પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન હવે ચૂંટણી નહિ લડી શકે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે તોશાખાન કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સસ્પેન્ડ કરવાની માંગણી કરનારી અરજીને ફગાવી દીધી હતી. ત્યારે હવે ઇમરાન ખાન 8 ફેબ્રુઆરીના રોજ થનાર ચૂંટણી નહીં લડી શકે. 5 ઓગષ્ટના રોજ 71 વર્ષના પૂર્વ ક્રિકેટર અને પછી નેતા બનેલા ઇમરાન ખાનને ઇસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે તોશાખાન કેસમાં દોષી ઠેરવ્યા હતાં. સાથે જ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પક્ષના સંસ્થાપક અધ્યક્ષ પાંચ વર્ષ સુધી ચૂંટણી માટે અયોગ્ય છે એવો નિર્ણય કોર્ટે આપ્યો હતો. ઇમરાન ખાને ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને ઇસ્લામાબાદની હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે 28મી ઓગષ્ટે ઇમરાન ખાનની જામીન મંજૂર કરી હતી. પણ તેમના પર જે ગુનો સાબિત થયો હતો તેને રદ નહતો કર્યો તેથી ઇમરાન ખાન કોઇ પણ સાર્વજનીક પદ માટે અયોગ્ય સાબિત થયા હતાં. પૂર્વ વડાપ્રધાને ત્યાર બાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવાની માંગણી કરી હતી. ગુરુવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે તોશાખાન કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવાની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. નવ પાનાના વિસ્તૃત નિર્ણયમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અમીર ફારુક અને ન્યાયમૂર્તિ તારિક મહમૌર જહાંગીરે નિર્ણય આપતા જણાવ્યું કે, આ અરજી પર ફેરવિચારણા શક્ય નથી તેથી તેને રદ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here