કોવિડ બાદ વિદેશના વિઝા માટે ભારતીયો દ્વારા વિક્રમી ત્રીસ લાખ અરજીઓ

નવી દિલ્હીःःछःः: ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદા જુદા દેશો માટે લગભગ ૩૦ લાખથી વધુ વિઝા અરજીઓ કરી હતી. કોવિડ અગાઉ ૨૦૧૯માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ ૬૦ લાખ વિઝા અરજીઓ કરી હતી. તેની સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે વિઝા એપ્લિકેશનની સંખ્યાને રેકોર્ડ બને તેવી સંભાવના છે.
લગભગ ૫૦થી વધુ દેશોની વિઝા અરજીઓને મેનેજ કરતી કંપની વીએફએસ ગ્લોબલે આ આંકડા આપ્યા છે. ૨૦૧૯માં હજુ કોવિડ આવ્યો ન હતો અને પ્રોસેસમાં પણ કોઈ અવરોધો ન હતા છતાં ૬૦ લાખ અરજીઓ થઈ હતી. આ વર્ષે જે ઝડપથી વિઝા અરજીઓ થઈ રહી છે તેના પરથી લાગે છે કે ૨૦૧૯નો રેકોર્ડ આસાનીથી તૂટી જશે.
અત્યારે ભારતીયોને અમેરિકા અને યુરોપ જવામાં વધારે લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. વિઝાની પ્રોસેસ લાંબી છે અને ઈન્ટરવ્યૂ માટે પણ સમય લાગે છે. છતાં ભારતીયો જરાય હિંમત હાર્યા વગર વિઝાની અરજી કરતા રહે છે. ૨૦૧૯માં સૌથી વધુ વિઝા એપ્લિકેશનનો રેકોર્ડ બન્યો હતો જે ૨૦૨૩માં તૂટશે તેમ લાગે છે. હાલમાં ભારતીયોન બિઝનેસ અને વિઝિટર વિઝા મેળવવામાં વધારે મુશ્કેલી નડે છે. આ વિઝા માટે ભારતીયોએ લગભગ દોઢ વર્ષ સુધી ઈન્ટરવ્યૂની રાહ જોવી પડે છે. આ ઉપરાંત શેન્ઝેન વિઝા માટે પણ આવી જ સ્થિતિ છે. ખાસ કરીને નોર્વે અને સ્વીડનને બાદ કરતા બાકીના દેશોએ વિઝા એપોઈન્ટમેન્ટની સંખ્યા પર નિયંત્રણ મૂકયું છે. તેના કારણે યુરોપની મુલાકાત લેવા માંગતા માત્ર અડધા ભારતીયોને જ જરૃરી પરમિશન મળે છે. પોર્ટુગલ, પોલેન્ડ, ઈટલી, ફ્રાન્સ અને જર્મનીમાં વિઝાને લગતા ઈશ્યૂ નડે છે.
અમુક પ્રમાણમાં સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડના વિઝા પણ મુશ્કેલ છે. શેન્ઝેન વિઝા મોટા ભાગના લોકોને પરેશાન કરી રહ્યા છે અને છતાં વિઝા એપ્લિકેશનની સંખ્યામાં વધારો થયો છે. કોવિડ પછી થોડો સમય માટે ટ્રાવેલ નિયંત્રણોના કારણે ભારતમાંથી વિઝાની માંગને અસર થઈ હતી. પરંતુ ત્યાર પછી તેમાં ફરીથી ઉછાળો આવ્યો છે. ૨૦૨૧ની તુલનામાં ૨૦૨૨માં વિઝાની માંગમાં ૧૪૦ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯ની તુલનામાં ૨૦૨૨માં માંગ ૩૦ ટકા ઓછી હતી. કેટલાક દેશો પણ હવે વિઝા આપવા માટે વધારે ઉદાર બન્યા છે. ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સએ વીએફએસ ગ્લોબલને દુનિયામાં સાત જગ્યાએ ગ્લોબલ બાયોમેટ્રિક સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે, જેમાં ભારત પણ સામેલ છે. આ ઉપરાંત સ્વીડન સાથે પણ વિઝા કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે. તેથી વીએફએસ ગ્લોબલ હવે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, દિલ્હી અને પૂણેમાં પણ એપ્લિકેશન સેન્ટર પર વિઝાની અરજી
સ્વીકારી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here