ચીનમાં અત્યાચાર, ભગવાન ઈસુની જગ્યાએ શી જિનપિંગના ફોટા લગાવવા આદેશ

 

બેજિંગઃ ચીનમાં શી જિનપિંગ સરકારે હવે ઉઈગર મુસ્લિમો બાદ દેશના ખ્રિસ્તી સમુદાયને હેરાન પરેશાન કરવાનુ શરૂ કર્યું છે. ખ્રિસ્તીઓ પર જિનપિંગની સરકારે અત્યાચાર શરૂ કરી દીધો છે.

દેશના સંખ્યાબંધ રાજ્યો અને શહેરોમાં ખ્રિસ્તી ધર્મના પ્રતિકો હટાવી દેવાયા છે. પવિત્ર ક્રોસ અને મૂર્તિઓ તોડવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તની તસવીરો હટાવીને શી જિનપિગં તેમજ માઓની તસવીરો લગાવવાના આદેશ ખ્રિસ્તીઓને સરકારે આપ્યા છે. જેનો વિરોધ કરનારા સાથે પોલીસ મારઝૂડ પણ કરે છે.

ચીન સરકારના નવા આદેશ પ્રમાણે ખ્રિસ્તીઓએ ઘરમાંથી પણ ભગવાન ઈશુની તસવીરો અને ચર્ચોમાંથી ક્રોસ તેમજ મૂર્તિઓ હટાવવી પડશે.

મળતા અહેવાલ પ્રમાણે ખાસ કરીને પાંચ રાજ્યો અંશુઈ, જિયાંગ્સુ, હેબઈ, ઝેજિયાંગ અને અનહુઈના સેંકડો ચર્ચોમાંથી ધાર્મિક પ્રતિકો હટાવાયા છે. આ રીત એક મહિનામાં સેંકડો ચર્ચોને સરકારે નિશાન બનાવ્યા છે. દરમિયાન હુઆઈનૈન નામના શહેરમાં તો ધાર્મિક પ્રતિકો હટાવવા માટે ૧૦૦ કર્મચારીઓની ટીમ ક્રેન લઈને પહોંચી હતી. લોકોએ તેનો વિરોધ કર્યો તો તેમની સાથે પણ તેમણે મારઝૂડ શરૂ કરી હતી.

ખ્રિસ્તીઓના સંગઠને ચર્ચો પર ચીનની સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહીની તસવીરો પણ જાહેર કરી છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે, ઈમારતો પર કોઈ પણ પ્રકારની ધાર્મિક ઓળખ હોવી જોઈએ નહિ. સમાનતા સ્થાપવા માટે આવો નિર્ણય લેવાયો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ તો જાહેરાત પણ કરી છે કે, પાર્ટીના ૮.૫ કરોડ કાર્યકરો કોઈ પ્રકારના ધર્મનુ પાલન નહિ કરે.ચીનમાં ૪૦ કરોડ જેટલા લોકો બૌદ્ધ, ૬.૭ કરોડ લોકો ખ્રિસ્તી અને દોઢ કરોડ મુસ્લિમ વસતિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here