ખેલ મહાકુંભ 2023-24 અંડર-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ ચેમ્પિયન્સ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24 આતંર શાળાકીય સ્પર્ધામાં નારણપૂરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓની ટીમ અંડર-14 ફૂટબોલ ખેલ મહાકુંભ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની છે. શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં આ સ્પર્ધાનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અમદાવાદ જિલ્લાની કુલ 35 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયોલા હોલ પ્રાથમિક વિભાગની શાળાએ ફાઈનલ મેચમાં શાહીબાગની રચના સ્કૂલને 3 -1 ગોલથી હાર આપીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી આ ફાઈનલ મેચમાં પ્રથમ ગોલ એરોન સુજીતે જ્યારે 2 ગોલ જલય ભટ્ટે નોંધાવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં એક તબક્કે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ સામેની મેચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ 1-0થી પાછળ હતી, તે સમયે સેકન્ડ સેકન્ડ હાલ્ફમાં અંતિમ પળોમાં જલય ભટ્ટે એક ગોલ કરી દેતા 1-1 સ્કોર સાથે મેચ પૂરી થઈ હતી. તે પછી પેનલ્ટી શૂટ આઉટમાં તત્વ દિવ્યેશ્વરે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રણ ગોલ રોકી દેતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિજેતા બની હતી.
આ ટુર્નામેન્ટમાં જલય ભટ્ટે કુલ સર્વાધિક 6 ગોલ કર્યા હતા. આ ઉપરાંત ટીમના કેપ્ટન કબિર વાધેલાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટીમના કોચ વિષ્ણુકુમાર સી ચૌહાણના કુશળ અને કાર્યક્ષમ માર્ગદર્શન- તાલીમ હેઠળ અમદાવાદ જિલ્લાની મજબૂત મનાતી ફૂટબોલની ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન્સ બનવાનુ ગૌરવ હાંસલ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here