જાણતા નથી, પણ જાણવા જેવું!

0
1261

ઈસવી સન 1908માં લોકમાન્ય બાળગંગાધર ટિળકે પૂનાથી પ્રગટ થતા પોતાના દૈનિક પત્ર ‘કેસરી’માં એક તંત્રીલેખ લખ્યો. અઢીસો વરસ પહેલાં શિવાજીએ અફઝલ ખાનને વાઘ-નખથી મારી નાખ્યો એનો બચાવ કરતા આ લેખમાં ટિળકે તત્કાલીન બ્રિટિશ સરકારને પણ અફઝલ ખાન સાથે સરખાવી હતી. આ લેખને રાજદ્રોહી ગણીને સરકારે ટિળકની ધરપકડ કરી અને કોર્ટમાં કેસ ચાલ્યો. આ કેસનો બચાવ કરનાર વકીલોમાં મહમ્મદ અલી ઝીણા તો હતા, પણ દાવર નામના બીજા એક પારસી વકીલ પણ હતા. અદાલતે ટિળકને રૂપિયા પચાસ હજારના જામીન ઉપર છોડ્યા. આ પચાસ હજાર આજે મામૂલી રકમ લાગે છે, પણ ત્યારે એની કિંમત લાખો નહિ, કરોડોમાં થઈ ગણાય. દ્વારકાદાસ ખીમજી નામના કચ્છથી રોટલો કમાવા દોરી લોટો લઈને મુંબઈ આવેલા અને નેપિયન સી રોડ ઉપર અઢળક જાહોજલાલીમાં વસતા એક વેપારી ગૃહસ્થે આ પચાસ હજાર રૂપિયા ભરીને ટિળકને જામીન ઉપર છોડાવ્યા.
હવે બન્યું એવું કે ટિળકના વકીલ દાવરને સરકારે મુંબઈ હાઈ કોર્ટના જજ બનાવ્યા. અને આ જજ પાસે ટિળકનો કેસ ટ્રાન્સફર કર્યો. પચાસ હજાર રૂપિયા ભરનાર દ્વારકાદાસને સરકારે મુંબઈના શેરીફ બનાવ્યા. જસ્ટિસ દાવરે અપરાધી ટિળકને કાળાં પાણીની સજા ફરમાવી અને સજાના આ ઓર્ડર ઉપર કાનૂની રીતરસમ પ્રમાણે મુંબઈના શેરીફ તરીકે દ્વારકાદાસ ખીમજીએ સહી કરી. સમય કેવા કેવા ખેલ કરે છે એનું એનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
આ દ્વારકાદાસ ખીમજીના ત્રીજી પેઢીના વારસદાર ઉદય દ્વારકાદાસે આ દ્વારકાદાસ પરિવારની વિગતે વાત કરતું એક સરસ પુસ્તક શ્નબ્્યશ્વ ન્ફૂ઱િં્ીણૂક્કઌ મને મોકલ્યું છે. સામાન્ય રીતે દળદાર પુસ્તક વાંચવાની શરૂઆત કરતાં સહેજ સંકોચ થાય, કેમ કે હવે ઓછા સમયમાં વધુ વાંચી લેવાની એક ઝંખના પેદા થયેલી છે, પણ બન્યું એવું કે આ પુસ્તકનું મુદ્રણ, એના ફોટોગ્રાફ્્સ, એનો ગેટ-અપ અને લેઆઉટ્સ આ બધું એવું રૂપકડું લાગ્યું કે આરંભનાં એક-બે પાનાં વાંચ્યાં અને વાંચ્યા પછી આખું પુસ્તક પૂરું કર્યા વિના રહેવાયું નહિ. કચ્છથી રોટલો રળવા આવેલા આ ભાટિયા ગૃહસ્થનું નામ દ્વારકાદાસ, પણ પછી થયેલી ત્રણ-ચાર પેઢીએ આ દ્વારકાદાસને જ પોતાની ઓળખ બનાવી દીધી. ઉપર ટાંકેલો પ્રસંગ દ્વારકાદાસના જીવનનો એક ભાગ છે.
દ્વારકાદાસ ધુરંધર વકીલ થયા. રૂબજારના વેપારી થયા. જાહેર જીવનના અગ્રણી થયા. ઘોડદોડની રેસના રાજા થયા અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે મુંબઈ હાઈ કોર્ટના વકીલનો કાળો કોટ પહેરવાને બદલે છપ્પન ઇંચનું ધોતિયું, લાંબો ડગલો અને માથે ટોપી પહેરીને પ્રેક્ટિસ કરવાની ખાસ સરકારી સંમતિ પણ મેળવી, પણ કુદરત કેવી ફાંટેબાજ છે એ પણ દ્વારકાદાસના જીવનમાં બન્યું. આવા આ દ્વારકાદાસે ફોર્ટના પોતાના રહેઠાણે રિવોલ્વરની ગોળી પોતાના લમણે મારીને આત્મહત્યા કરી. આત્મહત્યાનું કારણ ક્યાંય સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. વારસદારો આર્થિક બેહાલીનું અસ્પષ્ટ કારણ આપવાને બદલે સચ્ચાઈમાં ઊંડા ઊતર્યા હોત તો વાચક માટે આ પૃષ્ઠ બીજી કે ત્રીજી વાર વાંચવું પડે એવું વિચારણીય થયું હોત. (ટાગોર પરિવારના જાણકારોને રવીન્દ્રનાથનાં ભાભી કાદંબરીના અપમૃત્યુનો કિસ્સો-જેનું કારણ પણ આજ સુધી જણાયું નથી એની યાદ આવે ખરી!)
દ્વારકાદાસનાં છ પુત્રો અને પાંચ પુત્રીઓ. પુત્રીઓ સાસરવાસી. પણ છ પુત્રો, એમની પત્નીઓ અને એમનાં સંતાનો – આવું પચીસ-ત્રીસ માણસોનું કુટુંબ એક જ રસોડે જમે. દ્વારકાદાસના મરણ પછી જ્યેષ્ઠ પુત્ર ત્રિકમદાસ પરિવારના વડા અને પચીસ-ત્રીસ માણસો એકસાથે રહેતા હોવા છતાં ત્રિકમદાસનો શબ્દ એ આખરી શબ્દ. એમનો શબ્દ કોઈથી ન ઉથાપાય. પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ કુટુંબ એટલે ભોજન ટાણે ભલે સૌ સાથે ન હોય, પણ શયનની આરતી ટાણે અચૂક હાજર રહેવાની પારિવારિક પરંપરા, ત્રિકમદાસ એટલાં બધાં નાણાં કમાયા કે નેપિયન સી રોડ ઉપર ત્રણ માળનો અને ત્રેવીસ શયનખંડવાળો બંગલો બનાવ્યો. આ બંગલાના આરસના સ્તંભો ઇટાલીથી ખાસ બનાવડાવીને મગાવ્યા. બંગલાનું નામ જય દ્વાર.
ત્રીજા પુત્ર જમનાદાસ દેશી રજવાડાંઓના વકીલ હતા. ત્રાવણકોર, ગ્વાલિયર, ઇન્દોર આ બધાં રાજ્યો સાથે એમને ઘનિષ્ઠ સંબંધો હતા. જમનાદાસ જાહેર જીવનમાં પણ સક્રિય હતા. એની બેસન્ટ સાથે હોમરૂલ લીગમાં સંકળાયેલા અને પછી ગાંધીજીએ જ્યારે હોમરૂલ લીગ પોતાને હસ્તક લીધી અને હોમરૂલને સ્વરાજ્ય સભા બનાવી ત્યારે એના વિરોધમાં એની બેસન્ટ સાથે જમનાદાસે પણ હોમરૂલ છોડી દીધી. ગાંધીજીની એટલા નજીક હતા કે ગાંધીજી એમને પોતાનું લાઉડ સ્પીકર કહેતા. ગિરગામની શાંતાબાઈ ચાલમાં જ્યારે ગાંધીજીની સભા ભરાતી ત્યારે ગાંધીજીના શબ્દો સભાના છેલ્લા ખૂણા સુધી પહોંચાડવાનું કામ જમનાદાસ મોટેમોટેથી બોલીને કરતા. આ પુસ્તકમાં એવી પણ માહિતી છે કે રાજ્યોના વિલીનીકરણ વખતે સરદાર પટેલે જમનાદાસની સહાય લીધેલી અને જમનાદાસને કારણે જ ગ્વાલિયર ભારતીય સંઘ રાજ્યમાં ભળી જનારું સૌથી પહેલું રાજ્ય હતું. (આ મુદ્દો વિશેષ તપાસ માગે એવો છે.)
1921ની અસહકારની લડતમાં જમનાદાસે મહમ્મદ અલી ઝીણા સાથે રહીને વિરોધ કરેલો. એમણે કેન્દ્રીય ધારાસભાના એક સભ્ય તરીકે બોલતાં કહ્યું, અસહકારથી લોકનાં જે ટોળાંઓ રસ્તા ઉપર ઊતરશે એનાથી કાયદો અને વ્યવસ્થા નાશ પામશે. અને સામે પક્ષે કોઈ સરકાર ટકી શકશે નહિ.
મુંબઈના ગવર્નરે પહેલા વિશ્વયુદ્ધમાં હિન્દીઓનું સમર્થન મેળવવા જે બેઠક બોલાવી હતી એ બેઠકમાં ગવર્નરના આપખુદ વલણને કારણે જમનાદાસ, ઝીણા, ટિળક, ગાંધીજી સૌએ સભાત્યાગ કર્યો હતો.
જમનાદાસથી નાના ભાઈ કાનજી ઘણી બધી રીતે ધ્યાન ખેંચે છે. કાનજી મુંબઈની ઘણી મિલોમાં વહીવટકર્તા હતા અને છતાં મિલકામદારોના ટ્રેડ યુનિયનના અગ્રણી નેતા પણ હતા. મિલમજૂરોની કંગાળ હાલત જોઈને એમણે સંગઠનો રચ્યાં અને સરકાર સમક્ષ આ પરિસ્થિતિમાંથી એમને મુક્ત કરવા માટે માગણીઓ કરી અને કાયદાઓ ઘડાવ્યા. કાનજીનું સૌથી અગત્યનું પાસું ઝીણા સાથેની દોસ્તી અને ઝીણા કરતાંય વધુ ઝીણાની પત્ની રૂટી સાથેનું નૈકટ્ય હતું. કાનજી અને રૂટી બન્ને સાથે મળીને મુંબઈના ફોરસ રોડ એટલે કે સ્ત્રીઓના દેહવિક્રય માટે જાણીતા રેડલાઇટ એરિયામાં કામ કરતાં એવી માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ કામગીરીની વિશેષ માહિતી આપી શકાઈ હોત તો રસપ્રદ તો થાત જ, પણ ઉપયોગી પણ થાત.
કાનજી અને ઝીણા વચ્ચેનું સાખ્ય ત્રણ દાયકા કરતાં વધુ ઘનિષ્ઠતાપૂર્વક નભ્યું છે. ઝીણાના છેલ્લા શ્વાસ સુધી કાનજી એમના મિત્ર રહ્યા છે. કાનજી કોંગ્રેસના સભ્ય ક્યારેય નહોતા, પણ હોમરૂલને કારણે ગાંધીજીની નજીક આવ્યા હતા. ગાંધીજી જ્યારે મુંબઈમાં હોય ત્યારે કાનજી તેમને લગભગ રોજ મળતા. ઝીણા સાથે એમનું લંચ કે ડિનર પણ આવું જ નિયમિત હતું. ઝીણા ગાંધીના વિરોધી હતા, એટલું જ નહિ, પાછલા દશકાઓમાં દ્વેષપૂર્ણ કટ્ટર કોમવાદી થયા હતા. કાનજી મજૂર સંગઠનોની ચળવળના મુદ્દે ગાંધીજી એનું નેતૃત્વ લે એવો આગ્રહ કરતા હતા, પણ ગાંધીજીએ એનો ઇનકાર કર્યો હતો, એટલું જ નહિ, અસહકારની લડત વખતે પણ કાનજીએ ગાંધીજીને સમજાવવા કોશિશ કરી હતી, પણ સફળ નહોતા થયા એટલે ગાંધી પ્રત્યે એમના મનમાં અણગમો હોય અને આ અણગમો ઝીણાના ગાંધીદ્વેષ સાથે એકરૂપ થયો હોય એ બનવાજોગ છે. કાનજી-ઝીણા મૈત્રીનાં આ વરસો દરમિયાન બન્ને વચ્ચે થયેલાં સંવાદો અને ચર્ચાઓ, પત્રવ્યવહારો અને અન્ય ઘટનાઓમાં ઊંડા ઊતરીને આ સંબંધો વિશે વિગતે લખાયું હોત તો ઉપયોગી થાત.
સ્વાતંત્ર્ય સંગ્રામ એ કોઈ રાજકીય પક્ષ કે થોડાક રાજપુરુષો દ્વારા ખેલાયેલી પટ્ટાબાજી નહોતી. ઘાંચી, તેલી, તંબોળી સુધ્ધાં ગાંધીટોપી પહેરીને ક્યાંક ને ક્યાંક આ બધામાં એકરૂપ થયા હતા. (બાય ધ વે, કાનજી દ્વારકાદાસ કાળી ટોપી પહેરતા અને આ કાળી ટોપીને લોકશાહી અને રાષ્ટ્રીયતાના પ્રતીક તરીકે ઓળખાવતા એનું રહસ્ય ક્યાંક લખાયું હોત તો સારું થાત.)
એકંદરે આ પુસ્તક અજાણ્યાઓએ ઓળખવા જેવું અને અભ્યાસીઓએ ઊંડા ઊતરવા જેવું બન્યું છે એમાં કોઈ શક નથી.

લેખક મુંબઈસ્થિત સાહિત્યકાર અને કટારલેખક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here