પૌરાણિક કાળમાં કન્યાદાન એ સૌથી મોટું દાન ગણાતું

0
1326

કન્યાઃ
એકતઃ પૃથિવી કૃત્સ્ના સશૈલપનકાનના ૤
સ્વલંકૃતોપાધિહીના સુકન્યા ઐકતઃ સ્મૃતા ૤૤
આ પૌરાણિક શ્લોકનો અર્થ છેઃ કન્યા વિદ્વાનો માટે પણ ધર્મનું સાધન છે. એક બાજુ પર્વત, વન અને જંગલો સહિત સમૂળી પૃથ્વી અને બીજી બાજુ વસ્ત્રાભૂષણોથી અલંકૃત નીરોગી કન્યા – બન્ને એકસમાન છે!
બ્રહ્મપુરાણના આ શ્લોકમાં કન્યાનો મહિમા કરાયો છે. એ જ રીતે પદ્મપુરાણમાં પણ કન્યાનુ માહાત્મ્ય જોવા મળે છે. આ પુરાણમાં પુત્રીને પુત્ર કરતાં ચડિયાતી ગણવામાં આવી છે. દીકરી કુલક્ષણી હોય તો પણ તેને દીકરા કરતાં ઊંચો દરજ્જો અપાયો છે. આ વિધાન પુરવાર કરતાં હિમાલય કહે છે કે, જો કન્યા શીલરહિત અને દુરાચારી હોય તો પણ એક કન્યા દસ પુત્ર જેવી ગણાય છે! જોકે મત્સ્ય મહાપુરાણમાં સારા ચરિત્ર અને આચરણવાળી કન્યાને દસ પુત્રસમાન ગણી છે!
આ કારણસર જ કદાચ પૌરાણિક લોકો કન્યાની કામના કરતા. પોતાને ઘેર પગલીની પાડનર પુત્રી જન્મે એ માટે પ્રાર્થના કરતા, શિવ મહાપુરાણમાં દક્ષ પ્રજાપતિની પત્ની વીરિણીએ શિવાદેવી પોતાની પુત્રી તરીકે જન્મે એ માટે આરાધના કરી હતી. એ પછી હિમાલયની પત્ની મેનાએ મા જગદંબા પાસે કન્યાજન્મનું વરદાન માગ્યું હતું. જોકે મેનાએ પ્રથમ પોતાને સો પુત્ર થાય અને પછી એક પુત્રી થાય તેવી વિનંતી કરી હતી. શિવ મહાપુરાણના રુદ્રસંહિતા-પાર્વતીખંડમાં મેના દેવી જગદંબાને કહે છેઃ ‘પ્રથમ તો મને સો પુત્ર થાઓ. તે બધા લાંબા આયુષ્યવાળા, પરાક્રમી અને રિદ્ધિસિદ્ધિથી યુક્ત હોવા જોઈએ. પછીથી મને એક પુત્રી થાઓ. તે સ્વરૂપ તથા ગુણોથી શોભતી, બન્ને કુળને આનંદકારક અને ત્રણે જગતને પૂજ્ય હોવી જોઈએ. મા જગદંબાએ તથાસ્તુ કહ્યું. પરિણામે મેનાને ઘેર પાર્વતીનો જન્મ થયો. એ જ રીતે શ્રદ્ધાને ઘેર ઇલાનો જન્મ થયો. શ્રદ્ધા મનુની પત્ની હતી. આ બેલડી નિઃસંતાન હતી. તેમને શેર માટીની ખોટ હતી એ ખોટ પૂરી થાય તે માટે વસિષ્ઠ ઋષિએ મિત્રાવરુણ દેવનો યજ્ઞ કર્યો. શ્રીમદ્ ભાગવત પુરાણની નોંધ પ્રમાણે, યજ્ઞના આરંભે શ્રદ્ધા બ્રાહ્મણો પાસે આવી અને પ્રણામપૂર્વક પુત્રી માટે પ્રાર્થના કરી. એટલે હોમ કરનાર બ્રાહ્મણોએ ક્રિયાકાંડ અને મંત્રોચ્ચારમાં ફેરફાર કર્યો. પરિણામે ઇલા નામની કન્યા ઉત્પન્ન થઈ, પણ તેને જોઈને મનુ પ્રસન્ન ન થયા. તેમણે વસિષ્ઠ ઋષિ સમક્ષ પોતાની નારાજગી વ્યકત કરી. એટલે વસિષ્ઠે ઈશ્વરની કૃપાથી ઈલાને સુદ્યુમ્ન નામનો પુરુષ બનાવી દીધી. પછી દેવી ભાગવતમાં પણ આ જ કથાનું વર્ણન કરાયું છે. એ મુજબ મનુએ વસિષ્ઠની આજ્ઞા અનુસાર પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. એ વખતે શ્રદ્ધાએ મનોમન કન્યાની ઇચ્છા કરી. તેથી તેની કૂખેથી કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણોએ કન્યાનું જ ચિંતન કરીને હોમ કર્યો અને ‘કન્યા ઉત્પન્ન થાઓ’ એવા શુભ સંકલ્પ સાથે યજ્ઞનો આરંભ કર્યો. એથી ઇલાનો જન્મ થયો, પણ કન્યાજન્મને પગલે ઉદાસ થયેલા મનુ વસિષ્ઠને શરણે ગયા અને વસિષ્ઠે ભગવાનની કૃપાથી ઇલાનું સુદ્યુમ્નમાં રૂપાંતર કર્યું. આમ મનુની પુત્રલાલસા પૂરી થઈ, પણ શ્રદ્ધાની કન્યાની કામના અધૂરી જ રહી.
શ્રદ્ધાની કન્યાકામના અધૂરી રહી, પણ માલતીની પુત્રીલાલસા પૂરી થઈ. એ વિશે બ્રહ્મવૈવર્ત પુરાણની નોંધ પ્રમાણે, મદ્ર દેશના રાજા અશ્વપતિએ પુત્ર માટે સાવિત્રીદેવીનું તપ કર્યું. એ વખતે રાણી માલતી મનોમન દીકરી ઝંખતાં હતાં. એટલે સાવિત્રીદેવીએ અશ્વપતિને કહ્યુંઃ ‘તારી રાણી કન્યાની અભિલાષા કરે છે અને તું પુત્રકામના કરે છે એથી બન્નેની ઇચ્છા ક્રમશઃ પૂરી થશે એવું વરદાન આપું છું.’ જોકે મત્સ્ય મહાપુરાણમાં માત્ર દીકરીના વરદાનનો ઉલ્લેખ જોવા મળે છે. આ પુરાણમાં આલેખાયેલી કથા મુજબ મદ્ર દેશના શાકલ અશ્વપતિને પુત્ર નહોતો. તેમણે બ્રાહ્મણોના કહેવાથી સર્વ મનોકામના પૂરી કરનારાં સાવિત્રીદેવીની આરાધના કરી. અશ્વપતિ બ્રાહ્મણો પાસે સાવિત્રદેવીને ઉદ્દેશીને દરરોજ સફેદ સરસવનો હોમ કરાવતા. આ રીતે દસ મહિના પૂરા થયા. પછી ચોથના દિવસે સાવિત્રીદેવીએ રાજાને દર્શન આપ્યાં. દેવીએ કહ્યુંઃ ‘તું મારો ભકત છે. માટે તને હું એક પુત્રી આપું છું. મારી કૃપાથી તું સુંદર દીકરી મેળવીશ.’ અને થોડા સમય પછી રાણી માલતીએ રૂપકડી કન્યાને જન્મ આપ્યો. રાજાએ બ્રાહ્મણોને કહ્યુંઃ ‘મેં કરેલા હોમથી પ્રસન્ન થયેલાં સાવિત્રીદેવીએ આ કન્યા મને આપી છે. તે સ્વરૂપમાં પણ તેમના જેવી જ છે. માટે મારી આ કન્યાનું નામ પણ સાવિત્રી રહેશે.’ આમ માલતીની કન્યા માટેની લાલસા પૂરી થઈ.
પૌરાણિક કાળમાં માત્ર સ્ત્રીઓ જ પુત્રીલાલસા કરતી એવું નથી. પુરુષો પણ કન્યારત્નની કામના કરતા. એ કામના પૂરી થતી પણ ખરી. ઉદાહરણ તરીકે સ્કંદ મહાપુરાણમાં વસુદત્ત અને રત્નદત્ત નામના વૈશ્યોએ એક વર્ષ સુધી વીરેશ્વરની આરાધના કરીને સત્યવતી નામની પુત્રી પ્રાપ્ત કરી હતી. વિશ્વકર્મા મહાપુરાણમાં ભગવાન વિશ્વકર્માએ કન્યાદાનનો મહિમા વધારવા માટે પુત્રીઓ ઉત્પન્ન કરી હતી. આ જ પુરાણમાં એક બ્રાહ્મણે કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે વિશ્વકર્મા પાસે પુત્રીરત્નનું વરદાન માગ્યું હતું. એ બ્રાહ્મણની કથા અહીં આલેખી છેઃ ‘એક વાર મનુ તીર્થાટન કરવા નીકળ્યા. ગંગાસ્નાન કર્યું. પછી તટથી થોડે દૂર વૃક્ષ નીચે યોગસમાધિમાં લીન થયા. એ વખતે એક પ્રેત તરફડી રહ્યો હતો. મનુએ પૂછતાં પ્રેત બોલ્યોઃ ‘હું પૂર્વજન્મમાં ચંપાવતી નગરનો ગરીબ બ્રાહ્મણ હતો. મને સંતાનમાં એક પુત્રી હતી. તે યુવાન થઈ ત્યારે અમારા નગરનો રાજકુંવર તેના પર મોહિત થયો. પરણવાની હઠ કરી બેઠો. રાજાએ તેની જીદ આગળ નમતું જોખ્યું. એટલે મારા મનમાં લાલચ પેઠી કે જો હું મારી કન્યાના બદલામાં ધન માગીશ તો રાજા મારી વાત અવશ્ય માનશે. રાજા પોતાના કુંવર માટે મારી કન્યાનો હાથ માગવા આવ્યા ત્યારે મેં પુત્રીના બદલામાં એક ભવન, 10000 સોનામહોર અને 500 ગામ માગ્યાં. રાજાએ મારી માગણી સંતોષી. હું રાતોરાત શ્રીમંત થઈ ગયો. ગરીબી દૂર થવાથી હું ખુશ હતો, પણ કન્યાદાનનું અણમોલ પુણ્ય કમાવાને બદલે કન્યાવિક્રયનું પાપ કરી બેઠો હતો. પરિણામે થોડા જ સમયમાં મને ક્ષયરોગ થયો. હું મૃત્યુ પામ્યો. પ્રેત બન્યો.’ મનુએ તેને શાપમાંથી છુટકારો અપાવ્યો પછી બ્રાહ્મણે વિશ્વકર્માની પ્રાર્થના કરી. કહ્યુંઃ ‘હું કન્યાવિક્રય કરવાથી પ્રેતાત્મા બન્યો હતો, પણ હવે હું કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવા ઇચ્છું છું. તમે મને લગ્ન વિના પુત્રીરત્ન આપો.’
વિશ્વકર્માએ કહ્યુંઃ ‘તમે આ કુંડને કિનારે રહો. તમને અહીં જ પુત્રીરત્ન સાંપડશે.’ બ્રાહ્મણ વિશ્વકુંડને કિનારે બેઠો. એ સમયે દુર્વાસાના શાપથી ઘોડી બનેલી એક અપ્સરા ત્યાં ફરતી હતી. તે ગર્ભવતી હતી. એકાએક તેને એવું લાગ્યું કે તેની પાછળ સિંહ ઊભો છે. સિંહ તરાપ મારશે એવા ભયથી તે કુંડમાં પડી. પડતાંવેંત અપ્સરાએ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. તેને કુંડમાં જ પ્રસવ થયો. પુત્રી જન્મી. અપ્સરાએ પુત્રી બ્રાહ્મણને સોંપી. બ્રાહ્મણે તેનું નામ કનકાવતી રાખ્યું. લાડકોડથી ઉછેરી એક સુપાત્ર બ્રાહ્મણ સાથે કનકાવતીને પરણાવી અને કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કર્યું.
પૌરાણિક કાળમાં કન્યાદાન એ સૌથી મોટું દાન ગણાતું. આ દાન કરનારને અઢળક પુણ્ય મળતું. એટલે જ રાજા અને પ્રજા ઉપરાંત ઋષિમુનિઓ પણ કન્યારત્ન પ્રાપ્ત કરવા જાતજાતના ઉપાય કરતા. શિવ મહાપુરાણમાં મેધાતિથિએ યજ્ઞ કર્યો હતો. યજ્ઞના અંતે તેમણે તપેલા સોના જેવી સુંદર કાંતિવાળી પુત્રીને પ્રાપ્ત કરી. મેધાતિથિએ યજ્ઞના ફળ તરીકે પ્રાપ્ત થયેલી પુત્રીને સ્નાન કરાવ્યું. પ્રેમથી ખોળામાં બેસાડી. તેનું નામ અરુંધતી પાડ્યું. ભવિષ્ય પુરાણમાં રત્નપુરના સાધુ નામના વાણિયાએ સંતાનપ્રાપ્તિ માટે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું હતું. થોડા સમય પછી તેની પત્ની લીલાવતીએ કન્યાને જન્મ આપ્યો. સાધુ વાણિયો પુત્રીના જન્મથી ખૂબ ખુશ થયો. તેણે દીકરીનું નામ કલાવતી રાખ્યું. માર્કંડેય પુરાણમાં પ્રમુરચ મુનિને તેજથી ઝળાંહળાં થતી કન્યા સરોવરમાંથી મળી હતી. તેમણે કન્યાને દીકરી બનાવી. તેનું નામ રેવતી પાડ્યું. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here