ગોલ્ડન સિટી જેસલમેરના જાજરમાન રાજવીઓ

0
1313


રાજસ્થાન પોતાના આગવા કલાકસબ માટે જાણીતું છે! મોટાં શહેરોમાં કલાત્મક પથ્થરોની નયનરમ્ય બાંધણી દ્વારા આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. તેમાંય ‘ગોલ્ડન સિટી જેસલમેર’ તો તેના કિલ્લા માટે મુલ્ક-મશહૂર છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં સોનેરી (પીળા) રંગના પથ્થરમાંથી બનેલો ઐતિહાસિક કિલ્લો તાદશ થાય, જેનાં વખાણ તો અવારનવાર થતાં જ રહેતાં હોય છે.


વિશ્વનાં હેરિટેજ ક્ષેત્રોમાંનું એક છે સોનેરી રંગના પીળા પથ્થરોથી બનેલો ભવ્ય કિલ્લો. મહેલો, ટાવર અને હવેલી તો વિશ્વમાં અજાયબી સમાન છે જ, પણ આજે આપણે જેસલમેરના રાજાઓનાં કલાત્મક ચિત્રો સંગાથે આખ્યાન કરવું છે.
જેસલમેરના રાજા ચંદ્રવંશી યાદવ ભાટી શાખાના છે. શ્રીકૃષ્ણ તેમના ઇષ્ટદેવ છે.
‘ગઢ દિલ્હી, ગઢ આગરા, ગઢ રે બિકાનેર,
ભલી ચણયો ભાટિયો સિરે જેસલમેર.’
મહાન ચિત્રકાર લક્ષ્મણ ગોયલ દ્વારા જેસલમેરના બનાવવામાં આવેલાં તૈલચિત્રો અલભ્ય છે. અસાધારણ પેઇન્ટિંગ વર્કથી જેસલમેરના રાજાઓની ખુમારી, ખડતલપણું, તેમની વીરતા, તેમની મૂછો, પાઘડી, અલંકારો, કોસ્શ્યુમ અને ચહેરાના નયનરમ્ય હાવભાવ દર્શાવેલા છે. જેસલમેરમાં હારબંધ ક્રમશઃ ફ્રેમિંગ ચિત્રો તો બનાવેલાં જ છે, પણ તે કયા સમયથી ક્યાં સુધી રહ્યા તેની સાલ પણ તસવીર નીચે લખેલી છે, જેનાથી ટુરિસ્ટોને રાજાઓનો આછેરો પરિચય સાંપડે. આવું અદ્ભુત કાર્ય થયું છે. આ લેખમાં એકથી ઓગણીસ રાજાઓની તસવીર પ્રસ્તુત કરી છે. તમામ તસવીરો ક્રમ પ્રમાણે ગોઠવી છે. તો જેસલમેરના સ્થાપકથી શુભારંભ કરીએઃ
(1) જેસલમેરના સ્થાપક રાજા હતા મહારાવલ જૈસલ દેવજી (ઈ. સ. 1156 -1167). (2) મહારાવલ દુર્જનસાલ (દુદોજી) (ઈ. સ. 1299 – 1311). (3) મહારાવલ ભીમ ઈ. સ. (1577 – 1613 ). (4) મહારાવલ સબલસિંહજી (ઈ. સ. 1650 – 1659). (5) મહારાવલ અમરસિંહજી (ઈ. સ. 1659 – 1701). (6) મહારાવલ જસવંતસિંહજી (ઈ. સ. 1701- 1710). (7) મહારાવલ બુધસિંહજી (ઈ. સ. 1710 – 1720). (8) મહારાવલ તેજસિંહજી (ઈ. સ. 1720 – 1722). (9) મહારાવલ અખેસિંહજી (ઈ. સ. 1722 – 1761). (10) મહારાવલ મૂલસિંહજી (ઈ. સ. 1761 – 1819). (11) મહારાવલ ગજસિંહજી (ઈ. સ. 1819 – 1846). (12) મહારાવલ રણજિતસિંહજી (ઈ. સ. 1846 – 1864). (13) મહારાવલ બૈરિસાલસિંહજી (ઈ. સ. 1864 – 1890). (14) મહારાવલ શાલિવાહનસિંહજી (ઈ. સ. 1890 – 1914). (15) મહારાવલ જવાહરસિંહજી (ઈ. સ. 1914 – 1940). (16) મહારાવલ ગિરધરસિંહજી (ઈ. સ. 1940 – 1950). (17) મહારાવલ રઘુનાથસિંહજી (ઈ. સ. 1950 – 1982). (18) મહારાવલ બ્રિજરાજસિંહજી ઈ. સ. 1982) (19) મહારાજ પૃથ્વીસિંહજી અને છેલ્લે યાદવ પતિનું બે હરણવાળું તેનું રાજપ્રતીક આપવામાં આવેલ છે.
જેસલમેરના સ્થાપક રાજવીથી માંડીને તમામ રાજવીનાં તૈલચિત્રો આપણે નિહાળ્યાં. આ ચિત્રોમાં ચિત્રકારે ખરેખર તો પોતાની કલાનો નિચોડ આપ્યો છે. ભિન્ન ભિન્ન ચહેરા દોરી તેની મૂછો, પાઘડી, પહેરવેશ, કલગી, તલવાર, છરી, તેમની હેરસ્ટાઇલ અને રંગોનું સંમિશ્રણ કરવામાં લક્ષ્મણ ગોયલ ખરેખર કાબેલ ચિત્રકાર છે તે તેમણે સાબિત કરી બતાવ્યું છે.
ધારીને નિહાળવામાં આવે તો તમામ રાજાઓની મુખાકૃતિ બદલાતી રહે છે તેમ તેમની પાઘડી અને પહેરવેશ પણ બદલાય છે. તત્કાલીન સમય તો કદાચ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરકલાનો જ હશે છતાં અગાઉના રાજાઓનાં ચિત્રોને સપ્તરંગી બનાવવા એ ખરેખર એક પડકારજનક કાર્ય હશે, એને આવો પડકાર ઝીલાને જેસલમેરનો મોતીમહલ, જૈસુબકૂવો, ગજમહલ અને જેસલમેરની મુખ્ય ત્રણ હવેલી સાલસિંહની હવેલી, પટવાની હવેલી અને નથમલજીની હવેલી સહિત અન્ય આકર્ષક સ્થળો, જેવાં બાદલ વિલાસ (તાજિયા ટાવર), જવાહર વિલાસ, ત્રિલોકિતા પોળ, જેસલમેરનો મોટો બાગ અને તેનાં વિશાળ સરોવરો ઘડસીસર, મુલસાગર, ગજરૂપસાગર, અમરસાગર તથા જેસલમેરનાં એકસરખાં મકાનોના ઝરૂખા ભવ્યતાતિભવ્ય હોય છે. રાજસ્થાનની સાંસ્કૃતિક કલા અને તેની વેશભૂષામાં છાંટ નીરખવા મળે છે. રાજસ્થાનનું અનેરું આકર્ષણ ‘કઠપૂતળી’ બંગલા-ઘરમાં શોભામાં અભિવૃદ્ધિ કરે છે. રાજસ્થાનના ભીલો રાવણહથ્થો અને કામયાચા નામનાં વાજિંત્રો વગાડે છે.
જેસલમેરના રાજવીઓની તસવીરશ્રેણી નિહાળી આવા અવનવા ઐતિહાસિક નગર જેસલમેરને નિહાળવા અચૂક જવું જોઈએ… તો આવો જેસલમેર… પધારો મ્હારે દેશ…

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here