ઠા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કારડિયા રાજપુત નેતા વજુભાઇ વાળાને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સાતમા પ્રમુખ તરીકે ક્ષત્રીય સમાજના નેતા રાજેન્દ્ર સિંહ રાણાને જવાબદારી સોંપાઇ હતી. રાજેન્દ્રસિંહ રાણા બે વખત ગુજરાતના ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
આઠમા પ્રદેશ પ્રમુખ તરીકે કારડિયા રાજપૂત વજુભાઇ વાળાને જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે જ વજુભાઇ વાળા ગુજરાતમાં ભાજપના બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા હતા. નવા પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા પુરૂષોત્તમ રૂપાલાને જવાબદારી સોંપાઇ હતી. પુરુષોત્તમ રૂપાલા બે ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા. દસમા પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર પાટીદાર લેઉવા નેતા આર.સી ફળદુને જવાબદારી સોંપવામાં આવી હતી.
અગિયારમાં પ્રદેશ પ્રમુખ તરીકે જૈન સમાજમાંથી વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ હતી. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમણે પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. ત્યાર બાદ સૌરાષ્ટ લેઉવા પટેલ સમાજના નેતા જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઇ હતી. જીતુ વાઘાણીનાં સમયગાળામાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ પર પહોંચ્યું હતું. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી ત્યાર બાદ લોકસભા ચૂંટણી લડવામાં આવી. ભાજપ બંને ચૂંટણી જીતી હતી. હવે ૧૩માં પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની નિમણુંક કરવામાં આવી છે.