દેશને નવી વાહન ક્રેપેજ નીતિ સમર્પિતઃ ફિટનેસ વિનાનાં વાહનો ભંગારવાડે જશે

 

અમદાવાદ :  દેશને નવી વાહન ક્રેપેજ નીતિ સમર્પિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અર્થતંત્ર માટે મોબિલિટી એ અત્યંત મહત્ત્વનું પાસું છે અને તેમાં આવેલી આધુનિકતા થકી ટ્રાવેલ અને પરિવહનનો બોજો તો ઘટશે જ, સાથોસાથ આર્થિક વિકાસ પણ વધુ ઝડપી બનશે. ૨૧મી સદીમાં સ્વચ્છ, ભીડમુક્ત તેમજ સરળ વાહનવ્યવહાર એ સમયની માંગ છે. એટલા માટે પણ આજનું આ પગલું મહત્ત્વનું છે અને તેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રતિનિધિઓ તમામ સ્ટેક હોલ્ડર્સની અગત્યની ભૂમિકા હોવાનું તેમણે ઉમેર્યું હતું.  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં દેશના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ પહેલાંના આ કાર્યક્રમને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્ત્વનું પગલું ગણાવી, નવી ક્રેપેજ પોલિસીને કચરામાંથી કંચન બનાવવાના અભિયાન સાથે સરખાવી હતી.  

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હવે વાહનોને તેની ઉંમર જોઈને જ નહીં પણ ફિટનેસ ટેસ્ટમાં અનફિટ ઠરે તો પણ ક્રેપ કરાશે. એટલે વાહનને ૧૫ વર્ષ થયા નથી પણ ચાલવા માટે અનફિટ છે તો પણ તેને પણ ક્રેપ કરાશે અને તેમાં રોકાણકારો રૂા. ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે. જૂના વાહનને ક્રેપ કરવા પર સર્ટિફિકેટ મળશે. નવા વાહનોની ખરીદી વખતે એ સર્ટિફિકેટ બતાવવા પર રજિસ્ટ્રેશનના નાણાં નહીં આપવા પડે અને રોડ ટેકસમાં પણ અમૂક છૂટ મળશે. બજેટમાં આ નીતિનું એલાન થયું હતું. તેમાં કોમર્શિયલ વાહનોને ૧૫ વર્ષ અને ખાનગી વાહનોને ૨૦ વર્ષ બાદ ભંગારમાં નાખવા પડશે પણ હવે ફિટનેસ ટેસ્ટમાં અનફિટ થાય તો એ પહેલાં પણ ક્રેપ કરવાની જાહેરાત થઈ છે. વડા પ્રધાને કહ્યું કે તેનાથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણીય સમતુલા જાળવવામાં પણ ઉપયોગી થઈ પડશે. ૩આર- રિયુઝ, રિસાઇકલ અને રિકવરીના મંત્રની મદદથી ઓટોસેક્ટરમાં આત્મનિર્ભરતાને નવી ઊર્જા મળશે. દેશમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાની સાથે ૫૦ હજારથી વધુ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. વડા પ્રધાને કહ્યું કે તેમણે ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે અલંગ શિપ રિસાઇકાલિંગનું હબ બન્યું છે અને વિશ્વમાં આ ક્ષેત્રમાં અલંગનો હિસ્સો વધી રહ્યો છે, જેના કારણે રોજગારીની નવી હજારો તકો ઊભી થઈ છે. અને હવે જહાજો પછી વાહનોના ક્રેપિંગનું પણ હબ બનશે.  

તેમણે જણાવ્યું કે આ નવી ક્રેપેજ પોલિસીથી દેશની મોબિલિટીને, દેશના ઓટો સેક્ટરને નવી ઓળખ મળશે. તદુપરાંત, દેશમાં વ્હીકલ પોપ્યુલેશનના મોડર્નાઇઝેશનમાં અને અનફિટ વ્હીકલને વૈજ્ઞાનિક પદ્ધતિથી રસ્તા પરથી દૂર કરવામાં પણ આ પોલિસીની મહત્ત્વની ભૂમિકા બની રહેશે. નવી ક્રેપેજ પોલિસી જાહેર કરવાનો આ સમય અત્યંત મહત્ત્વનો છે, કારણ કે આપણે આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. એટલા માટે આગામી ૨૫ વર્ષ આપણા માટે વધુ મહત્ત્વનાં બની રહેશે. આ વર્ષોમાં આપણી કામકાજની પદ્ધતિ, રોજગાર, વ્યાપાર કારોબારીમાં અનેક પરિવર્તનો આવશે. 

નવી ક્રેપ પોલિસી દ્વારા સામાન્ય પરિવારોને થનારા વિવિધ લાભ અંગે વડા પ્રધાને જણાવ્યું કે પોતાનું જૂનું વાહન ક્રેપમાં આપનારને આ પોલિસી અંતર્ગત એક સર્ટિફિકેટ આપવામાં આવશે, જે બતાવવાથી નવું વાહન ખરીદતી વખતે રજિસ્ટ્રેશનની કોઈ રકમ ચૂકવવી પડશે નહીં. ઉપરાંત, રોડ ટેક્સમાં પણ રાહત મળશે. આ સિવાય, નવા વાહનની મેઇન્ટેનન્સ કોસ્ટ, રિપેરિંગ, ફ્યૂઅલ એફિસિયન્સીમાં પણ ફાયદો થશે. આ સિવાયના અન્ય ફાયદાઓ અંગે  તેમણે ઉમેર્યું કે આ પોલિસીનો ત્રીજો અને મહત્ત્વનો ફાયદો સીધો માનવીના જીવન સાથે જોડાયેલો છે. જૂની ટેક્નોલોજીવાળા વાહનો ક્રેપમાં જવાથી માર્ગ અકસ્માતોમાંથી પણ મુક્તિ મળશે. 

કચ્છમાં ક્રેપ યાર્ડ બનશે : ક્રેપ વાહનોની આયાતમાં કંડલા પોર્ટનો ઉપયોગ : નીતિન ગડકરી 

ગુજરાતમાં અલંગ ઉપરાંત કચ્છમાં જૂના વાહનો જ્યાં ક્રેપિંગ માટે લાવવામાં આવે તેવા ક્રેપ યાર્ડ ઊભા થવાના છે અને સરકાર ખાનગી પાર્ટીઓ પાસે એ યાર્ડ બનાવવા માટે ટેન્ડર મગાવવાની પ્રક્રિયામાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ક્રેપ કરેલા વાહનોની આયાત માટે કંડલા બંદરનો ઉપયોગ થઈ શકે છે. કંડલા પોર્ટમાં ૧૮ મીટરનો ડ્રાફ્ટ છે અને ત્યાં બે લાખ ટનના જહાજ બર્થ સુધી આવી શકે તેવી અનુકૂળતા છે. ભારતને દક્ષિણ-પૂર્વ એશિયામાં ક્રેપિંગનું હબ બનાવવાનું અમારું લક્ષ્ય છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન  નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં સૌથી વધુ રોજગારી આપતી, સરકારને સૌથી વધુ ટેક્સ આપતી અને નિકાસને સૌથી વધુ પ્રોત્સાહન આપતી જો કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો તે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે. 

ગડકરીએ કહ્યું કે, પેરિસમાં યોજાયેલી સમિટમાં અમે પ્રદૂષણ નિયંત્રણના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ઇકોલોજી અને એન્વાયર્નમેન્ટ માટે અમે અનેકવિધ પગલાં લઈને ચોક્કસ નીતિઓ ઘડી છે જેમાં વાહનના બીએસ-૪ એન્જિન ઉત્પાદન પર રોક લગાવી બીએસ-૬ એન્જિન ટેકનોલોજીને કાર્યરત કરાવી છે. જે માટે પેટ્રોલિયમ કંપનીઓએ પણ ઘણો સહયોગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, સૌથી મોટી સમસ્યા અમારી એ હતી કે ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથોસાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકસાનકારક છે અને આ જ બાબત ક્રેપેજ પોલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું. જૂના વાહનો ક્રેપ થતાં ૧૦થી ૧૨ ટકા પ્રદૂષણ ઘટશે. ઓટોમોબાઇલ ક્ષેત્ર સાડા સાત લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને આશરે ૩.૭ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર રોજગારી પૂરું પાડી રહ્યું છે. જે નવા વાહનોની કિંમતમાં ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સંશોધન ક્ષેત્રે નવી સ્પર્ધાઓ થશે પરિણામે નિકાસ વધશે, સરકારને ફાયદો થશે અને રોજગારી પણ વધશે. ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં ૩૦થી ૪૦ હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here