૪૮ કલાકમાં હ્યુસ્ટન રાજદૂતાવાસ ખાલી કરો, ચીનને અમેરિકાએ આપ્યું અલ્ટિમેટમ

 

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીનને તેનું હ્યુસ્ટન રાજદૂતાવાસ ૪૮ કલાકમાં ખાલી કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું અને એવો પણ સંકેત કર્યો હતો કે બીજા રાજદૂતાવાસ ખાલી કરવાની તૈયારી રાખજો.

અમેરિકી પ્રજાની બૌદ્ધિક સંપત્તિ અને અંગત બાબતોની જાસૂસી કરવાનો આક્ષેપ ચીનના રાજદૂતાવાસ પર મૂકવામાં આવ્યો હતો. અમેરિકાએ અલ્ટિમેટમ આપ્યા બાદ ચીની રાજદૂતાવાસમાં કેટલાક ખાનગી દસ્તાવેજો અને ફાઇલો બાળી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આની સામે ચીને પણ વળતા હુમલાની ધમકી ઉચ્ચારી હતી. માત્ર ૪૮ કલાકમાં રાજદૂતાવાસ ખાલી કરવાની અમેરિકાની ચેતવણીથી ચીની વિદેશ ખાતામાં ખળભળાટ વ્યાપી ગયો હતો. ચીનના વિદેશ મંત્ર્યાલયે અમેરિકા સામે વળતી કાર્યવાહી કરવાની ધમકી ઉચ્ચારી હતી. બીજી બાજુ હ્યુસ્ટન સહિત અમેરિકામાંના કેટલાક ચીની રાજદૂતાવાસમાં અફરાતફરી મચી ગઇ હતી. હ્યુસ્ટન સહિત કેટલાક ચીની રાજદૂતાવાસે ખાનગી દસ્તાવેજો અને ફાઇલો બાળવા માંડી હતી. આવી ધમાચકડીમાં હ્યુસ્ટન રાજદૂતાવાસમાં આગ લાગી હતી. એટલે ફાયર બ્રિગેડના લાયબંબા ત્યાં ધસી ગયા હતા. જો કે રાજદ્વારી કારણોસર ફાયર બ્રિગેડના જવાનો રાજદૂતાવાસની અંદર ગયા નહોતા. 

આ દરમિયાન સોશ્યલ મિડિયા પર ચીની રાજદૂતાવાસની આગના ફોટા વાઇરલ થયા હતા. આ સંજોગોમાં અમેરિકા અને ચીનના સંબંધો વધુ વણસે એવી શક્યતા નકારી કઢાતી નહોતી.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે ચીનના અન્ય રાજદૂતાવાસો પણ ખાલી કરાવવામાં આવે એવી શક્યતા નકારી કઢાતી નથી. જે રાજદૂતાવાસને ખાલી કરવાનું કહ્યું ત્યાં આગ લાગી હોવાનું મને જણાવવામાં આવ્યું છે. આમાં સાચું શું છે એ સમજાતું નથી. આગ લાગે એટલી હદે દસ્તાવેજો અને ફાઇલો શા માટે બાળી નાખવી પડે? એ લોકોએ છૂપાવવું પડે એવું તે શું ભેગું કર્યું હતું? અમેરિકી વિદેશ વિભાગે એવો આક્ષેપ કર્યો હતો કે ચીની રાજદૂતાવાસ વર્ષોથી જાસૂસીમાં રત હતું માટે અમારે કડક પગલાં લેવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here