કેદારકંઠ શિખર સાથે સાક્ષાત્કાર

0
1112


(ગતાંકથી ચાલુ)
ચોથો દિવસ – જુડા તલાવથી લુહાસુ (કેદારકંઠ બેઝ-કેમ્પ) – 10250 ફૂટ. 29.12.2015
આજે અમારે કેદારકંઠ બેઝ કેમ્પ પહોંચવાનું હતું આથી ચા-નાસ્તો કરી અને જરૂર પૂરતું લંચ પેક કરીને અમારી સેના તૈયાર હતી નેક્સ્ટ કેમ્પ તરફ કૂચ કરવા માટે. થોડું જ ચાલ્યાં હોઈશું ત્યાં જ ખુલ્લા મેદાન જેવું નજરે પડ્યું, પણ એ મેદાન નહિ, તળાવ હતું, ‘જુડા કા તલાબ.’ હિમાચ્છાદિત પહાડોની ગિરિમાળાઓ અને દેવાદારનાં વૃક્ષોની હારમાળાઓ વચ્ચે આવેલું આ કુદરતી તળાવ જામી ગયું હતું. હળવેકથી ડગલાં ભરતાં અમે તળાવની વચ્ચે ગયા. જામી ગયેલા તળાવ પર ચાલવાનો અનુભવ ખરેખર અવિસ્મરણીય હતો. માનવસહજ ડર સાથે અમે તળાવ પર થોડો સમય પસાર કર્યો. ફોટોગ્રાફ્્સ અને હાસ્યની છોળો વચ્ચે બનેલા એક બનાવે દરેકને ચિંતામાં મૂકી દીધા. 48 લોકોના ગ્રુપમાંનો એક ટ્રેકર જમ્પિંગ ફોટો લેવાના ચક્કરમાં સમતોલન ન જાળવી શકતાં જામેલા બરફ પર સીધો પટકાયો અને થોડી વાર થવા છતાં પણ એ જગ્યાએથી ન હલ્યો, ન તો બીજાએ હલાવવા છતાં કોઈ પ્રતિક્રિયા આપી. ગ્રુપમાંની બે-ત્રણ નર્સોએ આપેલી પ્રાથમિક સારવાર પછી દસેક મિનિટ પછી તે સળવળ્યો અને ભાનમાં આવ્યો. એની પરિસ્થિતિ જોઈને ગાઇડે એવું સૂચન કર્યું કે તેની સ્થિતિ સારી ન હોય તો કોઈ એક ગાઇડ તેને બેઝ કેમ્પ સુધી પાછો મૂકી જશે, પણ તેની તબિયતમાં સુધારો જણાતાં તેણે ટ્રેકિંગ ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી.


બરફ પર ચાલવું આટલું જોખમી હોઈ શકે તેનો અમને અંદાજ આવ્યો નહોતો. હિમાલયના બરફીલા પહાડોમાં જો સહેજ પણ હોશિયારી કરી તો હાડકાં ખોખરાં થતાં વાર લાગતી નથી. માણસ ગમે તેવો તિસમારખાં હોય, પણ કુદરત આગળ તે લાચાર છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી લોકોએ વધુ સમય પસાર ન કરતાં આગળ વધવાનું ઉચિત માન્યું. બરફના થર વચ્ચે બનેલી કેડીઓ પરનો બરફ સખત થઈ ગયો હતો આથી અમે બરફમાં ચઢવાની ટેક્નિક અપનાવી. સૌથી પહેલાં લાકડીને કેડીની બાજુના બરફના થરમાં અંદર સુધી ખૂંપાવી, એડી બરાબર ગોઠવીને પછી આખો પગ મૂકવો. આનાથી બરફમાં પગની પકડ બરાબર આવે છે. અમારી પહેલાં ગયેલા ગ્રુપના ટ્રેકર્સ શિખર સર કરીને અમને સામે મળવા લાગ્યા, અને હિંમત આપવા લાગ્યા કે આગળ ઘણું જ સહેલું છે, બસ તમે હવે પહોંચી જ ગયા છો વગેરે વગેરે. આવું સાંભળીને ખરેખર અમારા જીવમાં જીવ આવ્યો. અને બધી તાકાત એકઠી કરીને ચાલવાનું ચાલુ રાખ્યું. 30 મિનિટનો લંચ બ્રેક લઈ ફરી આગળ વધ્યા. અમારી ફોટોગ્રાફી, મજાક, મસ્તી, તોફાનો ઓછાં થઈ ગયાં, અને બધું ધ્યાન ચઢવા પર જ કેન્દ્રિત કર્યું. કેટલાક લોકોને વારે વારે શ્વાસ ચડી રહ્યો હતો. અનુભવી ટ્રેકર્સે સલાહ આપી કે શ્વાસ ચડે ત્યારે ઊંધા ફરીને ઊભા રહેવું અને ઊંડા શ્વાસ લેવા, આ પ્રમાણે કરવાથી શ્વાસ નોર્મલ થઈ જશે. અને એવું જ થયું, અમે આ સલાહ પ્રમાણે ધીમે ધીમે આગળ વધ્યા અને આખરે કેદારકંઠ બેઝ-કેમ્પ (લુહાસુ) પહોંચ્યા. જેમ જેમ આગળ વધી રહ્યા હતા એમ એમ પ્રકૃતિની અવનવી છટાઓ ખીલી રહી હતી. બેઝ કેમ્પની આ જગ્યા પહેલાંના કેમ્પ કરતાં પણ સુંદર હતી. ટેન્ટ ફાળવાયા પછી, અમે ખૂબ જ ટેસ્ટી સૂપ પીધો, 10250 ફૂટની હાઇટ પર આટલું સ્વાદિષ્ટ ફૂડ મળવું આશ્ચર્યજનક હતું અને છોગામાં ડિનરમાં આપવામાં આવેલા ગુલાબજાંબુએ તો દરેકનાં દિલ ખુશ કરી દીધાં. આવતી કાલે અમારે પરોઢિયે 2.30 વાગ્યે ઊઠવાનું, બેડ ટી-બ્રેકફાસ્ટ પતાવી 4 વાગ્યા સુધીમાં શિખર પર ચઢવાનું ચાલુ કરવાનું હતું. ચઢતી વખતે ફક્ત પાણીની બોટલ અને ટોર્ચ જ સાથે રાખવાની હતી. વહેલી સવારે ચડાઈ શરૂ કરવાની હોવાથી ફરજિયાત 8.00 વાગ્યા સુધીમા ઊંઘી જવાનું હતું.


પાંચમો દિવસ – લુહાસુથી કેદારકંઠ સમિટ – 12500 ફૂટ. 30.12.2015
કેદારકંઠ સમિટથી રિર્ટન લુહાસુ, લુહાસુથી અરગાંવ – 8000 ફૂટ.
આખરે એ દિવસ આવી ગયો, જેના માટે અમે લગભગ 1400 કિમીનો પ્રવાસ ખેડીને આવ્યા હતા. વહેલી પરોઢે ઊઠીને ખાવું થોડું મુશ્કેલ તો છે જ, પણ આજે અમારી શારીરિક ક્ષમતાની સૌથી મોટી કસોટી થવાની હતી અને એટલે જ શરીરને કમ્પલ્સરી ઇંધણની જરૂર હતી. આથી ઇચ્છા ન હોવા છતાં અમે પરોઢિયે 3 વાગ્યે બ્રેકફાસ્ટ કર્યો. હિમાલયમાં હવામાનનું કંઈ કહી ન શકાય વરસાદ પડે કે સ્નોફોલ પણ થાય, આથી અમે ગરમ કપડાંના 3-4 લેયરની ઉપર વોટરપ્રૂફ જેકેટ, ટ્રેક-પેન્ટ અને ગ્લોવ્ઝ પણ ચડાવ્યાં. સાથે નાની સાઇડ બેગમાં જરૂર પૂરતી દવાઓ, થોડા ગ્લુકોઝના ટીકડા અને કપૂર લીધાં. 10000 ફીટની ઊંચાઈ પછી હવા પાતળી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો કપૂર સૂંઘવાથી રાહત રહે છે. ટીમ લીડરના શોર્ટ-બ્રીફિંગ પછી કડકડતી ઠંડી, ચારેબાજુ બરફ અને ટોર્ચ અને લાકડીના સહારે અમે ધીમે ધીમે એક લાઇનમાં ગોઠવાઈને ચઢવાનું શરૂ કર્યું. સદ્ભાગ્યે એ પૂનમની રાત હોવના લીધે અજવાળું હતું, છતાં ટોર્ચની જરૂર પડી રહી હતી. દિવસે સુંદર અને આહ્લાદક લાગતું દશ્ય રાત્રે બિહામણું બની જાય છે. હિમાલયના પહાડો વર્ષોથી ધ્યાનમાં બેઠેલા અઘોરીનો ભાસ કરાવતા હતા જ્યારે વૃક્ષો એમના ભયાનક રખેવાળોની ગરજ સારતાં હતાં. પંખીઓની કિલકારીઓનું સ્થાન શિયાળની લારીઓએ લઈ લીધેલું. કેડીઓ વધુ ને વધુ સીધાં ચઢાણવાળી અને લપસણી થઈ રહી હતી, જેનાથી અમારી ગતિ ધીમી થતી ગઈ. બેઝ-કેમ્પ પર અમને કહેલું કે અમને કદાચ રીંછનો ભેટો થઈ શકે છે, રીંછ તો ન જોયું, પણ સપાટ બરફ પર તાજાં જ પડેલાં રીંછનાં પગલાં જોયાં. જંગલી જાનવરનો ભય કેવો હોય તે એ સમયે સમજાયું જ્યારે ગાઇડે કહ્યું કે રીંછ નજીકમાં જ ક્યાંક હોવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં અમે ચડવાનું ચાલુ રાખ્યું, પણ થાક લાગવાથી વારે વારે ઊભા રહેવા લાગ્યા, પણ આ આરામ ગાઇડને મંજૂર નહોતો. અમે જેવા ઊભા રહીએ કે એની ‘નો વેઇટ’ ‘નો વેઇટ’ની બૂમો ચાલુ થઈ જાય. તેમની બૂમોથી અમે એટલા ટેવાઈ ગયા હતા કે ટ્રેકિંગ પૂરું થયા પછી પણ તેના પડઘા કાનમાં ખાસ્સા વખત સુધી ચાલુ રહ્યા હતા. પણ અમારા ગાઇડભાઈ ખરેખર મજેદાર અને ઉત્સાહી માણસ હતા. આવી આકરી ચડાઈ એના માટે રમતવાત હતી. કોઈને ચડાઈમાં તકલીફ પડે તો તે તરત જ તેની મદદે દોડતાં પહોંચી જતા હતા.
એક સમય એવો આવ્યો જ્યારે હું પણ એમાંની એક હતી, જેને એલ્ટિટ્યુડ/માઉન્ટેઇન સિકનેસ, કહે છે એનો હું ભોગ બની હતી. ચઢાણ એકદમ સીધું આવવા લાગ્યું, અહીં બરફ નહોતો, પણ એની જગ્યાએ મોટા મોટા ખડકો અને તેની બન્ને બાજુએ ઊંડી ખીણ હતી. જો પગ લપસ્યો તો હાડકું પણ હાથ ન આવે એવી એ વિકરાળ જગ્યા હતી. આકરી ચડાઈ અને પહાડની ભયાનકતાના કારણે હું હિંમત હારવા માંડી, મને એવો પણ વિચાર આવ્યો કે અમદાવાદનું શાંત અને સગવડભર્યું જીવન છોડીને હું શા માટે અહીં આવી? મને નબળાઈ જેવું લાગવા માંડ્યું. શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, ચક્કર આવવા, પૂરા શરીરમાં સેન્સેશન્સ થવું વગેરે વગેરે લક્ષણો જણાવા માંડ્યાં. થોડી વાર આરામ કર્યા વગર આગળ વધવું મારા માટે અશક્ય હતું, આથી બધાંનાં સૂચનથી મને એક મોટા પથ્થર પર સુવડાવવામાં આવી. આ સમયે એવું લાગ્યું કે હવે ન તો હું શિખર સુધી જઈ શકીશ કે ન તો હું બેઝ-કેમ્પ પાછી ફરી શકીશ. લગભગ 10-15 સુધી ઊંડા શ્વાસ લીધા અને ગ્લુકોઝ ટેબ્લેટ્સ લીધી ત્યાર પછી થોડું સારું લાગ્યું. ગાઇડે બેઝ-કેમ્પ પાછા જવા તૈયારી બતાવી, મારું મન લલચાઈ તો ગયું, પણ એને હાર મંજૂર નહોતી. અહીંથી હું અમારું લક્ષ્ય કેદારકંઠ જોઈ શકતી હતી, એ પણ જાણે મને સર કરવાનો પડકાર ફેંકી રહ્યો હતો. લક્ષ્યની આટલા નજીક આવ્યા પછી હિંમત હારવી મને સ્વીકાર્ય નહોતી અને ત્યાં પ્રોત્સાહિત કરનારાઓની પણ કમી નહોતી. ત્યાંની હવાઓમાં કંઈક મુગ્ધ કરે એવું હતું. પૂરા ટ્રેક દરમિયાન ક્યારેય વાત ન થઈ હોય અને નામ પણ ન જાણતા હોય એ લોકો પણ એકબીજાને હિંમત આપી રહ્યા હતા અને આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. અમને અહીં જ શીખવા મળ્યું કે ટ્રેકિંગનો અર્થ પહેલાં આવવાની દોટ મૂકવી એવો નથી કે નથી કોઈ સ્પર્ધા. એ તો છે એકબીજાની સાથે ચાલવું, દરેક પરિસ્થિતિમાં સાથ આપવો પછી એ કપરી હોય કે સહેલી. પૂરતી સ્ટ્રેન્થ એકઠી કર્યા પછી અમે આગળ વધ્યા. એક ટોચ પર પહોંચ્યા એટલે અમને લાગ્યું કે અમે શિખર પહોંચી ગયા, પણ પહોંચતાં જ ખબર પડી કે હજુ એક પહાડ ચઢવાનો છે. આ સાંભળીને લોકો ભાંગી પડ્યા. ત્યાં જ અમને ઊગતા સૂર્યનાં દર્શન થયાં, એ સૂર્યનું પહેલું કિરણ અમારા માટે આશાનું પહેલું કિરણ હતું, જાણે કુદરત પણ કહેતી હોય ‘આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’. નીચું જોઈને ચાલવામાં ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે હિમવર્ષા ચાલુ થઈ ગઈ, આગળ જઈ રહેલા ટ્રેકર્સની ચિચિયારીઓ સાંભળી ત્યારે ખ્યાલ આવ્યો. જીવનમાં પહેલી જ વાર સ્નોફોલ જોવાનો લહાવો મળ્યો અને જાણે અત્યાર સુધીની બધી જ તકલીફો બરફમાં ઓગળી ગઈ. અમે કોઈ પરિકથાના પ્રદેશમાં કે સ્વર્ગમાં આવી ગયા હોઈએ એવી લાગણી થઈ. સ્નો ફોલના લીધે અમારામાં થોડો હિંમતનો સંચાર થયો હતો, પણ ગાઇડ તરફથી એલર્ટનું પણ સિગ્નલ મળ્યું કે જો સ્નોફોલ વધી ગયો તો અમે શિખર સુધી નહિ પહોંચી શકીએ અને પાછા વળવું પડશે, એટલે અમે ઝડપ વધારી. ભારે મુશ્કેલી અને આકરી ચડાઈને અંતે અમે આખરે શિખર પર પગ મૂક્યો. જંગ જીત્યો રે મારો કાણિયો રે લોલ…’ની જેમ અમે પણ સમયસર અને સલામતપણે શિખર પર લેન્ડિંગ કરી દીધું હતું. અહીં ઠંડી એટલી કે ફોટો પાડવા માટે ગ્લોવ્ઝ કાઢતાં જ ફ્રોસ્ટ-બાઇટ થતું હોય એવું લાગ્યું, પણ જે લાગણી અમે અનુભવી રહ્યા હતા એ અલૌકિક, અદ્ભુત હતી. મુશ્કેલીઓ વેઠીને શિખરે પહોંચવાની અનુભૂતિ અલગ જ હોય છે. આ અનુભૂતિને વર્ણવવા માટે જ્યારે શબ્દો ખૂટી પડે છે ત્યારે તેનું સ્થાન અશ્રુ લે છે. પછી બધા જ લોકોએ કેમેરાની ચાંપો ધડાધડ દબાવીને આ રોમાંચક દશ્ય કેદ કરી લેવાનું શરૂં કર્યું. હું એક ખડક પર બેસી ગઈ, કારણ કે હું આ મારી નાનકડી સિદ્ધિને બરાબર માણી લેવા માગતી હતી. મારે અહીંની આસપાસની દરેક વસ્તુને મારી સ્મૃતિમાં કેદ કરવી હતી, જેથી હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં અને જ્યારે પણ સ્મૃતિ વાગોળવાની ઇચ્છા થાય ત્યારે ફક્ત આંખ બંધ કરીંને અનુભવી શકું. એ પછી હિમાલયની ગિરિમાળાઓ હોય, ગુલાબી તડકો આપતો સૂરજ હોય, પંખીઓની કિલકારીઓ હોય, છેક ક્ષિતિજ સુધી લંબાયે જતી ચારેબાજુએ પથરાયેલી બરફની ચાદર હોય કે અને ખૂબ જ ખુશ અને આનંદિત લાગતા ચહેરાઓ હોય. અત્યારે જ્યારે હું આ લખી રહી છું ત્યારે પણ રૂવાંડાં ઊભાં થઈ જાય એટલો રોંમાંચ અનુભવી રહી છું એ જ એ વાતનો પુરાવો છે કે મેં એ યાદગાર પળોને સારી રીતે સમેટી હતી. અહીં અમારા માટે શિખર એટલે કેદારકંઠ અને તેની ઊંચાઈ 12500 ફૂટ છે. (ક્રમશઃઃ)(સૌજન્ય‘કુમાર’ સામયિક)

લેખિકા પ્રવાસશોખીન છે અને સાહિત્યપ્રેમી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here