કેનેડામાં ખાલિસ્તાનીઓએ તિરંગો ફાડી ભારતનું અપમાન કર્યું

કેનેડાઃ કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હાકલ કરી હતી.
કેનેડામાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળે દેખાવો યોજાયા હતા. પ્રથમ પ્રદર્શન વાનકુવર, કેનેડામાં હતું, જ્યાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા અને વિરોધપ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો ભારતીય તિરંગાનું અપમાન કરતા અને એને ફાડતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું, જેને ખાલિસ્તાની સમર્થકો જમીન પર પાથર્યું હતું અને એના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.
કેનેડાએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં તેમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. કેનેડિયન નાગરિકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પર કેનેડા સામે વિરોધ અને નકારાત્મક લાગણીઓ ઉશ્કેરવામાં આવી રહી છે.
પન્નુ વતી લોકોને ભારતીય દૂતાવાસની બહાર દેખાવો માટેનું એલાન આપવામાં આવ્યું હતું. SFJનો અંદાજ હતો કે સેંકડો લોકો આ પ્રદર્શનમાં પહોંચશે, પરંતુ એવું થયું નહીં. માત્ર 30 જેટલા લોકો પ્રદર્શન માટે આવ્યા હતા તેમજ એવી માહિતી છે કે તેમાંથી મોટા ભાગના દૈનિક વેતન મામલે પ્રદર્શન માટે એકઠા થયા હતા.
ભારતના કડક વલણ બાદ ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોની ભીડ દિવસે ને દિવસે ઘટી રહી છે. એની પાછળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. ભારત સરકારે હાલમાં વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોની ભીડમાં ચહેરાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે.
આ પછી ભારત સરકાર આ તમામ દેખાવકારોના OCI કાર્ડ રદ કરવા જઈ રહી છે. OCI એટલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા, જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને બેવડી નાગરિકતા પ્રદાન કરે છે. હવે વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો ભારત પરત નહીં આવી શકે એવા ડરથી ખુલ્લેઆમ આગળ આવવાનું ટાળી રહ્યા છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here