ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભારત તરફથી હાજર રહેવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રણ

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભારત તરફથી હાજર રહેવા માટે મળેલાં આમંત્રણ બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાની પ્રતિક્રિયા આપતા આભાર માનતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. ઉલ્લેખનીય છે કે ઈમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસની આ ઉજવણીમાં યુએસ પ્રમુખ જો બાઈડેનની જગ્યાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ઇમેન્યુઅલ મેક્રોને પોતાની ઓફિશિયલ પોસ્ટમાં એવું પણ જણાવ્યું હતું કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેનારા છઠ્ઠા ફ્રેન્ચ નેતા હશે. ઉલ્લેખનીય છે કે હાલના વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોમાં પ્રગતિ થઈ રહી છે. આ વર્ષે જુલાઈમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન બેસ્ટિલ ડે પરેડમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સંરક્ષણ મંત્રાલય દ્વારા 26 રાફેલ (મરીન) જેટના સંપાદનને મંજૂરી આપવામાં આવી હતી અને આ ઓર્ડર સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તહેનાત કરવાના હેતુથી આ મંજૂરી આપવામાં આવી હતી. ફ્રાન્સે જેટ ખરીદવા માટે ભારતના પ્રારંભિક ટેન્ડરને પ્રતિસાદ આપ્યો છે અને બંને દેશો દરિયાઈ ક્ષેત્રમાં, ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સહકારની ભાવના વધારી રહ્યા છે. અમેરિકન પ્રમુખ બાઈડેન મુખ્ય અતિથિ તરીકે ભારતનું આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને આ માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે બિઝી શેડ્યુલને કારણે તેઓ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમણે સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધિત કરવાનું છે અને આવતા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવાની છે, આ સિવાય વોશિંગ્ટનનું ધ્યાન અત્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર છે, જેને કારણે પણ તેઓ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here