ભારત સાથેના સંબંધો ખરાબ નહીં જ કરીએઃ નેપાળ

બૈજિંગ: નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અત્યારે ચીનની મુલાકાતે છે. ચીને તેઓનું જોરદાર સ્વાગત પણ કર્યું હતું. વાસ્તવમાં અત્યારે નેપાળ, ભારત સાથે સંબંધો સુધારી રહ્યું છે. તે ચીનને રૂચે તેમ નથી. ચીન પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યું છે કે, પ્રચંડની આ મુલાકાતને નેપાળ ચીન મૈત્રીના રૂપે પ્રોજેક્ટ કરવામાં આવે અને તેવું દેખાડાય કે નેપાળને ભારત સાથે તેટલા સારા સંબંધો નથી, જેટલા ચીન સાથે છે. જો કે નેપાળના વડાપ્રધાને ચીનમાં એવી વાત કરી કે જેથી સાબિત થઈ જાય છે કે તેઓ કોઈ પણ ભોગે ભારત સાથે સંબંધો બગાડવા તૈયાર નથી. ચીનનાં મુખ પત્ર ગ્લોબલ ટાઇમ્સને આપેલી મુલાકાત સમયે પ્રચંડે કહ્યું કે, ચીન અને ભારત બંને સાથે નેપાળને સારા સંબંધો છે. નેપાળ બેમાંથી એક પણ દેશ સાથે સંબંધો બગાડવા માંગતું નથી. અમે કોઈ પણ કિંમતે ભારત સાથે સંબંધો બગાડવા માગતા નથી.
પોતાની મધ્યમાન રાજનીતિનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે બંને પાડોશી દેશોનું નેપાળના વિકાસમાં પ્રદાન રહેલું જ છે. નેપાળ બંને સાથે સારા સંબંધો રાખવા માગે છે. પરંતુ ભારત સાથેના સંબંધો તો મહત્વના છે. ચીને નાટોની સામે ગ્લોબલ સિકયુરીટી ઇનિશ્યેટિવ સ્થાપેલ છે. તેમાં જોડાવાની પણ પ્રચંડે સ્પષ્ટ ના કહી દીધી છે. જો કે નેપાળના આ ઇન્કારથી ચીન નાખુશ છે. પ્રચંડના આ વલણ અંગે નિરીક્ષકો કહે છે કે ભારત તેના પાડોશી દેશોને સહાય કરતું જ આવ્યું છે. શ્રીલંકા અને બાંગ્લાદેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢયા છે. જયારે ચીન, ફિલીપાઇન્સથી શરૂ કરી વિયેતનામ તાઈવાન, ઇન્ડોનેશિયા અને મલેશિયાને દબડાવતું જ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here