નાણાંકીય લેવડદેવડ માટે સમાન કેવાયસી રખાશે: નાણાંપ્રધાન

 

નવી દિલ્હી: કેન્દ્રનાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અમે દેશભરની બેન્કો, વીમા કંપનીઓ સહિતની નાણાંકીય સંસ્થાઓમાં નાણાંકીય લેવડદેવડ (ટ્રાન્ઝેક્શન) માટે સમાન નો યોર કસ્ટમર (કેવાયસી) રાખવાની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ.

તેમણે ‘ફિક્કી’ના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં લોકોએ અવાર-નવાર કેવાયસીના દસ્તાવેજો આપવા નહિ પડે.

ફિનટેક ઉદ્યોગે અંતર ઘટાડવું જોઈએ અને સરકાર અને સરકારી એજન્સીઓ સાથે કામકાજ વધારવું જોઈએ, તેવું કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું. નાણાંકીય સેવા માટે ક્લાઉડ સર્વિસ, ઈન્ટરનેટ અને સોટવેર ટેક્નોલોજી વાપરનારી કંપનીઓને ફિનટેક કહેવામાં આવે છે. 

અત્રે યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ કાર્યક્રમમાં એક પ્રશ્ર્નના જવાબમાં સીતારમણે કહ્યું કે વધુ અંતર રાખવાથી અવિશ્ર્વાસ વધે છે. અંતર ઘટાડો અને સરકાર સાથે વધુ બેઠકો કરો, ચર્ચા કરવા, આઈડિયાની આપ-લે કરવા અને કાર્યો માટે વડા પ્રધાન, પ્રધાનો, નીતિ આયોગ વિગેરે સહિત સરકાર હંમેશાં તૈયાર છે. વધુ સંપર્ક કેળવવાથી, વધુ નજીક આવવાથી ભરોસો વધે છે.

ગ્લોબલ ફિનટેક ફેસ્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ મોકલતા કહ્યું હતું કે સર્વ સમાવેશકતા માટે ઈનોવેશન આપણો મંત્ર છે, જેનાથી જનધન યોજના, આધાર અને મોબાઈલ નંબર (જેએએમ) દ્વારા જાહેર સેવાઓ પહોંચાડવામાં ક્રાંતિ કરી શકાઈ છે. ડિજિટલ પેમેન્ટ્સને રોજિંદા જીવનમાં સ્થાન આપવામાં યુપીઆઈ (યુનીફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)ની સફળતા પણ ઈનોવેશનના પગલે મળી છે. લોકોનો ભરોસો જાળવવા સુરક્ષા અને વિશ્ર્વસનીયતા વિકસાવવા ફિનટેક ક્ષેત્રે સતત કાર્યરત રહેવું જોઈએ.

સૂચિત ડિજિટલ કરન્સી અંગે પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે આરબીઆઈ નિયંત્રિત ડિજિટલ કરન્સી બહાર પાડવામાં આવશે. પહેલી ફેબ્રુઆરીએ બજેટ સ્પીચમાં તેમણે કહ્યું હતું કે વર્તમાન નાણાંકીય વર્ષમાં આરબીઆઈ ડિજિટલ ‚પી અથવા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) બહાર પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here