બોલીવુડનાં  પ્રતિભાસંપન્ન, જાજવલ્યમાન અને મહાન અભિનેત્રી શ્રીદેવીનું  દુબઈમાં આકસ્મિક  – દુખદ અવસાન

0
1103
Mumbai: Actress Sridevi during a Diwali party hosted by actor Aamir Khan in Mumbai on Oct 19, 2017. (Photo IANS)
IANS

ભારતીય ફિલ્મજગતના રૂપેરી પરદે ઉત્કૃષ્ટ અભિનયથી શોભતી અનોખી ભૂમિકાઓ ભજવનારા અનન્ય અદાકારા શ્રીદેવીનું ગત શનિવારે 22 ફેબ્રુઆરીના રાતે દુબઈની ઝુમૈરા એમિરેટસ ટાવર હોટેલમાં આકસ્મિક અવસાન થયું હતું. પોતાના સરલ, સહજ અને ઉત્તમ અભિનયથી લાખો- કરોડ઼ો ફિલ્મરસિકોના હૃદયમાં સ્થાન મેળવનારાં અને હિન્દી ફિલ્મજગતમાં પ્રથમ પંકિતનું સ્થાન મેળવનારા લાજવાબ અભિનેત્રી શ્રીદેવીનાં  54 વરસની વયે થયેલાં અણધાર્યા અવસાનથી  સમગ્ર ભારતનો ફિલ્મ ઉદ્યોગ અને કરોડો પ્રશંસકો શોકમાં ગરકાવ થઈ ગયાં છે. કપુર પરિવારના દુબઈ ખાતે આયોજિત લગ્ન- પ્રસંગે બોની કપુર – શ્રીદેવીનો પરિવાર દુબઈ  ગયો હતો. બોની કપૂર – અનિલ કપુર અને સંજય કપુરના બહેનના દીકરા મોહિત મારવાહના લગ્નમાં સહુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલીવુડના અનેક કલાકારે , મિત્રો અને સગાં- સંબંધીઓએ લગ્નના વિવિધ  કાર્યક્રમોમાં આનંદભેર ભાગ લીધો હતો. લગ્નનો ઉત્સવ પૂર્ણ થયાબાદ મહેમાનો ભારત પાછાં ફર્યા હતા. બોની કપૂર અને તેમની પુત્રી ખુશી પણ ભારત પરત આવ્યા હતા. શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી એની ડેબ્યૂ ફિલ્મ ધડકના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આ લગન સમારંભ માટે દુબઈ આવી શકી નહોતી. શ્રીદેવી એકલા દુબઈની હોટેલમાં રોકાયાં હતા. તેમને સરપ્રાઈઝ આપવા માટે તેમને ખાસ ડિનરમાં લઈ જવાના મનસૂબા સાથે બોની કપૂર શનિવારની રાતે દુબઈ પાછા ફર્યા હતા ત્યારે તેમમે હેટેલમાં પોતાના રૂમમાં આવીને શ્રીદેવી સાથે આશરે 15 મિનિટ વાત કરીને તેમને ડિનર માટે તૈયાર થવા કહયું હતું . ખાસ્સો સમય વિતવા છતાં બાથરૂમમાંથી શ્રીદેવી બહાર ન આવતા તેમણે  બાથરૂમનો દરવાજો ખખડાવ્યા બાદ પણ કશો પ્રતિસાદ ન મળતા દરવાજો તોડીને અંદર પ્રવેશતા હકીકતની જાણ થઈ હતી. બાથરૂમમાં બાથટબમાં બેહોશ પડેલાં શ્રી દેવીને તાત્કાલિક હોસિપટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, ત્યાં તબીબ દ્વારા એમનું પરીક્ષણ કરાતાં તેમનું  અવસાન થયું હોવાનું  જાહેર કરવામાં આવ્યું હતું.

(Photo IANS)

ખાલીજ ટાઇમ્સ દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર  શ્રીદેવીનાં મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ થયા પછી એમનું મૃત્યું બાથટબમાં દૂબવાને કારણે થયું હોવાનું નિદાન થયું હતું. કાર્ડિયાક એરેસ્ટ- હાર્ટએટેકથી એમનું મૃત્યુ નથી થયું આ વાત સ્પષ્ટ થઈ હતી. તેમના બ્લડ રિપોર્ટમાં લોહીમાં આલ્કોહોલના અંશ હોવાનું પોરેન્સિક તપાસમાં જણાવવામાં આવ્યું હતું. હજી સુધી શ્રીદેવીનો પાર્થિવ દેહ એમના પરિવારજનોને સોંપાયો નથી. એ અંગે દુબઈના સત્તાવાળાઓને તપાસની પ્રક્રિયા કરવાની છે. દુબઈ પોલીસ વહીવટીતંત્રે આ કેસની કાર્યવાહી દુબઈના અદાલતી પ્રોસિકયુશનને સોંંપી દીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું   શ્રીદેવીના મૃત્યુ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી , રાષ્ટ્રપતિ કોવિંદજી  સહિત અનેક મહાનુભાવો , અમિતાભ બચ્ચન,  કમલ હસન , રિશિ કપુર, અનુપમ ખેર, શબાના આઝમી, પ્રિયંકા ચોપરા, કરણ જોહરઅરુણા ઈરાની, ફરાહ ખાન, તબુ સહિત અનેક કલાકારોએ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી. અનેક અભિનેતા – અભિનેત્રીઓ , સંગીતકારો , ટેકનિિશયનો તેમજ પ્રશંસકોએ શ્રીદેવીના દિયર જાણીતા કલાકાર અનિલ કપુરના નિવાસસ્થાનની મુલાકાત લઈને દિલસોજી પ્રગટ કરી હતી. શ્રીદેવીજીને ચાહકો અને બોલીવુડની હસ્તીઓ દ્વારા શ્રધ્ધાંજલિ આપવાનો દૌર ચાલતો રહ્યો છે. પોતાની પ્રિય અભિનેત્રીના મૃત્યુથી શોકમગ્ન થયોલા ચાહકો સોશ્યલ મિડિયા અને ટ્વીટરના માધ્યમથી  શ્રધ્ધાંજલિ આપીરહ્યા છે. મુંબઈમાં તેમના નિકટના સ્વજનો તેમના અંતિમ સંસ્કાર માટે યોગ્ય ગોઠવણો કરી રહ્યા છે. શ્રીદેવીજીને અતિ પ્રિય સફેદ રંગના પુષ્પોથી એમનું ઘર, કક્ષ અને બંગલો સજ્જ કરવામાં આવી રહ્યો છે.

IANS

આપણી સદીની એક મહાન અદાકારા- કલાધરિત્રીએ અચાનક વિદાય લીધી છે. એમનું મૃત્યું એ કલાજગતને ન પૂરાય એવી ખોટ સાબિત થવાનું. સેંકડો ફિલ્મોમાં વિવિધ પ્રકારની અને પડકારરૂપ ભૂમિકાઓ સર્વોત્કૃષ્ઠ રીતે ભજવીને ભારતીય અભિનયકલાના વિશ્વમાં માતબર યોગદાન આપનાર શ્રીદેવીનું નામ અનેક વરસો સુધી આદર સાથે યાદ કરવામાં આવશે.

IANS

    હિન્દી ફિલ્મ સોલવા સાવનથી બોલીવુડમાં પદાર્પણ કરનારા શ્રીદેવીએ યશ ચોપરાની ઇલ્મ લમ્હે, ચાંદનીમાં ઉત્તમ, લાજવાબ અભિનય કર્યો હતો. મિ. ઈન્ડિયા. ચાલબાજ , સદમા અને અભિનેતા જીતેન્દ્ર  તેમજ અનિલ કપુર સાથેની ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. કારકિર્દીની ઉત્તરાવસ્થામાં ગૌરી શિંદેની ફિલ્મ ઈંગલિશ- વિંગલીશ અને મોમ ફિલ્મમાં તેમના અભિનયની ફિલ્મ – વિવેચકોએ પ્રશંસા કરી હતી. લમ્હે અને સદમાની એમની ભૂમિકાઓ આજે નજર સામે તાદ્રશ થાય છે ત્યારે સજલ નયને નિશબ્દ ચૂપચાપ સ્તબ્ધ છું હું….!!

IANS

    હિન્દી ફિલ્મોમાં હંમેશા પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે. હીરોને – અભિનેતાને કેન્દ્રમાં રાખીને ફિલ્મોની વાર્તાઓ લખાયછે, સંગીત અપાય છે. િફલ્મના કેન્દ્રમાં હીરો જ હોય છે. પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદથી હૃતિક રોશન સુધી આજ પરંપરા ચાલુ છે ત્યારે આ સ્થાપિત પરંપરાને પડકારનારી , પોતાના ઉત્તમ અભિનયથી હીરોઈનનું- નાયિકાપ્રધાન ફિલ્મનું એક આગવું સામ્રાજ્ય માત્ર માત્ર અને માત્ર પોતાની અભિનય પ્રતિભાની તાકાતથી ખડું કરનારા શ્રીદેવીજીને હિન્દી ફિલ્મ જગતના સૌપ્રથમ સુપર સ્ટાર હીરોઈન હતાં…તેમની પ્રતિભાને બિરદાવતાં અનેક- માન- સન્માન, એવોર્ડ તેમને એનાયત થયાં છે.  ભારત સરકારે તેમને પદમશ્રીના સન્માનથી નવાજ્યા છે. પણ એક સાચા કલાકારનું માન, સન્માન , એનો દરજ્જો, એની ગરિમા  નકકી થાય૟છે એના ચાહકોથી. એની ફિલ્મોના પ્રશંસકોથી. એના બેસુમાર પ્રેક્ષકોથી. પોતાની સુદીર્ધ અભિનય કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં , જુદા જુદા પ્રકારની ભૂમિકા ભજવનારા આ મહાન બહુમુખી પ્રતિભાસંપન્ન અનન્ય અપ્રતિમ અભિનેત્રીની  અવિસ્મરણીય અભિનય પ્રતિભાને બાઅદબ સલામ કરું છું.અભિનયકલાની શ્રી, અભિનયવિશ્વની દેવી એટલે શ્રીદેવી ! ઈશ્વર તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના….    

———————

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here