જોગ-વિજોગ


(પ્રકરણ – 2)
‘અંકલ-’ રાત્રે ડિનર દરમિયાન ઓમે સહેજ સંકોચભેર વાત છેડી, ‘નેકસ્ટ મંથ મુંબઈની આર્ટ ગેલેરીમાં નવોદિત પેઇન્ટર્સ માટે ગ્રાન્ડ કોમ્પિટિશન આયોજિત થઈ છે. એમાં અમારે કોઈ એક થીમ પર ચિત્રોની શ્રેણી બનાવાની રહેશે; અઠવાડિક પ્રદર્શન પછી ત્રણ નિર્ણાયકોની પેનલ ચિત્રોનું નિષ્ણાત નજરે મૂલ્યાંકન કરી સર્વશ્રેષ્ઠ રજૂઆતને દસ લાખનું પારિતોષિક એનાયત કરશે.’
‘વાહ’ અરવિંદભાઈને વિષયાંતર ગમ્યું, ‘તારે જરૂર પાર્ટિશિપેટ કરવું જોઈએ. વિજેતા તું જ નીવડશે એમાં મને શંકા નથી.’
અરવિંદભાઈને દ્વિધા નહોતી. ઓમનાં ચિત્રો, એની લગની જોઈ-જાણ્યા પછી આર્ટિસ્ટ તરીકે ઓમની લાયકાતમાં બેમત ન હોય.
‘થેન્ક્સ, અંકલ બટ…’ ઓમનો સંકોચ ખુલ્લો થતાં અરવિંદભાઈને ઝબકારો થયો,
‘ઓહ, એન્ટ્રી ફી ભરવાની છે? કાલે ચેક લઈ જજે’
દીકરીથી રૂઠનારા બાપે કેવા વડીલભાવે મારી ભીડની દરકાર કરી! ક્યાં પારકાને પોતાનો કરનાર અરવિંદઅંકલ ને ક્યાં… ઓમે હોઠ કરડ્યો. ના, આ મારું અંગત ઉખેળવાનો અવસર નથી. કદાચ હવે કહીશ તો પણ અંકલને છેતરાયા જેવું લાગશે. ઓમે મન વાળ્યું. જોકે મુદ્દો પૈસાનો નથી. એકાદ બે પેઇન્ટિંગ સારી કિંમતે વેચાયાં એટલે પચાસ હજારની એન્ટ્રી ફી હોવા છતાં પ્રશ્ન નાણાભીડનો નથી…
‘મને ચેક નહિ, તમારી પરમિશન જોઈએ, અંકલ.’
પરમિશન?
‘જી, મેં થીમ વિચારી છેઃ દીકરી વહાલનો દરિયો. દીકરીનું વહાલ દરિયા જેટલું અફાટ છે, પણ એ જ્યારે માવતરનું દિલ તોડી ઘરેથી ભાગી જાય છે ત્યારે એમના જીવતરમાં દરિયા જેટલી ખારાશ છોડી જાય છે એ પણ હકીકત છે…’ ઓમે આંખો મેળવી, ‘એ ખારાશ મારી ચિત્રશ્રેણીનું હાર્દ હશે, અને એનું નામ હશે વૈદેહી.’
વૈ…દેહી! મારી લાડલીનું નામ!
‘આવો, એ શ્રેણીનું પ્રથમ ચિત્ર તમને બતાવું-’
જમ્યા પછી ઓમ અરવિંદભાઈને પોતાની રૂમમાં દોરી ગયો. સામા સ્ટેન્ડ પર લટકાવેલું પેઇન્ટિંગ જોતાં જ અરવિંદભાઈ સ્થિર બન્યા.
અદશ્યમાં તાકી ઘડી હરખાઈ પછી વિષાદમાં ડૂબતા વૃદ્ધ પુરુષની વેદનાના લીંપણમાં પોતાનો મનોભાવ થતો લાગ્યો; ભલે ચિત્રના પાત્રની સૂરત પોતાનાથી જુદી હતી.
‘કહો અંકલ, તમારી વ્યથાને ચિત્રમાં ઉતારવાની મંજૂરી છે?’ પૂછી ઉમેર્યું, ‘નહિ, વિજેતા ઠરવાની લાલચે તમારા અંગત ઘાવ ઉજાગર કરવા જેટલો નિષ્ઠુર હું નથી… પણ આ છ મહિનામાં તમારું દર્દ, તમારી પીડા અનુભવી છે, એને ચિત્રમાં તારી દુનિયાની તમામ દીકરીઓને મેસેજ આપવો છે કે તમારા એક ખોટા પગલાથી તમને અખૂટ ચાહતા તમારા પેરેન્ટ્સની શું અવદશા થાય છે… આવું કરવાથી કોઈ એક વૈદેહી પણ જો માબાપનું વિચારી બ્રિજેશ જેવાની ચુંગાલમાં ફસાતા અટકી તો આપણો પ્રયત્ન લેખે લાગશે.’
તો તો પછી ઇનકાર કેમ થાય?
‘તું તારે જોઈએ એટલાં ચિત્રો બનાવ, ઓમ, મારે સિટિંગ કરવાનું હોય તો પણ કહેજે.’
અરવિંદભાઈના જુસ્સા સામે ઓમના દિમાગમાં પડઘો પડ્યોઃ મારી શ્રેણીમાં એક શીખ પેરેન્ટ્સ માટે પણ હશે, અંકલ, સંતાને આપેલા આઘાતની પ્રતિક્રિયાની મર્યાદા એમણે પણ સમજવી રહી!
તમારો જ દાખલો લો.
કબૂલ, બ્રિજેશ જેવા બદમાશની વાતોમાં આવી વૈદેહી ભાન ભૂલી, ઘરેથી ભાગીને પણ ધરાર એને પરણી… આના પ્રત્યાઘાતમાં તાત્પૂરતું દીકરીને મૃત માની એની સાથેના સંબંધ પર ચોકડી મૂકી દેવાનું સમજાય, પણ વખત વીતતાં દરેક ઘા રૂઝ પર આવે એમ પ્રતિક્રિયાની આક્રમકતા પણ મૃદુ થવી ઘટે. વંઠેલ જમાઈને ભલે ન સ્વીકારો, દીકરીની કાળજી રાખતા, અરે એના ખૈરખબર પૂછતા તો થાવ.
પણ તમે તો ઘર છોડી ગયેલી દીકરીનું ફરી મોં સુધ્ધાં નથી જોયું. લગ્નના દસમા મહિને એણે દોહિત્રના જન્મની વધાઈ દેવા ફોન કર્યો તો ખુશખબર સામે તમે આકરા જ બન્યા – મારે દીકરી જ નથી, ત્યાં દોહિત્ર ક્યાંથી હોય?
આજે તમારો એ દોહિત્ર પણ પંદર વરસનો થઈ ગયો હશે… ક્યાંક તો તમારું લોહી પણ એને પોકારતું હશે, પણ દીકરીએ આપેલા આઘાતમાં આળો બનેલો તમારો અહમ્ તમને ઝૂકવા-નમવા નથી દેતો. અરે, તમે બધું ભૂલી દીકરી-દોહિત્રને આવકારવા તૈયાર પણ હોવ તોય ક્યાં જઈ ટહેલ નાખશો? દીકરી ક્યાં છે, કઈ હાલતમાં છે – કશું જ તો નથી જાણતા તમે! તમારી વેદનામાં એનો વસવસો પણ છે, પીડામાં ભળેલો પસ્તાવો તમને જંપવા નહિ દેતો હોય… તમારી આ વેદના, આ અજંપો ક્યાંક મારા જખમ પર પણ મલમપટ્ટી કરે છે એ પણ તમને નહિ સમજાય! અંગત ઉખેળવા જતાં મનને ઓમે પરાણે થીમ પ્રોજેક્ટમાં વાળ્યું. ‘વૈદેહી’ શ્રેણીને મારે સાર્થક બનાવી દેવી છે, બસ!
000
– ત્યારે કોલકાતામાં-
‘નમસ્કાર, વીરાણીસાહેબ.’ પાનની પિચકારી નાખી આધેડ વયના ડિટેક્ટિવ સોમને ફોન પર અદબભેર અહેવાલ આપ્યો, ‘તમારું કામ થઈ ગયું.’
આટલું સાંભળતા જ સામો છેડો ઊછળ્યો હશે એવી ધારણા સોમેને હજી બાંધી ન બાંધી ત્યાં સામેથી કહેવાયું, ‘બહુ જલદી આપે કામ પતાવ્યું, ડિટેક્ટિવ મોશાય.’
કમબખ્તે પાનનો સ્વાદ ભૂલવી દીધો! પરંતુ મહાનગરમાં પાંચમાં પુછાય એવા આદમીને આમ કહેવું સોમેનની હેસિયત બહાર હતું. પોતે કંઈ બંગાળનો સૌથી ખ્યાતનામ ખાનગી ગુનાહશોધક નહોતો, પણ વીરાણીશેઠનું કામ જ એવું હતું કે બધું મોઘમ રાખી નિપટાવવું પડે એટલે તો મારા જેવાને તક આપી ઓબ્લાઇજ કર્યો.
‘ખેર, તમે મારો ભરોસો સાચવ્યો એ પૂરતું છે. શું ખબર છે? ક્યાં છે મારો શિકાર?’
દીકરા માટે શિકાર શબ્દ અજુગતો લાગ્યો સોમેનને છતાં જતાવ્યું નહિ , ‘મુંબઈ’
‘મને હતું જ..’ સોમેને મેળવેલી ભાળ વિશે વિગતે જાણી વીરાણીએ સર્વજ્ઞાતાનો ભાવ દાખવ્યો,
‘પોતાનો કક્કો ખરો કરવા એ મુંબઈ જ ગયો હોય એવી મારી ધારણા સાચી ઠરી. ધન્યવાદ સોમેન. થોડી વારમાં તમારા અકાઉન્ટમાં બાકીની ફી જમા થઈ જશે પછી તમારે આ એસાઇનમેન્ટ ભૂલી જવાનું છે એટલું જ યાદ રાખજો.’
‘બિલકુલ સાહેબ’ની ખાતરી સાંભળ્યા વિના જ વિજયકાંત વીરાણીએ ફોન કાપી નાખ્યો.
નજર સામી દીવાલમાં જડેલી તસવીર પર ખોડાઈ. ખરેખર તો એ એ 20-22 વરસના જુવાનનું પેઇન્ટિંગ હતું. જાણી જોઈને પોતે દીકરાની આ એક નિશાની એના સ્થાને રાખી હતી જે સતત યાદ અપાવે કે પોતાની મરજી ખાતર મારા આદેશને ઠોકર મારીને એ હાલી નીકળ્યો છે, કોઈ પણ હિસાબે મારે એને પાછો વાળવાનો છે… એટ એની કોસ્ટ!
પેઇન્ટિંગમાં દેખાતા મોહક જુવાનને અરવિંદભાઈએ જોયો હોત તો બોલી પડત – આ તો મારો ઓમ!
સૌરાષ્ટ્રના અનાથ જુવાનની છબી કોલકાતાના ધનિકને ત્યાં ક્યાંથી એ પ્રશ્ન એમને ભુલભુલામણી જેવો પજવત!
***
મુંબઈની દાદાભાઈ નવરોજી આર્ટ ગેલેરીના પ્રવેશદ્વારે બે પળ ઊભા રહી ઓમે બિલ્ડિંગ પર અછડતી નજર ફેંકી.
હરિયાળા ચોગાન વચ્ચે આવેલી બે મજલાની ઇમારત ભલે બે સૈકા જૂની હોય, એનો મોભો અંકબંધ છે. કંઈકેટલા દિગ્ગજ ચિત્રકારોની સફર આ સ્થળેથી આરંભ પામી છે. એમાં હવે મારું નામ પણ સામેલ થવાનું!
રોમાંચ ફરી વળ્યો. સડસડાટ પગથિયા ચડી ઓમ હોલના રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યો. સવારે દસનો સુમાર હતો ને હાલ કોઈ ઇવેન્ટ ઓન નહોતી એટલે ઓપરેટરને પણ વાતોની ફુરસદ હતી.
‘યસ સર, હાઉ કેન આઇ હેલ્પ યુ?’
નમણો ચહેરો ને એવી જ નરમાશભરી પૃચ્છા. પાંત્રીસીમાં પ્રવેશેલી સ્ત્રી ગ્રે સાડીના યુનિફોર્મમાં પણ જાજરમાન લાગી.
‘જી, હું ચિત્રકાર છું, અને નેક્સ્ટ મંથના એક્ઝિબિશન કમ કોમ્પિટિશનમાં મારે પાર્ટિસિપેટ કરવું છે…’
‘ઓહ. તમે એની એન્ટ્રી ફીઝ અહીં જમા કરાવી શકો છો.’
ઓમે ધરેલી કેશ ગણી, સાચવીને ડ્રોઅરમાં મૂકી એણે કોમ્પ્યુટરની સોફ્્ટ કોપીમાં વિગત ભરવા માંડી- નામઃ ઓમ શાહ. રહેઠાણઃ મુંબઈ…
પછી ઉત્સુકતાથી નજરો મેળવી, ‘તમારી ચિત્રશ્રેણીની થીમ શું રહેશે?’
‘જી, વૈદેહી.’
જવાબ સાંભળી એ સહેજ ચમકી, પણ દેખાવા ન દીધું.
‘રામાયણના પ્રસંગ ચીતરવાના છે?’
ઓમ બ્લેન્ક.
‘વૈદેહી સીતાનું બીજું નામ છે.’
‘ઓહ!’ ઓમ ખુલ્લું મલક્યો, ‘જી નહિ. મારે તો લગ્ન માટે ઘર છોડી ભાગી ગયેલી દીકરીના વિજોગમાં તડપતા પિતાની વ્યથા ઝીલવી છે, પસ્તાવો દર્શાવવાનો છે…’
‘પ…સ્તાવો!’ એ સ્ત્રીના હોઠ અમસ્તા જ ફફડ્યા.
‘જી, મારા મકાનમાલિકના કિસ્સા પરથી મને પ્રેરણા મળી…’
મકાનમાલિક. સ્ત્રી ઉત્કઠાંથી બોલી, ‘ઓહ, તમે પેઇંગગેસ્ટ તરીકે રહો છો.’
‘જી’ વાતનો સઢ પોતાના તરફ વળ્યો એટલે સભાનપણે ઓમે વિશેષ લંબાણ ટાળ્યું, પાવતી લઈ ચાલતી પકડી, ‘ધન્યવાદ’.
સામું સ્મિત ફરકાવતી એ સ્ત્રીનું નામ પણ વૈદેહી છે એની ઓમને જાણ હોત તો? એમ તો કોલકાતામાં વિજયકાંત દીકરાની ભાળ મેળવી ચૂક્યાનું પણ જો એ જાણતો હોત તો કદાચ રાતોરાત મુંબઈ પણ છોડી ચૂક્યો હોત!
***
ના, ડેડીએ પેઇંગગેસ્ટની જાહેરાત આપ્યાનું તો માલૂમ છે મને. ઓમ એમનો જ ભાડૂત હોય. એ ડેડી સાથે અંતરંગ થઈ શક્યો છે એનો આનંદ જ હોય…
લાઇફમાં ઘણા વખતે વૈદેહીને સુકુન સાંપડ્યું. જોકે ટાઢકની લાગણી રાત્રે ઘર પહોંચતાં સુધી જ રહી.
‘આવી ગયા મહારાણી?’
બેરોજગાર પતિનું મહેણું તો વણસાંભળ્યું કરી દીધું. વૈદેહીએ, પણ પછી અડધી રાતે આંખ ખૂલી તો બ્રિજેશ પલંગ પર શું, રૂમમાંય નહોતો.
વૈદેહીની ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ. ચુપકેથી બહાર નીકળી તો આંખો ફાટી ગઈ.
દીવાનખંડમાં પંદર વરસનો અંશ રોજની જેમ પથારી કરી સૂતો હતો. એની પડખે લંબાવી બ્રિજેશ એનું પેન્ટ ઉતારતો હતો. વૈદેહીના આગમનની ખબર પડવા છતાં લજાયો નહિ, બલકે ગંદું હસ્યો, ‘બોલ, તારા દીકરાને વટલાવી દઉં?’
વૈદેહી દીકરા પાસે દોડી ગઈ, ‘ઊઠ અંશુ બેટા… ચાલ, મારી સાથે-’
ઊંઘમાં ડગમગતા અંશને રૂમમાં લઈ એણે દરવાજો બંધ કર્યો ને બહાર બ્રિજેશનું અટ્ટહાસ્ય પ્રસરી ગયું. (ક્રમશઃ)

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here