આ છે દુનિયાનો એકમાત્ર માણસ જેની અસ્થિ ચંદ્ર પર છે દફન

નવી દિલ્હીઃ વિશ્વમાં ઘણા મહાન વૈજ્ઞાનિકો છે જેમને તેમની સિદ્ધિઓ માટે હંમેશાં યાદ કરવામાં આવે છે. આવા જ એક મહાન વૈજ્ઞાનિક હતા યુજિન મર્લે શુમેકર. તેમણે ઘણા અવકાશયાત્રીઓને તાલીમ આપી છે અને નવું વિજ્ઞાન સ્થાપિત કર્યું છે. ૨૮ એપ્રિલ, ૧૯૨૮ના રોજ જન્મેલા યુજિન ૨૦મી સદીના મહાન લોકોમાંથી એક હતા. તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ૧૯૯૨માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબ્લ્યુ બુશે તેમને વિજ્ઞાનના રાષ્ટ્રીય પદકથી નવાજવામાં આવ્યા હતા.
યુજિનને એરિજોનામાં બૈરિંજર મેટિયોર ક્રેટર જેવા સ્થલી ક્રેટર્સનો અભ્યાસ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના ખગોળ ભૂવિજ્ઞાન અનુસંધાન પ્રોગ્રામના પ્રથમ ડિરેક્ટર પણ હતા. તેમનું પહેલું મિશન યુટા અને કોલોરાડોમાં યુરેનિયમના ભંડાર શોધવાનું હતું. ત્યાર બાદ તેમનું આગળનું ધ્યેય જ્વાળામુખીની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો હતો.
તેમણે બીજા વિજ્ઞાનિકોની મદદથી એ પણ શોધ કરી હતી કે લગભગ સાડાછ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર કયા સ્થાને કયામત આવી હતી. એ સમયે લગભગ ૧૨ કિલોમીટર સુધી વિસ્તરેલી ઉલ્કાઓ પૃથ્વી પર પટકાઈ હતી, એને કારણે ડાઇનાસોર સહિત પૃથ્વી પર રહેતા ૮૦ ટકા જીવોનો નાશ થયો હતો. આ સ્થાન મેક્સિકોનું યુકાટન પ્રાયદ્વીપ છે. તેમણે ચંદ્રનો પણ અભ્યાસ કર્યો હતો. તેઓ હંમેશાં ચંદ્રની સપાટી પર ચાલવાનું સપનું જોતા હતા. જોકે તેમને તેમના સપનાને પૂરું કરવાની તક મળી નહિ. એક ગંભીર બીમારીને કારણે તેઓ ક્યારેય અવકાશયાત્રી બની શક્યા નહિ, પરંતુ ૧૯૯૭માં તેમના મૃત્યુ પછી નાસાએ તેમના અસ્થિને ચંદ્ર પર પહોંચાડી તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વની પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે. તેમનું મોત ૧૮ જુલાઈ ૧૯૯૭ના રોજ એક કાર અકસ્માતમાં થયું હતું. આ અકસ્માતમાં તેમનાં પત્ની પણ ઘાયલ થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here